પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી
નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી ।।૧।।
ઢાળ -
નિરધાર સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત ।।
જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।। ર ।।
ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી ।।
જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।। ૩ ।।
આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ ।।
તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ ।। ૪ ।।
ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા ।।
તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના ।। પ ।।
વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર ।।
વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।। ૬ ।।
અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને ।।
ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને ।। ૭ ।।
વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે ।।
વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।। ૮ ।।
પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી ।।
તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી ।। ૯ ।।
મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ ।।
નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ ।। ૧૦ ।।કડવું।।૨૭।।