એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવબંધજી
માયિક સુખનો નવ રહે ગંધજી, ઊઘડે અનુભવ આંખ્ય ન રહે અંધજી ।।૧।।
ઢાળ -
આંખ્ય ઊઘડે અનુભવની, તે તો સાચા સંત જનને સંગે ।।
ઊતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઈ જાય હરિને રંગે ।। ર ।।
તે સંત મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ ।।
જે અર્સપર્સ૨ પામી પૂરણ છે, સહુ સમજી લેજો સુજાણ ।। ૩ ।।
જેમ પારસ સ્પર્શે લોહને, તેમાં લોહપણું લેખવું નહિ ।।
એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ ।। ૪ ।।
તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે ।।
એમાં અન્ય ભાવ આણવો નહિ, એ જ સારી સુબુદ્ધ છે ।। પ ।।
જેમ ચંદન વાસે વૃક્ષ બીજાં, ચંદન સરિખાં થાય છે ।।
તેમ શ્રીહરિના સંબંધથી, સંત કલ્યાણકારી કે’વાય છે ।। ૬ ।।
જેમ જાહ્નવીજળ જળ ગ્રામનું, સ્પર્શીને કરે છે પાવન ।।
તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ હરિજન ।। ૭ ।।
એવા સંતને સંબંધે, દોષ કલંક થાય છે દૂર ।।
શુદ્ધ થઈ જન સર્વે અંગે, પોં’ચે હરિ સમીપે હજૂર ।। ૮ ।।
સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે ત્રેવડો તમે ।।
હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઈ સમે ।। ૯ ।।
જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને, ગરીબ કંગાલ ગણવો નહિ ।।
નિષ્કુળાનંદ એ નરેશ છે, ભૂલે બીજો ભણવો નહિ ।। ૧૦ ।।કડવું ।।૩૯।।