ગઢડા મઘ્ય ૩૧ : મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું
સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ શુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઇ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યાજે, ” સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરૂષોત્તમ એવા જે વાસુદેવભગવાન, તે મહાપુરૂષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે, તે પુરૂષ અક્ષરાત્મક છે, મુક્ત છે, અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરૂષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરૂષ દ્વારાએ વૈરાજપુરૂષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરૂષ તે પુરૂષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય, તેમ એ વૈરાજપુરૂષ થાય છે. એવા જે વૈરાજપુરૂષ તે આ જીવ જેવા જ છે. અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે, ને તે વૈરાજપુરૂષની દ્વીપરાર્ધકાળની આવરદા છે, અને જગતની ઉત્પત્તિ, સ્થ્િાતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે. જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરૂષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત એ ત્રણ દેહ છે, ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવીસ તત્ત્વ તે દ્વારે થયાં છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંત:કરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડયું ને વિરાટનો જીવ પણ માંહી હતો, તો પણ એ વિરાટ ઉઠયું નહિ; અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવભગવાન તે પુરૂષરૂપે કરીને એમાં આવ્યા, ત્યારે એ વિરાટ દેહ ઉઠયું ને એ વૈરાજપુરૂષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા, અને એજ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ધણો થયો છે. માટે સંગદોષે કરીને એે જીવ દેહાદિકરૂપ થઇ ગયો છે, તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારૂં રૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તોપણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઇશ્વર જે વૈરાજપુરૂષ ને આ જીવ, એ સર્વના પ્રકાશક તો પુરૂષરૂપે કરીને પુરૂષોત્તમ એવા વાસુદેવ છે અને એ વૈરાજપુરૂષ પણ જીવની પેઠે બદ્ધ છે. તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે, અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરૂષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરૂષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરૂષને માયાનો સંબંધ રહ્યો છે માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાનો શો સહાય કરે ?’ માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એતો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.
અને વળી એ વિરાટપુરૂષ પણ સંકર્ષણ, અનિરૂદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે. ને સ્થ્િાતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરૂદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનનાં સગુણ રૂપ છે, ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજપુરૂષ જે તે ઉત્પત્તિ, સ્થ્િાતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિષે સામથ્ર્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થ્િાતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે, ત્યારે એ વૈરાજપુરૂષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપે ભગવાનની ઉપાસના કરે છે. ત્યારે ધર્મ, અર્થ, કામરૂપ ફળને પામે છે, અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુકિત થાય, તેમ એ વૈરાજપુરૂષને પણ છે. અને એ વૈરાજપુરૂષ દ્વારાએ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, તે તો એમ સમજવું જે, ‘એ જે વાસુદેવનારાયણ તે પુરૂષરૂપે કરીને વૈરાજપુરૂષને વિષે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે, માટે એ અવતાર તો સર્વે વાસુદેવભગવાનનાજ છે.’ અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજપુરૂષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજપુરૂષ થકી અવતાર સંભવે જ નહિ, માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્યા છે તે સારૂં કહ્યા છે. અને એને વિષે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજપુરૂષ પોતાની ક્રિયા કરવી તેને વિષે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરૂષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાનપુરૂષ દ્વારાએ એક એવો જે વૈરાજપુરૂષ રૂપ દીકરો તે થાય, અને એજ માયામાંથી અનેક પ્રધાનપુરૂષ દ્વારાએ બીજાં પણ ધણાંક એવાં વૈરાજપુરૂષ રૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરૂષ તો નિરન્ન છે, ને મુક્ત છે, ને બ્રહ્મ છે, ને માયાના કારણ છે. તે માયાને વિષે લોમપણે વર્તે છે. તો પણ એને માયાનો બાધ થતો નથી. ને માયાને વિષે એને ભોગની ઇચ્છા નથી. એ તો પોતે બ્રહ્મસુખે સુખિયા છે, ને પૂર્ણકામ છે. અને જે વૈરાજપુરૂષ ઇશ્વર છે, તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે માયાનો ત્યાગ કરે છે. અને જે જીવ છે, તે તો માયાના ભોગને ભોગવીને દુ:ખીયો થકો માયામાંજ લીન થાય છે.”
ત્યારે શુકમુનિએ પુછયું જે, “પુરૂષોત્તમ વાસુદેવ છે તે પુરૂષરૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થ્િાતિ, પ્રલયના કર્તા છે. માટે પુરૂષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરૂષોત્તમને કહ્યા છે, ત્યારે પુરૂષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા, “જેમ આ જીવને વિષે ને વૈરાજપુરૂષ ઇશ્વરને વિષે ભેદ છે, અને વળી જેમ ઇશ્વરને વિષે ને પુરૂષને વિષે ભેદ છે, તેમ પુરૂષ ને પુરૂષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ધણો ભેદ છે. ને પુરૂષોત્તમવાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરૂષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરૂષોત્તમ, પુરૂષ, ઇશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ધેડ બેસારતા નથી, એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી. ને ઠાવકી ધેડ બેસારી હોય તો એની સમજણ કોઇ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજ્યો ને લખજ્યો.” એવી રીતે આ વાર્તા શ્રીજીમહારાજે કરી છે તે લખી છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૩૧|| ૧૬૪ ||