ગઢડા અંત્ય ૧૬ : પતિવ્રતાની ટેકનું
સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, તથા પાઘમાં તોરા અતિશય શોભાયમાન ઝુકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ર્ન પુછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો, તે પ્રશ્ર્ન એ છે જે, ‘ભગવાનનો ભક્ત હોય તેને અવગુણ-વાળાનો ત્યાગ કરતાં કાંઈ વાર લાગે નહિ; પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય, અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજા કોઈક હોય પણ ગુણવાન સંધાથે સહજે જ પ્રીતિ થાય, ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ; માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંધાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ર્ન છે.”પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ, પછી શ્રીજી મહારાજે કહ્યું જે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉતર એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહિ, અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુવે અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે; અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરૂણા આવ્યા હોય તો તેને અન્નજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજળ આપે તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંધાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંધાથે દ્રઢ ટેક છે. તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંધાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંધાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંધાથે પણ પ્રીતિ થાય જ નહિ અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંધાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંધાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને કાંઈક માને તે તો તેના જાણીને માને એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દ્રઢ ભકિત હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે હેત થાય જ નહિ, જેમ હનુમાનજી શ્રીરધુનાથજીના ભક્ત છે, તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભકિત રહી છે, તે માટે હનુમાનજીની ભકિત તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભકિત કહેવાય. અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભકિત કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભકિત ન કરવી. ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભકિત કરવી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૬|| ૨૫૦||