૬૮. ગઢડે મોટેરા સંતોને સંતોવી "ભગવાન મળી ગયા પછી શું કરવું જોઇએ ?" તે વાત કરી "મારા ભકતને અંતકાળે તેડ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:57pm

રાગ સામેરી-

પછી પ્રભુ ગઢડે ગયા, તિયાં તેડાવિયા સંત ।

એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત ।।૧।।

સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખીયા ।

તે સંતને તેડાવિયા, દઇ દર્શન કરવા સુખીયા ।।૨।।

આવ્યા સંત શિરોમણી, જીયાં હતા સુંદર શ્યામ ।

ચરણ ર્સ્પિશ નાથનાં, વળી થયા પૂરણકામ ।।૩।।

પછી મુક્તાનંદજીએ, પુછ્યું પ્રભુને પ્રશન ।

નાથ તમારૂં ગમતું જે, હોય તે કરીએ સાધન ।।૪।।

પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન ।

જયારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન ।।૫।।

પછી જે જે કરવું, તેહની તે કહું વાત ।

ગુરૂ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત ।।૬।।

ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇંદ્રિય મન જીવ ઇશ્વર ।

એકએકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર ।।૭।।

સંત અસંત એક નહિ, તે વિવેકબુધ્ધિ ધારવી ।

મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી ।।૮।।

મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું ।

બિરૂદ મારૂં એ ન બદલે, તે સવેર્જનને જણાવવું ।।૯।।

દાસના દાસ થઇને, વળી જે રહે સત્સંગમાં ।

ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં ।।૧૦।।

મારાં લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ ।

તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ ।।૧૧।।

મારૂં ધાયુર્ં અસત્ય સત્ય થાય છે, સમરથ મારૂં નામ સહિ ।

મારી દૃષ્ટિએ જક્ત ઉપજે સમે, અનેક રૂપે માયા થઇ ।।૧૨।।

પ્રગટ રૂપે સત્સંગમાં, રહું છું રૂડિપેર ।

વળી અવનિએ અવતાર લહું, નૃપ યોગી વિપ્રને ઘેર ।।૧૩।।

જન એટલું એ જાણવું, જે કહી તમને વાત ।

નિઃશંક રહો નાથ કહે, સુણી જન થાય રળિયાત ।।૧૪।।

પછી જનને જમાડવા, પાક કરાવિયા બહુપેર ।

સુંદર આસન આલિયાં, સંત બેસાડ્યા તે ઉપર ।।૧૫।।

શોભે પોતે સુંદર પટકે, લટકે નાડી નવરંગી ।

પલવટવાળી અતિ રૂપાળી, શોભે સુથણી સોરંગી ।।૧૬।।

બીરંજ બોળી ગળી મોળી, ઘૃત સાકરમાંહિ ઘણાં ।

કડી વડી પકોડી પુરી, વ્યંજન વિધવિધ્યતણાં ।।૧૭।।

ભાત ધોળા દુધ બોળાં, રોટલી રસાળિયો ।

જમે જન જીવન જમાડે, વળી ઠેલી ભરે થાળિયો ।।૧૮।।

આંબા લિંબુનાં આથણાં, વળી આદાં કેરાં અતિઘણાં ।

આપે નાથ હાથશું, જમે જન ન મુકે મણાં ।।૧૯।।

જમીજમીને જન સરવે, પરિપૂરણ પોતે થિયા ।

પછી દુધ સાકર દોવટે, દેવા આપે આવિયા ।।૨૦।।

લીયે ન લીયે દિયે પરાણે, હરિ પીરશે હાથડે ।

ના ના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે ।।૨૧।।

જોરે જમાડી હાર પમાડી, પછી ચળુ કરાવિયાં ।

લવિંગ સોપારી એલચી આપી, મુખવાસ મન ભાવિયા ।।૨૨।।

અતિઘણાં સુખ આપવા, જણાય મરજી જીવનની ।

એવી લીલા અપાર કરી, કહી મેં એક દિનની ।।૨૩।।

રમવા રાસ હૈયે હુલાસ, પહેર્યાં અંબર સુંદર અતિભલાં ।

પાઘ પેંચાળી અતિ રૂપાળી, છાજે તિયાં બહુ છોગલાં ।।૨૪।।

ફરે ફુદડી રંગઝડી, ગુલાલની કરે ઘણી ।

પછી દિન વળતે કરી, જને પૂજા જીવનતણી ।।૨૫।।

ચંદન ચરચી હાર સુંદર, પ્રભુને પહેરાવિયા ।

ધૂપદીપ ને આરતી, ઉતારવા જન આવિયા ।।૨૬।।

પૂજા કરીને પાય લાગ્યાં, ચરણ છાતીએ છાપિયાં ।

સનમુખ બેશી શ્યામળે, અલબેલે સુખ આપિયાં ।।૨૭।।

હસતાં રમતાં રૂડું જમતાં, વીતે દન રૂડી પઠ્ય ।

એમ કાંઇક દિન વીતે, આવી પછી કપિલા છઠ્ય ।।૨૮।।

પછી પ્રભુ પ્રકટ થઇ, દિધાં દર્શન દાસને ।

જન જોઇ મગન થયા, અલબેલા અવિનાશને ।।૨૯।।

દેશદેશથી દાસ આવ્યા, તેને દર્શન આપિયાં ।

જેણે નયણે નિરખ્યા, તેનાં તે કલ્મષ કાપિયાં ।।૩૦।।

સુંદર વસ્ત્ર પહેરી સારાં, કાજુ કસુંબી રંગનાં ।

વેઢ વિંટી કડાં કાજુ, બાજુ જડેલ નંગનાં ।।૩૧।।

કમર કશી રહ્યા હસી, વસી જનમન મૂરતિ ।

મોટા મુનિના ધ્યાનમાં નાવે, જેને નેતિનેતિ કહે શ્રુતિ ।।૩૨।।

તે હરિ દયા કરી, દિયે દર્શન પ્રસન્ન ઘણું ।

જેહ જને જીવન જોયા, ભાગ્ય તેનાં હું શું ભણું ।।૩૩।।

પછી પ્રભુજી પધારીયા, નાવા તે નદીએ નાથજી ।

નાતાં નાતાં સુંદર ગાતાં, સરવે સખા સાથજી ।।૩૪।।

નાહિ નાથ પધારીયા, જને કરાવ્યાં ભોજન ભાવતાં ।

તર્ત તાજાં તૈયાર તેહ, જમાડ્યા જીવન આવતાં ।।૩૫।।

પછી જન જમાડિયા, પંગતિ કરી પોતે પિરશું ।

અનેક ભાત્યનાં ભોજન ભાજન, જોઇ જન મન હરખ્યું ।।૩૬।।

જોરાજોર જમાડિયા, જેમ જમાડતલ ભગવાન છે ।

જેમજેમ આલે તેમ ન ઝાલે, સખાપણ સાવધાન છે ।।૩૭।।

પછી સાંજે ધૂન્ય કરી, હરિ બેઠા પોતે ઢોલિયે ।

આપી સંતને આગન્યા, હલિસપદ હવે બોલીએ ।।૩૮।।

ગાતાંવાતાં વીતે રજની, સુંદર સુખ આપ્યાં ઘણાં ।

જુગત્યે જન જમાડિયા, કોઇ રીતે નવ રાખી મણા ।।૩૯।।

સુંદર સારો કર્યો સમૈયો, ભાદરવા વદી ષષ્ઠમી ।

તેદિ ગઢડે કરી લીળા, કહી કથા મેં રસ અમી ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે કપિલાછઠ્યનો ઉત્સવ કર્યો એ નામે અડસઠ્યમું પ્રકરણમ્ ।।૬૮।।