પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું અલૌકિક એહ ।
સાંભળજયો સહુ શ્રવણે, કરી અધિક સનેહ ।।૧।।
મોટા સંત મહારાજના, છે શિરોમણી સંતદાસ ।
ફરે એકલા ઉત્તરે, જેને નહિ જન મન ત્રાસ ।।૨।।
માની વચન મહારાજનું, ધાર્યું અંતરે અનૂપ ।
તે દિના તનભાન ભૂલી, થયા તેહ તદરૂપ ।।૩।।
તેની વારતા સાંભળો, લખું છું લવલેશ ।
જે દેહછતે સિધ્ધદશા પામી, ફરે છે ઉત્તર દેશ ।।૪।।
ચોપાઇ- ધન્ય ધન્ય સાધુ સંતદાસ, જેને નહિ આ તન અધ્યાસ ।
પિંડ છતાં પામી સિધ્ધગતિ, ફરે લોક પરલોકે સુમતિ ।।૫।।
તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ ।
તિયાં જાવું તું અવશ્ય અમારે, સરશે અર્થ તે ગયે તમારે ।।૬।।
કહેજયો આંહિની સરવે વાત, સુણી દલુ થાશે રળિયાત ।
બીજા મુક્ત તિયાં ષટ દશ, એક બાઇ સુંદર સુજશ ।।૭।।
તેને કહેજયો આશિર વચન, જાઓ વેગેશું વેલેરા જન ।
સુણી વચન ચાલ્યા સંતદાસ, દૂરદેશમાં દલુજી પાસ ।।૮।।
અતિ અગમ વિકટ વાટ, ઘણું નદીના ઓઘટ ઘાટ ।
નરતને તિયાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય ।।૯।।
તિયાં ચાલ્યા સંતદાસ જન, માની મહાપ્રભુનું વચન ।
કરી ઇચ્છા ને મિંચિ છે આંખ્યો, ઉડ્યું પંડ આવી જાણે પાંખો ।।૧૦।।
પળ એકમાંહિ તિયાં પહોતા, દિઠા દલુજીને મુક્તે સોતા ।
ઉઠી આવ્યા સામા સંતદાસ, હેતે મળીને બેસાર્યા પાસ ।।૧૧।।
કરી પૂજા મળી વળી જન, પછી ભાવે કરાવ્યાં ભોજન ।
બેઠા સંતદાસ પાસ દલુ, પૂછ્યું પ્રશ્ન ભાવે કરી ભલું ।।૧૨।।
કહો સંતદાસ સાચી વાત, સ્વામી સહજાનંદની વિખ્યાત ।
બોલ્યા સંતદાસ શું હું કહું, આજ વાવરે સામર્થી બહુ ।।૧૩।।
પાપી પામર જીવ જે જગે, તાર્યા કોટી તે દિઠા મેં દ્રગે ।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર કોઇ, થાય સમાધિ સ્વામીને જોઇ ।।૧૪।।
હોય કોઇ નર વળી નાર, વરતે પિંડ બ્રહ્માંડને પાર ।
બહુ શાસ્ત્રે સાંભળી મેં વાત, પણ આજની વાત અખ્યાત ।।૧૫।।
ત્યારે દલુજી કહે સુણો સંત, આજ આવ્યા પોતે ભગવંત ।
બીજા થાય કોટી અવતાર, તેનું કારણ છે નિરધાર ।।૧૬।।
એવી કરી પરસ્પર વાત, સુણી સહુ થયા રળિયાત ।
એમ વાત કરતાં હુલાસે, રહ્યા છ માસ દલુજી પાસે ।।૧૭।।
પછી દલુજી કહે સુણો જન, જાઓ તિયાં કરો દરશન ।
જે છે તે ત્યાં જ છે તમે જાણો, એથી અધિક નહિ પ્રમાણો ।।૧૮।।
પછી સંતદાસે શિખ માગી, ચાલ્યા વેગે વળી બડભાગી ।
આવ્યા સ્વામી સહજાનંદ પાસે, કર્યાં દરશન સંતદાસે ।।૧૯।।
પછી કરી દલુજીની વાત, સાંભળી મહારાજે સાક્ષાત ।
દલુજી તે મુક્ત અવતાર, એક બાઇ પણ નિરધાર ।।૨૦।।
દિવ્યમૂર્તિ એ જાણજયો દોય, અન્ય જનને ભેટ્ય ન હોય ।
તેનાં દર્શન કર્યાં સંતદાસે, રહી પોત્યે ષટ માસ પાસે ।।૨૧।।
એતો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।
પછી રહ્યા તિયાં કાંઇ દન, વળતા એમ બોલ્યા ભગવન ।।૨૨।।
સંતદાસને કહ્યું સાનમાં, જાઓ તમે બદરિવનમાં ।
નરનારાયણ ઋષિરાય, જે રહ્યા છે બદ્રિવન માંય ।।૨૩।।
એકરૂપ અમારૂં છે એહ, બીજું પ્રકટ દેખોછો તેહ ।
બહુરૂપે બહુધામે રહું છું, ત્યાંના વાસીને સુખ દઉછું ।।૨૪।।
પણ બદ્રિકાશ્રમના વાસી, અતિત્યાગ વૈરાગ્યે તપસી ।
માટે એ છે વાલા મને અતિ, તેને જોઇ આવો મહામતિ ।।૨૫।।
પછી ચાલ્યા ત્યાંથી સંતદાસ, નરનારાયણ ઋષિ પાસ ।
એતો વાત છે આશ્ચર્યકારી, જોજયો સહુ અંતરે વિચારી ।।૨૬।।
આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રિપર કરી પ્રવેશ ।
તેતો આ શરીરે ન જવાય, જાય તે તો ઇશ્વર કહેવાય ।।૨૭।।
એવી સાર્મિથ જે થકી આવે, તેતો સર્વનું કારણ કાવે ।
તેની આજ્ઞા લઇ સંતદાસે, ચાલ્યા ઉત્તરખંડે હુલાસે ।।૨૮।।
અતિ વસમા વિકટ ઘાટ, તનધારીને નહીં જાવા વાટ ।
એવી વાટે ચાલ્યા વીતરાગી, ગયા હિમાળાપાર સુભાગી ।।૨૯।।
પછી આવી ત્યાં પથરા નદી, તનધારી તરે નહિ કદી ।
ધાતુ કાષ્ઠાદિક વસ્તુ કાંઇ, થાય પથર પડે પાણીમાંઇ ।।૩૦।।
એવે ગુણે જુક્ત જાણી નીર, પગ ન બોળ્યો બેસીયા તીર ।
કરતા અંબુ ઉતરવા વિચાર, એવે સમે આવ્યા ઋષિ ચ્યાર ।।૩૧।।
કહે કિયાં જાવું મુનિજન, મુનિ કહે જાવું બદ્રિકાવન ।
કહે ઋષિ ચાલો અમસાથ, મિંચો આંખ્યો ઉતરીયે પાથ ।।૩૨।।
મિચ્યાં લોચન ન કરી વાર, આવ્યા દશ જોજન જળપાર ।
તિયાં દિઠું છે આશ્રમ સારૂં, બેઠા ઋષિ જયાં લાખ હજારૂં ।।૩૩।।
શુભ બદ્રિ અદ્રિ એક સાર, તિયાં ગુફા હજારે હજાર ।
મધ્યે ગુફા દીઠી એક ઘેરી, તેતો નરનારાયણ કેરી ।।૩૪।।
તિયાં પહોંત્યા પોત્યે સંતદાસ, ઉઠી આપે મળ્યા અવિનાશ ।
બહુ હેતે કર્યું સનમાન, ભલે આવ્યા કહે ભગવાન ।।૩૫।।
આપ્યાં ઋષિએ અમળ જળ, પછી જમાડ્યાં સુંદર ફળ ।
ત્યાર પછી પૂછ્યું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય ।।૩૬।।
કહે નરનારાયણ નાથ, શું કરે છે હરિ ઋષિસાથ ।
કહે સંતદાસ શું હું કહું, આજ વાત અલેખે છે બહુ ।।૩૭।।
વાવરે છે સામર્થી જે શ્યામ, કહેતાં મન વાણી પામે વિરામ ।
તેતો જાણો છો સરવે નાથ, પૂછ્યું માટે કહું જોડી હાથ ।।૩૮।।
એમ પૂછતાં શુભ સમાચાર, કહ્યા સંતદાસે નિરધાર ।
એમ કહેતાં સાંભળતાં વળી, થઇ સંધ્યા સુંદર નિરમળી ।।૩૯।।
બેઠા શુભાસને બેઉ વીર, આવ્યા દર્શને મુનિ સુધીર ।
નયણાં ભરીને નિરખ્યા નાથ, પછી મળ્યા સંતદાસ સાથ ।।૪૦।।
સહુ બોલાવે હેત સમેત, હૈયે ભાવ દેખાડે છે હેત ।
કહે નારાયણ સુણો સંત, આતો ઋષિ છે ત્યાગી અત્યંત ।।૪૧।।
કોઇકને વીતે વર્ષ બાર, ત્યારે એક દિન કરે આહાર ।
કોઇક ને વીતે ષટ વર્ષ, ત્યારે લાગે છે ભૂખ ને તરસ ।।૪૨।।
કોઇક જમે વરસે એક, ષટ માસવાળા છે અનેક ।
કોઇ કરે છે મહિને આહાર, પક્ષવાળા હજારો હજાર ।।૪૩।।
સવેર્ જન સમાધિયે સુખી, કોઇ રીત્યે ઋષિ નથી દુઃખી ।
સવેર્ નાં છે તપમય તન, અંતરવૃત્તિયે કરે ભજન ।।૪૪।।
જયારે ઇચ્છે અન્ન જળ જેહ, આપી જાય સિધ્ધિ સદ્ય તેહ ।
એમ વાત કરી નરવીરે, સુણી સંતદાસજી સુધીરે ।।૪૫।।
એમ કરતાં વીત્યા કાંઇ દિન, કર્યું માનસરે જાવા મન ।
ત્યારે સંતને કહે નરવીર, ન્હાશો નીરે નહિ ખમે શરીર ।।૪૬।।
માટે વણ નાહ્યે વહેલા વળજયો, મુનિસહિત જોઇ મને મળજયો ।
પછી માનસરે ગયા જન, દિઠાં હંસ કમળનાં વન ।।૪૭।।
જોઇ પાછા વળ્યા ઋષિરાય, નાહ્યા સંતદાસજી તે માંય ।
વ્યાપી શીત ને ઠર્યું શરીર, લાવ્યા ઉપાડી જયાં નરવીર ।।૪૮।।
પછી બહુ તાપે તપાડ્યું તન, ત્યારે સચેત થયા મુનિજન ।
પછી લાગ્યા નારાયણ પાય, રહ્યા માસ પક્ષ મુનિ ત્યાંય ।।૪૯।।
પછી નરવીર કહે સંતદાસ, તમે જાઓ મહાપ્રભુ પાસ ।
જે છે તેતો સરવે છે તિયાં, શાને બેસી રહો સાધુ ઇયાં ।।૫૦।।
એમ કહી શિખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચ્યારને સાથ ।
તે ઉતારી ગયા નદી પાર, વળ્યા પાછા કરી નમસ્કાર ।।૫૧।।
ચાલ્યા મુનિ હૈયામાં હુલાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે ।
તેનો હઠયોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ ।।૫૨।।
રાજા જાતો સમાધિમાં જયારે, રહેતો ષટમાસ સુધી ત્યારે ।
રાજ સાજ સુત ને કલત્ર, તિયાં સાંભરતું તું નિરંત્ર ।।૫૩।।
તેને સંતદાસે સુખી કિધો, અન્યભાવ ઉગવા ન દીધો ।
કરાવ્યાં પ્રકટનાં દર્શન, થઇ સુખી રાયે તજયું તન ।।૫૪।।
ફુટી તાળુ ને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાણ ।
ત્યાંથી સંતદાસજી સધાવ્યા, એક વેરવાલે ગામ આવ્યા ।।૫૫।।
ઝાલ્યા તસ્કર કરીને તેણે, અતિપ્રહાર કરી બાંધ્યા એણે ।
હેરૂ જાણી દિયે દુઃખ બહુ, કરે મારવા મનસુબો સહુ ।।૫૬।।
તેનાં સગાંવાલાં જન જેહ, આવ્યા નાથ રૂપ ધરી તેહ ।
મળી વળી મુકાવિયો જન, ચાલ્યા દાસને દઇ દરશન ।।૫૭।।
ત્યાંથી સંતદાસજી સધાવ્યા, ઘણે દને ગુજરધર આવ્યા ।
જેતલપુર ડભાણ ગામ, દિન દશ કર્યો વિશરામ ।।૫૮।।
પછી ત્યાંથી આવ્યા પ્રભુ પાસ, મળ્યા નાથ સાથે સંતદાસ ।
સનમુખ બેસી સંતજને, કહ્યું જે જે પૂછ્યું ભગવને ।।૫૯।।
કરી સુંદર વારતા સાને, સમજી સુણી નહિ કેણે કાને ।
કહ્યું અલૌકિક જે આખ્યાન, સમજે સંત કહે શ્રીભગવાન ।।૬૦।।
પછી નાથ કહે ધન્ય ધન્ય, તમ જેવો બીજો નહિ જન ।
તમે પામિયાછો સિધ્ધ ગતિ, માટે સહુથી મોટા તમે અતિ ।।૬૧।।
હવે ફરો સતસંગમાંઇ, કરો વાત તમે દીઠી ત્યાંઇ ।
એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સઇ વાત ।।૬૨।।
વાત મોટી છે મહારાજતણી, કહી ન જાય મુખથી ઘણી ।
હરિ હરિજનનો મહિમાય, કહે યથારથ ન કહેવાય ।।૬૩।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ-મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે સંતદાસજીને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણત્રિશમું પ્રકરણમ્ ।।૧૨૯।।