જેમના ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ જેવા પદોએ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને ડોલાવ્યા હતા. ‘જનની જીવો રે ગોપીચંદની રે’ જેવા પદોએ અનેક રાજાઓના હૈયાને હચમચાવ્યા. અને આજે પણ આવા વૈરાગ્યપ્રેરક અને ભકિતપ્રધાન ગ્રંથો દ્વારા સૌના હૈયામાં ચિરંજીવી બનીને રહેલા એવા વૈરાગ્યમૂર્તિ સદ્.શ્રી નિષ્કુળાનંદસ્વામીનો જન્મ વિ.સં.૧૮૨૨, મહા સુદ-૫ વસંતપંચમીને દિવસે જામનગર જીલ્લાના શખેપાટ ગામે થયો હતો. પિતાનું નામ રામજીભાઇ, માતાનું નામ અમતૃ બા અને તમેનું પૂર્વાશ્રામનું નામ લાલજી સથાર હતું તેમની ધમર્પત્નીનું નામ કંકુબાઇ અને માધવજી તથા કાનજી તેમના બે પુત્રો હતા.
સમર્થ સદગુરુ રામાનંદસ્વામી તેમના ગુરુદેવ હતા. ગુરુ આજ્ઞાથી સંસારમાં રહ્યાં પરંતુ તેમનું જીવન જળકમળવત્ નિર્લેપ હતું. ગુરુદેવ રામાનંદસ્વામીએ સર્વાવતારી શ્રી સહજાનંદસ્વામીને ધર્મધૂરા સોંપી ગાદીએ બેસાડ્યા ત્યારે લાલજીભાઇ જેતપુર આવ્યા અને પોતે જ તૈયાર કરેલ ડામચીયો શ્રીહરિને સમર્પણ કરી શ્રીહરિને પોતાને ગામ પધારવા પ્રાર્થના કરી હતી.
ગુરુદેવ ધામમાં ગયા પછી શ્રીહરિનો દઢ નિશ્ચય થયો અને અનન્ય ભાવે ભકિત કરવા લાગ્યા. સત્સંગ કથા-વાર્તામાં એટલી બધી તીવ્ર શ્રદ્ધા હતી કે, મહારાજ ભાદરા પધારેલા ત્યારે પોતાના ગામથી ૨૧ કી.મી. દૂર હોવા છતાં પોતાનું કામ પુરું કરી રાતે ભાદરા પહોંચી જાય. રાત્રે કથા-વાર્તા સાંભળી ત્યાં સૂઇ રહે. સવારે વહેલા ઊઠી ચાલી નીકળે. આવા સત્સંગ-ભજનના આગ્રહી હતા.
એક વખત લાલજીભાઇ પોતાને ઘરે સુથારીકામ કરી રહ્યા હતા અને એકાએક હાથામાંથી વાંસલો છટક્યો ને ઊંચે ઊડી બરાબર લાલજીભાઇના માથા પર પડ્યો. તીક્ષ્ણ ધારવાળા એ સાધને માથામાં ઊંડો ચીરો પાડી દીધો. લોહીની ધારા વહી. તુર્તજ બેભાન થઇ લાલજીભાઇ ઢળી પડ્યા. તેમની માતા અને પત્ની પણ રડવા લાગ્યા. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પધાર્યા અને તુર્તજ લાલજીભાઇનું મસ્તક ખોળામાં લઇને ઘા ઉપર પોતાનો અભયપ્રદ હસ્ત દબાવી લોહી બંધ કરી દીધુ. પછી અમૃતબાને કહ્યું - રડો છો શા માટે? જાઓ જલ્દી શીરો બનાવી લાવો.
શીરો આવ્યો એટલે મહારાજ કહે, "લાલજીભાઇ ! જાગો, આ શીરો જમો." ઊંઘમાંથી જાગે તેમ લાલજીભાઇ ભાનમાં આવીને શીરો જમ્યા. જાણે કે કાંઇ બન્યું જ ન હોય ! મહારાજ કહે, "લાલજીભાઇ ! માથું દુઃખે છે ?" "ના મહારાજ." લાલજીભાઇએ જવાબ આપ્યો. મહારાજે માડીને કહ્યું - "માઁ, માથામાં જુઓ, હવે કેવું છે ?" જોયુ તો માથામાં પડેલો કાપો સંપૂર્ણ મટી ગયો હતો. આ રીતે પ્રભુએ એમને બચાવ્યા હતા.
ત્યારપછી તો લાલજીભાઇની લગની સત્સંગમાં વાયુ વેગે વધવા લાગી. હવે તેઓ આ જીવતર એકમાત્ર જગદીશને ખાતર ખર્ચી નાંખવા તલપાપડ બન્યા. રાત-દિવસ તે માટે પ્રગટ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. જાણે તેમની પ્રાર્થનાને સંપૂર્ણ કરવા જ એક દિવસ સ્વયં શ્રીહરિ શેખપાટ પધાર્યા. ત્યાંથી કચ્છની વાટે જતા શ્રીહરિએ લાલજીભકતને ભોમિયા તરીકે સાથે લીધા. રસ્તામાં જતા કચ્છના કોરા એ રણમાં લાલજીને અત્યંત તરસ લાગી. કંઠે પ્રાણ આવી ગયા. ત્યારે પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદસ્વામીએ સમુદ્રનું પાણી મીઠુ કરી પાણી પાયું ને ફરી યાત્રા આગળ વધી. જેના માટે આ ખારો સાગર મીઠો કરવામાં આવ્યો હતો તેનો સંસાર સાગર ખારો ઝેર કરવાની જ આ યાત્રા હતી. તેની લાલજીને ખબર ન હતી. પણ આગળ જતા ગામ આધોઇ આવ્યું.
ગામના ચોરે ઉતારો કરી પ્રભુએ ગામમાંથી ભીક્ષા માગી લાવવા કહ્યું. ત્યારે લાલજીએ ચોખવટ કરી - "મહારાજ ! આ મારા સસરાનું ગામ છે." અનંતના ઉદ્ધાર માટે જ જેનું પ્રાગટ્ય છે એ પ્રભુજીએ તરત જ લાલજીભાઇની મૂછ કાપી ભગવી અલ્ફી પહેરાવતા કહ્યું - "બહુ વર્ષોથી તમને જેની તમન્ના છે તે આજે હવે પૂરી કરીએ. આજથી તમે મારા સંત ને નિષ્કુળાનંદ તમારુ નામ. જાવ હવે તમને કોઇ નહિ ઓળખે." આ રીતે અચાનક સંસારનો અંચળો ઉતારી સંત બનેલા શ્રી નિષ્કુળાનંદસ્વામીને શ્રીહરિએ ત્યાંજ ‘યમદંડ’ રચવાની આજ્ઞા કરી. "અરે મહારાજ ! કાળા અક્ષર કુહાડે માર્યા, હું કાંઇ ભણ્યો નથી." સ્વામીએ સ્પષ્ટતા કરી. હૈયાના હેતથી આશીર્વાદ આપતા શ્રીહરિએ કહ્યું, "જાઓ આજથી તમે લખો તે કવિતા થશે અને બોલો તે છંદ છપ્પયમાં ગોઠવાઇ જશે" એટલે મહાવિશ્વાસુ આ મુકતાત્માએ તરત જ સાહિત્ય સર્જનની સેવા સ્વીકારી લીધી. પછી તો સદ્.નિષ્કુળાનંદ સ્વામીની બુદ્ધિમાં સ્વયં સહજાનંદસ્વામી બેઠા પછી એમાં ખામી જ શું હોય ? સ્વામીની વાણી એટલે ગંગાજીના પાણી. મુમુક્ષુના અંતર સાફ કરવાની સાવરણી. પછી તો ભગવાનને ભેટાડવા માટે જ પ્રગટેલી આ ભાગીરથી પૂરપાટ વહેતી થઇ.
આ બાજુ સંત બનેલા સદ્.નિષ્કુળાનંદસ્વામીને તેમના ધર્મપત્ની કંકુબાઇ, બંને પુત્રો, સાસુ-સસરા તથા ગામના રાજાએ ખૂબ મનાવ્યા, પરંતુ ‘મને સ્વપ્ને ન ગમે રે સંસાર’ ‘મૈં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ’ જેવા મર્મભેદક સ્વરચિત કીર્તનો બોલી મનાવા આવનારનાબંધનો પણ ઢીલા કરવા લાગ્યા. છેવટે તેમના વૈરાગ્યની જીત થઇ. અને સહજાનંદની ભગવી ચૂંદડી ધારી આજીવન તેની સેવામાં જીવન ખર્ચી નાંખ્યું. એટલું જ નહિ તેમની વાણીથી અનેકને સંસાર છોડી સંત બનવાની ખૂમારી ચડી ગઇ. અરે ! આગળ જતા તેમનો જ પુત્ર માધવ સ્વામીની વાતો સાંભળી સાધુ થયો ત્યારે શ્રીહરિએ ‘સિંહના તો સિંહ જ હોય’ એમ કહી દિક્ષા આપી ગોવિંદાનંદસ્વામી નામ પાડ્યું હતું.
સાહિત્ય સેવા
નિરક્ષર હોવા છતાંય તાકયા તીર ફેંકનારા અને ભકતહૃદયમાં વૈરાગ્ય તથા ભકિતની ખુમારી ચડાવનારા સ્વામીએ એકથી એક ચડે એવા ત્રેવીસ ગ્રંથો લખ્યા છે. એમાં તેમનું પ્રથમ સર્જન યમદંડે તો અનેકને સંસારની બેડી તોડી ભગવદ્ સન્મુખ કર્યા છે. સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભકિતનિધિ, હૃદયપ્રકાશ, કલ્યાણનિર્ણય, હરિસ્મૃતિ, શિક્ષાપત્રીભાષા જેવા ૨૨ ગ્રંથોનો સંગ્રહ સંપ્રદાયમાં નિષ્કુળાનંદકાવ્ય તરીકે પ્રસિદ્ધ થયો છે. તેમાં પુરુષોત્તમપ્રકાશ ગ્રંથે તો કાવ્યનો કળશ ચડાવી દીધો છે. આ તમામ ગ્રંથોનું અક્ષરશઃ વિવરણ કાવ્યના મર્મજ્ઞ પ્રભુપ્રેમી સંત પ.પૂ.સદ્.શ્રી જ્ઞાનજીવનદાસજીસ્વામીએ તે ગ્રંથોની કથામાં કર્યું છે. તે બાવીસેય ગ્રંથો CD-VCD-MP3 ના રૂપમાં અનેક મુમુક્ષુઓને ભગવદભક્તિ અને પ્રભુપ્રાપ્તિનું અજોડ બળ પૂરુ પાડે છે. આ ઉપરાંત, હજારો કીર્તનોની રચના કરી સદ્.નિષ્કુળાનંદસ્વામીએ માત્ર સંપ્રદાયમાં જ નહિ, પણ ગરવી ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે અણમોલ ફાળો આપ્યો છે.
ભકતચિંતામણિ
યથાનામ તથાગુણ ધરાવતો મહાગ્રંથ એટલે ભકતચિંતામણિ. સ્વામીએ લખેલા તમામ ગ્રંથોમાં મોટામાં મોટો અને વચનામૃત તુલ્ય પ્રમાણભૂત ગણાતો ગ્રંથ ભકતચિંતામણિ છે. આ ગ્રંથ પ્રાયઃ શ્રીહરિની હયાતિમાં અને તેમની આજ્ઞાથી રચાયો છે. એટલું જ નહિ આ ગ્રંથ સ્વયં શ્રીહરિએ વાંચેલો છે. ગ્રંથનો હેતુ તથા મહિમા વર્ણવતા સ્વામી પ્ર.૧૬૪ માં કહે છે,
છે આ ભકતચિંતામણિ નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે,
હેતે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે,
સુખ સંપત્તિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે.
બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય,
પણ પ્રકટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય.
આ ગ્રંથમાં ૧૬૪ પ્રકરણ છે. કુલ મળી ૮૭૨૭ દોહા ચોપાઇ છે. પ્રથમ ૧૦૦ પ્રકરણમાં શ્રીહરિનાં જન્મથી આરંભીને સર્વે ચરિત્રોનું વિસ્તારથી વર્ણન છે. પછીના પાંચ પ્રકરણમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને સર્વોપરીપણું છે. ત્યારબાદ છ પ્રકરણમાં પંચવર્તમાનની વિસ્તારીને વાત કરી છે. પછીના ૧૬ પ્રકરણમાં, ૨૦ પ્રાંતના, પ્રાયઃ ૮૦૦ ઉપરાંત સ્થાનમાં રહેતા, ૭૦ જ્ઞાતિના, ૪૨૨૨ જેટલા મુખ્ય મુખ્ય સત્સંગી બાઇ-ભાઇની નામાવલિ આલેખી છે. જેમાં ૭૭૨ સોની, ૩૨૨ વાણિયા, ૧૨૦૦ ઇતરજ્ઞાતિના, ૧૭૬ પાર્ષદો તથા કર્મયોગી ભકતોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એક અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. આજે પણ એ હરિભકતોના વંશજો પોતાના પૂર્વજોના નામ ભકતચિંતામણિ જેવા મહાગ્રંથમાં વાંચી ગૌરવ અનુભવે છે. પછીના ૩૧ પ્રકરણમાં પરચા અને છેલ્લા ૬ પ્રકરણમાં ધામ વર્ણન, અંતરધાન લીલા, વિયોગવર્ણન અને ગ્રંથમહિમાનું વર્ણન કર્યું છે.
સંપ્રદાયનું સ્વરૂપ અને શ્રીહરિનો મહિમા સમજવા માટે આ ગ્રંથ પૂરતો છે. સંવત્ ૧૮૮૭ આસો સુદ-૧૩ ગુરુવાર, ગઢપુરમાં રહી આ ગ્રંથને પૂરો કર્યો છે. સ્વામીએ સંપ્રદાયને સ્વરચિત કાવ્ય, કીર્તનો અને કળા કુશળતાની અનોખી ભેટ ધરી છે. પૂ.સ્વામી જેવા વૈરાગ્યવાન તેવા જ વ્યવહાર કુશળ પણ હતા. જેથી મહારાજે તેમને ધોલેરા મંદિરના મહંતપદે પસંદ કર્યા હતા. સાથો સાથ શિલ્પી પણ એવા જ હતા. જેના નમૂનારૂપે ધોલેરાની કમાન અને વડતાલમાં બાર બારણાનો હિંડોળો આજે પણ અનેક શિલ્પ મર્મજ્ઞોને આશ્ચર્ય ઉપજાવે છે.
આ પ્રમાણે પૂ.સ્વામીએ પોતાની બહુમુખી પ્રતિભાથી શ્રીહરિ અને સંતો-ભકતોને ખૂબ જ રાજી કર્યા છે. સંપ્રદાયના અનુયાયી ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. અંતે સ્વામી સંવત્ ૧૯૦૪ માં ધોલેરામાં શ્રીહરિની ચિરઃસેવામાં સીધાવ્યા. આ વિરલ વિભૂતિનું જીવન અનેક મુમુક્ષુઓને પ્રેરણાનાં પિયુષ પાય છે. તેમનું આ દિવ્ય જીવન આપણા જીવનને ઉજાળે એ જ અભ્યર્થના સાથે તેમના પાવનકારી ચરણોમાં કોટિ કોટિ વંદન.
લી.સાધુ ઇશ્વરચરણદાસ
ગુરુ પ.પૂ.સદ્.શ્રી જ્ઞાનજીવનદાસજીસ્વામીના
જય શ્રી સ્વામિનારાયણ.
[ “ભકતચિંતામણિ”, પુસ્તક પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ મંદિર, તીર્થધામ કુંડળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા માંથી સાભાર. સંપર્ક - http://swaminarayanbhagwan.com/ ]
Disqus
Facebook Comments