"શ્રી" નો અર્થ થાય લક્ષ્મીજી, રાધિકાજી અને સીતાજી, શતાનંદસ્વામી પ્રથમ લક્ષ્મીજી યુકત શ્રીનારાયણ ભગવાનને વંદના કરે છે. લક્ષ્મીનારાયણને હું નમસ્કાર કરું છું.
ભગવાનને કોઈ દિવસ એકલા રહેવું ગમતું નથી. ભગવાન કાયમ પોતાની સાથે ભકતો અને મુકતોને રાખે છે. અક્ષરધામમાં ભગવાન કાયમ મુકતોની સાથે રહે છે. એમ શતાનંદસ્વામી કહે છે.
-: આત્માને પરમાત્મા સાથે પરણાવો. :-
લક્ષ્મીજીના પિતા સમુદ્ર છે. તેથી શાસ્ત્રમાં લક્ષ્મીજીને "સાગરતનયા" કહેવાય છે. જયારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં.
મૂર્તિમંત સાગરે દીકરીને પોતાના ખોળામાં બેસાડ્યાં અને વેદમંત્રો સાથે બ્રાહ્મણોએ અભિષેક કર્યો, પછી લક્ષ્મીજીની સખીઓએ લક્ષ્મીજીને સોનાના પાટલા પર બેસાડીને નયનરમ્ય શુંગાર કર્યો.
મૂર્તિમંત સાગરે જાહેર કર્યું કે, "આ મારી પુત્રી યોગ્ય પતિને વિજયમાળા પહેરાવશે. બધા તૈયાર થઈ ગયા. બધાને એમ કે અમને મળે.. અમને મળે. લક્ષ્મીજીની ઈચ્છા કોને ન હોય ? જગતમાં બધાં લક્ષ્મીના દાસ છે. પણ ખ્યાલ રાખજો લક્ષ્મીજી પતિવ્રતા નારી છે, અને પતિવ્રતા નારી પતિની સાથે જ રહે. જો જીવનમાં નારાયણ રાખશો તો લક્ષ્મી આપોઆપ તમારા દ્વારે પધારશે. લક્ષ્મી માટે ફાંફા મારવા નહિ પડે.
એક બાજુ દેવોની કતાર લાગી છે. બીજી બાજુ દૈત્યો બેઠા છે. ઋષિઓ પણ સ્વયંવરમાં પધાર્યા છે. સાધુ, સંત, મુનિ, તપસ્વી બધાયને લક્ષ્મીની જરૂરત વર્તાય છે. સખીઓ સાથે લક્ષ્મીજી સ્વયંવરમાં વિચરે છે. બધા એવી ઈચ્છાથી આવ્યા છે અમને વરમાળા પહેરાવે.
સખીઓએ પરિચય આપ્યો. "આ તપસ્વીઓ છે" લક્ષ્મીજી બોલ્યાં તપસ્વીઓ ભલે છે પણ તપની સાથે ભકિત અને શાંતિ નથી તેથી તેઓ ક્રોધ બહુ કરે છે. માટે આગળ ચાલો.
સખીઓ દેવરાજ ઈન્દ્ર પાસે આવીને કહ્યું, "લક્ષ્મીજી આ દેવલોકના રાજા ઈન્દ્ર છે." લક્ષ્મીજીએ કહ્યું, "ભલે રાજા છે પણ એની આંખમાં વિકાર છે તેથી આગળ ચાલો."
ત્યાં માર્કંડેયઋષિ બેઠા છે. સખીઓએ પરિચય આપ્યો, પણ લક્ષ્મીજી તેને વર્યાં નહિ. આમ અનેક દેવો, દૈત્યો, મનુષ્યો બેઠા હતા પણ કોઈમાં રૂપ હોય તો ગુણ ન હોય અને ગુણ હોય તો રૂપ ન હોય તેથી લક્ષ્મીજીએ કોઈને વરમાળા પહેરાવી નહિ.
આગળ જતાં ત્યાં ચતુર્ભુજ નારાયણ શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનાર પુરુષોત્તમ નારાયણ બિરાજેલા નજરે પડ્યા પીળું પીતાંબર, માથાપર મુગટ, રેશમ જેવા સુંવાળા ચળકતા વાળ, અતિ સુંદર સ્વરૂપ, સર્વગુણે સંપન્ન, જેમાં એક પણ દોષ નથી. અર્ધી આંખ ઊઘાડી ને અર્ધી આંખ બંધ છે. લક્ષ્મીએ તરત જ નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. ત્યાં તો દેવતાઓ, ગાંધર્વો અને અપ્સરાઓએ જય જયકાર કરી ભગવાન નારાયણ પર પુષ્પોનો વરસાદ વરસાવ્યો. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય.
લક્ષ્મીજીએ વિજયમાળા નારાયણને પહેરાવી એટલે ભગવાને ચારે બાજુ દૃષ્ટિ કરી એનો અર્થ એવો થાય કે, લક્ષ્મીજી આવ્યા પછી ચારે બાજુ નજર નાખજો. ગરીબ હોય, દુઃખી હોય તેને મદદ કરજો. દ્રવ્યનો સદુપયોગ કરજો.
પછી વેદવિધિથી લક્ષ્મી અને નારાયણ ભગવાનનાં લગ્ન થયાં. સાગરના કિનારે લગ્નોત્સવની ઊજવણી થઈ. લક્ષ્મીનારાયણની જોડી અખંડ છે. શતાનંદસ્વામી લક્ષ્મીજી સહિત નારાયણને નમસ્કાર કરતાં કહે છે. જેમ લક્ષ્મીજીનારાયણને વર્યાં છે તેમ આપણે
પણ નારાયણ સાથે લગ્ન કરવાનું છે. જેની સાથે તમે ચાર ફેરા ફર્યા છો. તે તમારા દેહના ધણી છે. જીવના ધણી નથી, પણ ધ્યાન રાખજો. જીવના ધણી તો એક માત્ર પરમાત્મા છે.
આત્માને પરમાત્મા સાથે પરણાવવાનો છે. મન, કર્મ, વચનથી શ્રીહરિની શરણાગતિ સ્વીકારીને ભગવાનનું ભજન કરવું. જયાં ભગવાન છે ત્યાં બધું જ છે. ગીતામાં કહેલું
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ । તત્ર શ્રીર્વિજ્યો ભૂતિર્ધુવા નીતિર્મતિર્મમ ।।
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीर्विज्यो भूतिर्धुवा नीतिर्मतिर्मम ।।
જયાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે. ધનુર્ધારી અર્જુન છે. ત્યાં શ્રી, વિજય, વૈભવ અને અવિચળ નીતિ છે. જેના જીવનમાં
નારાયણનું શરણું છે ત્યાં જ મહાલક્ષ્મી રહે છે. તેથી શતાનંદ સ્વામી પહેલા જ મંત્રમાં આત્માને પરમાત્મા સાથે પરણાવવાની કથા કહે છે. શ્રીકૃષ્ણ ભગવાનને વંદન કરી સ્વામી બીજા મંત્રનો ઊચ્ચાર કરે છે.