વાસુદેવનો અર્થ થાય છે જે સર્વમાં વસી રહેલા છે તેને વાસુદેવ કહેવાય. એ વ્યાપક સ્વરૂપ આપણાથી એક અણુ જેટલું પણ દૂર નથી. વિશ્વમાં ભગવાન છે અને ભગવાનમાં વિશ્વ છે. સર્વત્ર જેનો વાસ છે. અણુ પરમાણુમાં વ્યાપ્ત છે. તેથી "વાસુદેવ" કહેવાય છે. વળી વસુદેવના પુત્ર હોવાથી તેને વાસુદેવ કહેવાય છે. એ વાસુદેવ બધામાં વસીને શું કરે છે ?
જડ અને ચૈતન્ય તત્ત્વનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે ચાલીએ છીએ, ખાઈએ છીએ, આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, તે બધું આપણા હૃદયમાં વસી રહેલા વાસુદેવ થકી જ શકય બને છે. વાસુદેવ જ આ બધાં કાર્યોના કર્તા છે. વાસુદેવ આપણા માધ્યમ દ્વારા બધું કરે તેથી આપણે એ કરી શકીએ છીએ.
-: અણુ પરમાણુમાં પણ ઇશ્વર છે. :-
સમસ્ત સ્થાવર જંગમમાં પ્રભુનો વાસ છે. રજે રજમાં, કણે કણમાં ભગવાન રહેલા છે. જીવપ્રાણી માત્રમાં ભગવાન વસેલા છે. ભગવાન વિનાની કોઈ પણ જગ્યા નથી. રોમ રોમમાં ભગવાન વ્યાપ્ત છે.
શ્રેષ્ઠ ભકત કોને કહેવાય ? જે સર્વમાં ભગવાનનાં દર્શન કરે અને બધાયને વંદન કરે એ શ્રેષ્ઠ ભકત કહેવાય છે. ભકત હોય તે બધામાં ભગવાનનું સ્વરૂપ જુએ. પશુ, પક્ષી, વૃક્ષ વગેરે બધાંમાં મારા ભગવાન બેઠા છે. એમ ધારી સૌને વંદન કરે. જે સર્વને વંદન કરે એના જીવનમાં કદી વેર-ઝેર કે ઈર્ષા અદેખાઈના ભાવ પ્રગટ થતા જ નથી. બધાના હૃદયમાં મારા હૃદયેશ્વર બિરાજમાન છે એવી રીતે જોશો તો સર્વને નમવાની ઈચ્છા થશે અને મનમાંથી વેરભાવ નીકળી જશે. દરેકમાં ભગવાનનું સ્વરૂપ જોશો તો કોઈ હાની નહિ થાય અને જીવનમાં સદૈવ આનંદ આનંદ વર્તાશે. બધી જગ્યાએ ભગવાન હાજર હજૂર છે. એમ માની દૃઢ નિશ્ચયી બનશો તો જરૂર પાપ કરતાં અટકશો.
સ્થળે વિષ્ણુઃ જળે વિષ્ણુઃ વિષ્ણુઃ પર્વતમસ્તકે । જવાલા માલા ફુલે વિષ્ણુઃ સર્વવિષ્ણુમયં જગત્ ।
स्थळे विष्णुः जळे विष्णुः विष्णुः पर्वतमस्तके । जवाला माला फुले विष्णुः सर्वविष्णुमयं जगत् ।
વાસુદેવ આખા વિશ્વમાં વ્યાપી રહ્યા છે. એક શિષ્યે પોતાના ઋષિ તુલ્ય ગુરુને પ્રશ્ન કર્યો કે, ભગવાન બધામાં કેમ વ્યાપી રહ્યા હશે ? ગુરુએ સદૃષ્ટાંત સરસ જવાબ આપ્યો. "જો પહેલું વડનું ઝાડ છે તેમાંથી એક ટેટો લઈ આવ." શિષ્ય ટેટો લઈ આવ્યો, ગુરુજી શિષ્યને કહ્યું "હવે ટેટાને ભાંગ" શિષ્યે ટેટો ભાંગ્યો.
ગુરુજીએ પ્રશ્ન કર્યો "એમાં તને શું દેખાય છે ?" ગુરુજી એમાં ઝીણાં ઝીણાં બીજ દેખાય છે. ગુરુજી બોલ્યા "બીજ વાવીએ તો શું થાય ?" શિષ્યે કહ્યું "વૃક્ષ ઊગી નીકળે" ગુરુજી ફરી આજ્ઞા કરતાં કહ્યું, "બરાબર હવે એક કામ કર. અનેક બીજ છે તેમાંથી એક બીજ લઈને ભાંગ." શિષ્યે ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું, બીજ ભાંગ્યું ફરી ગુરુજીનો પ્રશ્ન આવી ઉભો રહ્યો, "હવે એમાં શું દેખાય છે ?" શિષ્ય વિમાસણમાં પડી ગયો. ઝીણી નજરે જોયું.. ખૂબ જોયું પણ કાંઈ જ દેખાયું નહિ. "ગુરુજી કે આમાં કાંઈ દેખાતું નથી. ના ગુરુજી ! કાંઈ દેખાતું નથી." ગુરુજી બોલ્યા, "કશું નથી દેખાતું તો વડનું વૃક્ષ ઉગે શેમાંથી ?"
શિષ્ય નમ્રભાવે બોલ્યો "બીજમાંથી ઉગે" હવે ગુરુજીએ રહસ્યનો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે ગજબ જેવી વાત છે. નાનામાં નાના બીજમાં કેવડું મોટું વૃક્ષ સંતાયેલું છે. નરી આંખે દેખાતું નથી, પણ છે એ વાત નિશ્ચિત છે. તેમ ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને મોટામાં મોટા છે, અને મોટામાં મોટા હોવા છતાં એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનીને દરેક પદાર્થમાં રહેલા છે. આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, આકાશ, વાયુ, જળ, અગ્નિ આ બધામાં વ્યાપેલા છે. એટલે કે મોટામાં મોટા છે અને નરી આંખે નહિ દેખાતા હોવાથી નાનામાં નાના પણ છે. જેમ દૂધમાં ઘી રહેલું છે તેમ આ જગતમાં વાસુદેવભગવાન રહેલા છે. કાષ્ટમાં જેમ અગ્નિ રહેલ છે તેમ આ જગતમાં વાસુદેવ રહેલા છે. દૂધમાં ઘી છે જ એને પામવા પ્રક્રિયા કરવાની હોય છે. તેમ જગતમાં ભગવાન છે જ એને પ્રગટ કરવાના હોય છે. પ્રાણી માત્રમાં વાસુદેવનારાયણ વિરાજમાન છે, ઈશ્વર સર્વભૂતોમાં પરમાત્મારૂપે સર્વત્ર અને સર્વદા છે.
God is in every body and every where and whole world is in God
અણુ પરમાણુમાં પણ ઈશ્વર છે. કોઈ જગ્યાએ ચેતન રૂપે છે તો કયાંક જડરૂપે છે. ઐસી તો જગા બતાવો જહાં પ્રભુ ન હો. પરમાત્માકા અસ્તિત્વ સર્વત્ર હૈ. સર્વ વ્યાપક હૈ.
હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે પ્રગટ હોઈ મ જાના ।
અબ જગમય સબ રહિત વિરાગી, પ્રેમે પ્રભુ પ્રગટાઈ જીની આદિ ।।
ભગવાન વ્યાપક છે, સર્વત્ર છે પણ સમાના એટલે કયાંક ઓછા અને કયાં વધારે એવું નથી. ભગવાન બધે જ છે. તો દેખાતા કેમ નથી ? આવતા કેમ નથી ? અંતરથી પોકારો તો તરત આવે. કયાંય પણ આવ્યા છે ખરા ? હા !!! આવ્યા છે. સાંભળો આ દૃષ્ટાંત :-
પ્રહલાદને એના પિતા હિરણ્યકશિપુએ કહ્યું, "પ્રહલાદ ! બતાવ તારો ભગવાન કયાં છે ?" પ્રહલાદજીએ કહ્યું, "પિતાજી મારો અને તમારો ભગવાન સર્વ સ્થળે છે." અસુર પિતાએ કહ્યું, "આ થાંભલામાં છે ?" "હા છે." પ્રહલાદજીનો પ્રત્યુત્તર સાંભળી અસુર પિતા કહેવા લાગ્યા. પડકાર કર્યો "બતાવ જોઈએ" ત્યાં તો ધગધગતો સ્તંભ ફાટ્યો અને એમાંથી ભગવાન નૃસિંહજી પ્રગટ થયા. દૈત્યનો નાશ કર્યો.
શતાનંદસ્વામી કહે છે અંતર્યામી સ્વરૂપે રહેલા એવા મારા ઈષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.