આ ભરતખંડના રાજા શ્રીનરનારાયણ દેવ છે. દિવ્ય બદ્રિકાશ્રમ ધામમાં એક જ ભગવાન બે સ્વરૂપે બિરાજે છે.
છે તો એક ને દિસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય ।।
શ્રીનરનારાયણદેવ કેવા કૃપાળુ છે ખબર છે ? પોતે બોરડી નીચે બેસીને તપ કરે છે એ તપનું ફળ ભકતજનોને આપે છે.
તપ નરનનારાયણ ભગવાન કરે, આપણે કાંઈ જ ન કરીએ છતાં કેવા સુખેથી ફરીએ છીએ. એક દિવસ ઊપવાસ કરવો હોય તો પણ મજાગરા બધા ઢીલા થઈ જાય છે. પણ નરનારાયણદેવની કૃપા તો જુઓ, તપ પોતે કરે અને ફળ પોતે ન લે, ફળ ભકતોને આપે. ત્રણ કલાક પલાંઠી વાળીને બેસવું હોય તો પણ નહિ બેસી શકાય. તો તપની વાત કયાં આવી ? એકટાણાં કરવાં હોય તોય મનમાં વિચાર થાય, કેમ થશે ? તો તપ કેમ થાય ? ધન્યવાદ છે શ્રીનરનારાયણ દેવને... આપણે તો એમની છત્ર છાયામાં બેઠા છીએ. મુકતાનંદસ્વામી ગાય છે.
વ્હાલો ભરત ખંડના નરનારને, પોતે તપ કરીરે આપે ફળ સોય. બદ્રિપતિ પ્રબળ પ્રતાપ છે.
હરિના તપ કેરાં પુણ્ય પ્રતાપથી, થયાં શુદ્ધ મનરે હરિજન સર્વે કોય. બદ્રિપતિ પ્રબળ પ્રતાપ છે.
ધાવણું બાળક માદું થાય તો માતા દવા ખાય અને બાળક સાજું થાય. આવી આપણી આયુર્વૈદિક પધ્ધતિ છે. એ જ રીતે આપણા શ્રીનરનારાયણદેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે અને તપનું પુણ્ય મુમુક્ષુને મળે છે.
તે તપનો પ્રભાવ આજે આપણે પ્રત્યક્ષ નજરે જોઈએ છીએ. આવા હળાહળ કળીયુગમાં વ્યસન, ફેશન અને માયાના પ્રચંડ વાવાઝોડાંમાં ભગવાનના ભકતો કેવા સતયુગના જેવા ધર્મ પાળે છે. ને બીજાને પળાવે છે. કળિયુગનું એક પણ દૂષણ સત્સંગીને પ્રલોભનમાં ખેચતું નથી. અણીશુદ્ધ નિયમોનું પાલન કરે છે. આ બધો નરનારાયણદેવનો પ્રતાપ છે તેથી પંચ વિષયમાં બંધાતા નથી.
વિચાર કરો ભગવાનને તપ કરવાની શી જરૂર છે ? મનુષ્ય તપ કરે એટલા માટે કે- ઈન્દ્રિયોની વૃત્તિને કાબુમાં રાખી શકે અથવા ભગવાનને પ્રસન્ન કરી શકે પણ જેની વૃત્તિ આપોઆપ વશ છે અને સ્વયં પોતે પૂર્ણપુરુષોત્તમ નારાયણ ભગવાન છે છતાં તેને તપ કરવાની શી જરૂર છે ?
માતાને ખબર છે કે બાળક દવા નહિ ખાય... કડવી લાગશે. થૂંકી નાખશે... ઓતરાઈ જશે તેથી બાળકના બદલામાં માતા દવા ખાય છે ને દવાનું તત્ત્વ દૂધમાં આવે છે. બાળક માતાને ધાવે તેથી તે બાળક નિરોગી થાય છે. આપણા બધાની માતાની પણ જો મા હોય તો તે છે શ્રીનરનારાયણ દેવ.
આજથી અઢી હજાર વર્ષ પહેલાં જગદગુરૂ શંકરાચાર્ય બદ્રિકાશ્રમમાં દર્શન કરવા પધાર્યા. ત્યાં સખત ઠંડી હોય એ ઠંડી શ્રીનરનારાયણ દેવ જ સહન કરી શકે. ત્યાં સાધારણ માનવી જઈ શકે નહિ. એ તો આપણા સંત શતાનંદજી દેહ છતાં હમીરસરોવરમાં ડૂબકી મારી સીધા પહાચ્યા બદ્રિકાશ્રમ. એવા સિધ્ધ દશાવાળા હોય તે જ જઈ શકે.
શંકરાચાર્યજીએ પ્રભુને કહ્યું :- "કળિયુગના માનવીને તમારાં દર્શન કેમ થશે ?" પ્રભુ શ્રીનરનારાયણદેવ બોલ્યા, "તમે નારદકુંડમાં સ્નાન કરો એમાંથી મારું સ્વરૂપ તમને હાથમાં આવશે. તે સ્વરૂપની સ્થાપના કરજો. એ સ્વરૂપનાં જે લોકો દર્શન કરશે તેને બદ્રિકાશ્રમના દર્શનનું ફળ મળશે." હાલ બદ્રિકાશ્રમમાં જે શ્રીનરનારાયણદેવ બિરાજે છે તે શંકરાચાર્યજીના પધરાવેલા છે.
બદ્રિનારાયણ ભગવાન છે તો રાજાધિરાજ પણ સેવા બધી તપસ્વીના જેવી છે તેથી અંગમાં ગરમી બહુ વધી જાય. તેથી હિમાલયમાં સખત ઠંડી હોવા છતાં ઠંડાં પાણીથી દરરોજ અભિષેક થાય છે ને ચંદનની અર્ચા કરવામાં આવે છે.
બદ્રિનારાયણના મંદિરમાં પહેલી નરનારાયણદેવની પૂજા થાય છે અને પછી મંદિરથી બહાર બેઠેલાં લક્ષ્મીજીની પૂજા થાય છે. બધી જ જગ્યાએ લક્ષ્મીજી સાથે નારાયણ હોય પણ પોતે તપસ્વીના વેશમાં હોવાથી લક્ષ્મીજીને અલગ રાખ્યાં છે. તે જગતને તપમાર્ગનો પ્રભુએ આદર્શ બતાવ્યો છે.
-: તપસ્વીએ હમેશાં સ્ત્રીથી દૂર રહેવું. :-
ચાલો નરનારાયણદેવનું કીર્તન ગાઈએ.
નરનારાયણદેવ ભજ મન નરનારાયણ દેવ । શિવ સનકાદિક નારદ સરખા નિત્ય કરે જેની સેવ.
ભજ મન નરનારાયણદેવ. વિશાલાવાસી સબ સુખરાશિ,
યોગ અભ્યાસી અભેવ; ભજ મન નરનારાયણદેવ.
બદ્રિકાશ્રમમાં જવું બહુ જ દુષ્કર પડે તેથી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે અમદાવાદ અને ભુજમાં શ્રીનરનારાયણદેવ પધરાવ્યા અને કહ્યું કે આ નરનારાયણદેવનાં જે દર્શન કરશે તેને બદ્રિકાશ્રમની યાત્રાનું ફળ મળશે. દરરોજ જે નિયમિત દર્શન કરશે તેના મોક્ષમાં કોઈ વિઘ્ન આવશે નહિ. આ મંદિરમાં જે કોઈ જપ કરશે, તપ કરશે, પાઠ કરશે, પૂજા કરશે, પાટોત્સવ કરાવશે એમને અક્ષયફળની પ્રાપ્તિ થશે. તેના મનોરથ સર્વ પૂર્ણ થશે, આ મંદિરમાં જે કોઈ દાન, ભેટ, ધર્માદા આપશે એમના મનવાંછિત સંકલ્પો ભગવાન શ્રીનરનારાયણદેવ પુરા કરશે.
સ્વર્ગમાંથી દેવતાઓ દરરોજ શ્રીનરનારાયણદેવનાં દર્શન કરવા આવે છે. શ્રીજીમહારાજ કહે છે કે :- બહાર ગામમાં રહેતા ભકતજનો દર એકાદશીના દિવસે અહીં આવીને દર્શન કરશે તો એને દરરોજ દર્શન કરવાનું ફળ મળશે. દર મહિને દૂર દેશાંતરના ભકતજનો આવી ન શકે પરંતુ નરનારાયણદેવના સ્થાપનના દિવસે એટલે કે પાટોત્સવના દિવસે દર્શન તો એમના આખા વર્ષના દર્શનનું ફળ પ્રાપ્ત થશે.