અધ્યાય ૧૮
બલરામ દ્વારા કરાયેલો પ્રલંબાસુરનો વધ.
શુકદેવજી કહે છે- પછી પ્રસન્ન થયેલાં જ્ઞાતિઓથી વીંટાયેલા શ્રીકૃષ્ણ ભગવાન ગાયોના સમૂહથી શોભી રહેલા એવા વ્રજમાં પધાર્યા.૧ આ પ્રમાણે ગાયોના પાલનના મિષવાળી માયાથી એ બે ભાઇઓ વ્રજમાં ક્રીડા કરતા હતા, ત્યાં ગ્રીષ્મઋતુ આવી. ૨ એ ગ્રીષ્મ ઋતુ, જે વૃંદાવનમાં બળભદ્રની સાથે સાક્ષાત્ ભગવાન રહે છે, તે વૃંદાવનના ગુણોને લીધે વસંત જેવી દેખાવા લાગી. ૩ એ ગ્રીષ્મઋતુમાં પણ ઝરણાંઓના શબ્દોથી વૃંદાવનમાં તમરાંઓના શબ્દો પણ ઢંકાઇ જાય છે. અને નિરંતર તે ઝરણાંઓના બારીક જળકણોથી વૃક્ષોના મંડળો પણ ભીંજાયેલાં રહે છે. ૪ શ્વેત કમળ, સામાન્ય કમળ અને શ્યામ કમળની રજને લાવનાર તથા નદી સરોવર કે ઝરણાંઓના તરંગો પરથી પસાર થઇને આવનારા શીતળ વાયુને લીધે, ત્યાં રહેનારા વનવાસીઓને ઉનાળાના દાવાનળથી કે સૂર્યથી થતો તાપ લાગતો ન હતો.૫ એ વનમાં કાંઠાઓને પહોંચતી અગાધ જળવાળી નદીઓના તરંગોથી, જેમાં કાંઠાઓની સાથે બીજી માટી પણ ચારે કોર દ્રવીભૂત રહ્યા કરે છે, એવી પૃથ્વીના રસને અને હરિયાળાપણાને સૂર્યનાં કિરણો ઝેર જેવાં અતિતિક્ષ્ણ હોવા છતાં પણ હરી શકતાં નથી.૬ એ પુષ્પની સંપત્તિવાળું વન કે જેમાં વિચિત્ર પ્રકારનાં પશુઓ અને પક્ષીઓ શબ્દ કર્યા કરતાં હતાં, મયૂર અને ભ્રમરો ગાતા હતા, અને કોયલ તથા સારસો નાદ કરી રહ્યાં હતાં, આવા વૃંદાવનમાં ક્રીડા કરવા સારુ વેણુ વગાડતા અને ગાયોના ધણથી વીંટાયેલા શ્રીકૃષ્ણ ભગવાન, બળભદ્ર અને ગોવાળોની સાથે પધાર્યા.૭-૮ ત્યાં કૂંપળો, મોરપીછાં, પુષ્પોના ગુચ્છો, માળા તથા ગેરુ વગેરે ધાતુઓથી સારી રીતે શણગારેલા બળભદ્ર અને શ્રીકૃષ્ણાદિક ગોવાળો નાચવા લાગ્યા, બાહુ વડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ૯ શ્રીકૃષ્ણ જયારે નાચ કરતા હતા ત્યારે કેટલાક ગોવાળો ગાતા હતા, કેટલાક ગોવાળો શીંગડી વગાડતા હતા અને કેટલાક વખાણતા હતા.૧૦ હે રાજા ! ગોવાળોની જાતમાં ગુપ્ત રહેલા એ ગોવાળોરૂપી દેવતાઓ જેમ નટો નટને વખાણે તેમ, શ્રીકૃષ્ણ અને બળદેવને વખાણતા હતા. ૧૧ ચૂડાકર્મ કર્યાથી પહેલાંના લાંબા કેશોને ધારણ કરતા એ બન્ને ભાઇઓ કોઇ સમયે એકબીજાને ફેરવવા, એકબીજા ઉપર કૂદવું, એકબીજાને પછાડવા, હાથના તળિયાંથી બાહુઓમાં તાડન કરવું, એકબીજાને ખેંચવા, બાહુયુદ્ધ કરવું વગેરે રમતોથી ક્રીડા કરતા હતા. ૧૨ હે રાજા ! કોઇ સમયે બીજાઓ નાચતા હોય ત્યારે બન્ને ભાઇઓ ગાતા હતા, વાજાં વગાડતા હતા અને વાહ ! વાહ ! કરીને વખાણતા હતા. ૧૩ કોઇ સમયે બીલાંઓથી, કોઇ સમયે દડા જેવાં કુંભવૃક્ષના ફળોથી, આમળાંઓથી ભરેલી મૂઠીઓથી, કોઇ સમયે સ્પર્શ કરવા ન દેવાથી, આંખમીંચામણાથી, પશુ અને પક્ષીઓની ચેષ્ટાથી, ક્યારેક દેડકાંની પેઠે કૂદકા મારવાથી, અનેક પ્રકારનાં હાસ્યોથી, હીંચકાથી, રાજાની ચેષ્ટાથી રમતા હતા. ૧૪-૧૫ આ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ રમતોેથી વનમાં ક્રીડા કરતા બન્ને ભાઇઓ નદીઓ, પર્વતોની ગુફાઓ, નિકુંજો, વનો અને તળાવોમાં ફરતા હતા. ૧૬ એ વનમાં બળદેવ અને શ્રીકૃષ્ણ ગોવાળોની સાથે પશુઓને ચારતા હતા. ત્યાં તેઓને હરી જવાની ઇચ્છાથી ગોવાળનું રૂપ ધરીને પ્રલંબાસુર આવ્યો. ૧૭ સર્વજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાન એ દૈત્યને જાણી ગયા તોપણ તત્કાળ તેનો વધ કર્યો નહિ, પરંતુ બીજા ઉપાયોથી તેના વધનો વિચાર કરીને પ્રથમ શ્રીકૃષ્ણ ભગવાને તેની સાથે મિત્રતા સ્વીકારી લીધી. ૧૮ પછી ક્રીડાના પ્રકારને જાણનારા ભગવાને ગોવાળોને બોલાવી કહ્યું કે- હે ગોવાળો ! આપણે યોગ્ય રીતે બે ભાગોમાં વહેંચાઇને રમત કરીશું. ૧૯ વળી એ રમતમાં ગોવાળોએ શ્રીકૃષ્ણ અને બળદેવજીને બે ટોળાંના નાયક કર્યા. કેટલાએક ભગવાનની ટોળીમાં મળ્યા અને બીજા બળદેવજીની ટોળીમાં મળ્યા.૨૦ જેઓ જીતે તે માથે બેસે અને હારે તે ઉપાડે, એવી રીતની અનેક પ્રકારની રમતો કરવા લાગ્યા. ૨૧ હારને લીધે જીતેલાને પોતાની પીઠ ઉપર બેસાડીને ચાલતા અને જીતને લીધે હારેલાની પીઠ ઉપર ચઢી બેસતા અને ગાયોને ચારતા એ શ્રીકૃષ્ણ આદિક ગોવાળો ભાંડીરક નામના વડ સુધી જતા હતા. ૨૨ બળદેવની ટોળીવાળા શ્રીદામા અને વૃષભ આદિ ગોવાળો જયારે રમતમાં જીત્યા ત્યારે શ્રીકૃષ્ણાદિક ગોવાળો તેઓને ઉપાડવા લાગ્યા. ૨૩ હારી ગયેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને પોતાની પીઠ પર ઉપાડ્યો, ભદ્રસેને વૃષભને ઉપાડ્યો અને પ્રલંબાસુરે બળભદ્રને ઉપાડ્યા. ૨૪ બળદેવજીને ઉપાડી ચાલતો પ્રલંબાસુર શ્રીકૃષ્ણને બળવત્તર જાણી, તેમની દૃષ્ટિ ચુકાવવા સારુ બહુ જ ઉતાવળો ચાલી, ઉતારવાના સ્થાનકની આગળ ઘણે દૂર ચાલ્યો ગયો. ૨૫ મોટા પર્વત જેવા ભારવાળા બળદેવને ઉપાડનાર, પ્રલંબાસુર થાકી ગયો એટલે વેગ મંદ પડી જવાથી જેણે રાક્ષસી સ્વરૂપ ધરી લીધું એવો, અને સોનાનાં ઘરેણાંવાળો તે પ્રલંબાસુર મેઘની સમાન શોભવા લાગ્યો.૨૬ આકાશ સુધી પહોંચેલું અને અત્યંત વેગથી દીપ્ત દૃષ્ટિવાળું, ભૃકુટી સુધી પહોંચેલી ઉગ્ર દાઢોવાળું, બળતી શિખાજેવા પીળા કેશવાળું અને કડાં, મુકુટ તથા કુડળની કાંતિથી અદભૂત લાગતું એ દૈત્યનું શરીર જોઇને બળદેવ કાંઇક ત્રાસ પામ્યા. ૨૭ પછી પોતાના બળની સ્મૃતિ આવતાં નિર્ભય થએલા બળદેવે આકાશ માર્ગથી પોતાના માલની પેઠે પોતાને લઇ જતા એ દૈત્યને, ઇંદ્રે જેમ વજ્રના વેગથી પર્વતને પ્રહાર કર્યો, તેમ ક્રોધવતે તેના માથામાં જોરદાર મૂઠીથી પ્રહાર કર્યો. ૨૮ મૂઠીના પ્રહારથી માથું ફાટી જતાં મોઢામાંથી લોહીને ઓકતો, શરીરનું ભાન ભૂલી ગયેલો અને મોટો નાદ કરતો એ પ્રલંબાસુર મરણ પામીને પૃથ્વી ઉપર પડ્યો. ૨૯ બળવાળા બળદેવે પ્રલંબાસુરને મારેલો જોઇને બહુ જ વિસ્મય પામેલા ગોવાળો વાહ ! વાહ ! કહેવા લાગ્યા.૩૦ આશીર્વાદ દેતા અને ચિત્તમાં પ્રેમથી વ્યાકુળ થયેલા ગોવાળો વખાણવાને યોગ્ય અને જાણે મરણ પામીને પાછા આવ્યા હોય એવા બળદેવનું આલિંગન કરીને વખાણવા લાગ્યા. ૩૧ પાપી પ્રલંબાસુર મરી જતાં બહુજ આનંદ પામેલા દેવતાઓએ બળદેવજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને સારું થયું સારું થયું આ પ્રમાણે કહેવા લાગ્યા. ૩૨
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અઢારમો અધ્યાય સંપૂર્ણ.