૧૯ દાવાનળનું પાન કરીને ગોપો તથા ગાયોની રક્ષા કરતા ભગવાન.

Submitted by swaminarayanworld on Mon, 16/11/2015 - 5:14pm

અધ્યાય ૧૯

દાવાનળનું પાન કરીને ગોપો તથા ગાયોની રક્ષા કરતા ભગવાન.

શુકદેવજી કહે છે- ગોવાળો રમતમાં લાગી જતાં દૂર નીકળી ગયેલી અને પોતાની ઇચ્છા પ્રમાણે ચરતી ગાયો ઘાસની લાલચથી ઘાટા વનમાં ચાલી ગઇ. ૧ એક વનમાંથી બીજા વનમાં જતાં ગરમીથી તરસી થયેલી અને ભાંભરતી મુંજ ઘાસના ગાઢ વનમાં પેસી ગઇ.૨  શ્રીકૃષ્ણ તથા બળભદ્રાદિક ગોવાળો પશુઓને નહીં દેખવાથી શોધવા લાગ્યા. પણ ગાયો ક્યાં ગઇ હતી એ જાણવામાં આવ્યું નહીં. ૩ જીવિકાનું સાધન જતું રહેતાં મુંઝાઇ ગયેલા ગોવાળો ગાયોની ખરીઓ અને મુખથી કપાએલાં ઘાસને નિહાળતા નિહાળતા તે ગાયોના રસ્તે ગયા.૪  પછી થાકેલા અને તરસ્યા થયેલા ગોવાળોને મુંજઘાસના વનમાં ભૂલું પડેલું અને ભાંભરતું ગાયોનું ધણ ત્યાંથી મળ્યું, તેને પાછું વાળી ભગવાને મેઘની સમાન ગંભીર વાણીથી જયારે ગાયોને નાદ કર્યો ત્યારે ગાયો પણ પોતાના નામને જાણીને આનંદથી સામે નાદ કરવા લાગી. ૫-૬  ત્યાં દૈવ ઇચ્છાથી વનમાં રહેનારને બાળનાર અને વાયુએ વધારેલા ભયંકર જવાળાઓથી સ્થાવર જંગમનો નાશ કરતો મોટો દાવાનળ ચારે દિશાઓથી લાગ્યો.૭ ચારે બાજુથી આવતા એ દાવાનળને જોઇને ગોવાળો અને ગાયો ભય પામ્યાં. પછી જેમ સંસારના ભયથી પીડાએલા લોકો ભગવાનની પ્રાર્થના કરે, તેમ સર્વે ગોવાળો અને બળદેવજીએ સહિત શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી કે- હે કૃષ્ણ ! હે પરમ પરાક્રમવાળા ! હેરામ ! દાવાનળથી બળતા એવા અમો તમારે શરણ આવ્યા છીએ. માટે અમારી રક્ષા કરો. કારણ કે શરણે આવેલા એવા, અમારા નાથ અને પરમ શરણરૂપ તમે જ છો.  ૮-૧૦

શુકદેવજી કહે છે- બંધુઓનું આવું દીન વચન સાંભળી ભગવાને કહ્યું કે- ‘‘ભયરહિત થઇ આંખો મીંચી જાઓ’’ એટલે તરત સર્વે  ગોવાળો આંખો મીંચી જતાં, યોગેશ્વર ભગવાન પોતાના મુખવડે દાવાનળને પી ગયા અને સર્વને કષ્ટમાંથી મુકાવ્યા. ૧૧-૧૨  પછી સર્વે ગોવાળો આંખો ઉઘાડીને જુવેછે ત્યાં ભાંડીરવડની નજીક પોતાને અને ગાયોને દાવાનળથી મુકાએલા જોઇ વિસ્મય પામ્યા. ૧૩ પોતાની દાવાનળથી રક્ષા કરનાર ભગવાનનું યોગબળ જોઇને તે ગોવાળો ભગવાનને દેવ માનવા લાગ્યા. ૧૪  ગાયોને પાછી વાળીને ગોવાળો દ્વારા સ્તુતિ કરાતા બળભદ્ર સહિત ભગવાન સાયંકાળે વેણુ વગાડતા ગોકુળમાં પધાર્યા. ૧૫  જે ગોપીઓને ભગવાન વિના એક ક્ષણ યુગ જેવો જતો હતો તે ગોપીઓને ભગવાનનાં દર્શનથી પરમ આનંદ થયો. ૧૬

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ઓગણીશમો અધ્યાય સંપૂર્ણ.