૨૦ વર્ષાઋતુ તથા શરદઋતુનું પ્રાકૃતિક વર્ણન.

Submitted by swaminarayanworld on Mon, 16/11/2015 - 5:16pm

અધ્યાય ૨૦

વર્ષાઋતુ તથા શરદઋતુનું પ્રાકૃતિક વર્ણન.

શુકદેવજી કહે છે- ગોવાળોએ વ્રજમાં જઇને પોતાને દાવાનળથી મુકાવારૂપ અને પ્રલંબાસુરનો નાશ કરવારૂપ બન્ને ભાઇઓનું અદભૂત પરાક્રમ પોતાની સ્ત્રીઓ પાસે કહ્યું. ૧  વૃદ્ધ ગોવાળો અને ગોપીઓ એ વાત સાંભળી વિસ્મય પામ્યાં, અને ‘‘ભગવાન શ્રીકૃષ્ણ તથા રામ એ કોઇ વ્રજમાં મોટા દેવ આવ્યા છે’’એમ માનવા લાગ્યાં. ૨ પછી સર્વ પ્રાણીઓને ઉત્પત્તિ અને જીવન આપનારી વર્ષાઋતુ આવી, સૂર્ય અને ચંદ્રમાને કુંડાળાં થવા લાગ્યાં, અને વીજળીઓ વડે દિશાઓ પ્રકાશવા લાગી, આકાશમાં અવાજો થવા લાગ્યા. ૩ વીજળી સાથે ગડગડાટ કરતાં અતિ કાળાં અને ઘાટાં વાદળોથી આકાશ ઢંકાઇ ગયું. અને આકાશમાં જયોતિ મંડળો પણ અસ્પષ્ટ જણાવા લાગ્યા. ૪  રાજા જેવી રીતે પ્રજા પાસેથી ધન લઇને સમય પર પાછું આપે છે, તેમ સૂર્ય પણ આઠ મહિના સુધી પૃથ્વીનું જળરૂપ ધન, કે જે પોતે પોતાનાં કિરણોદ્વારા લીધું હતું તેને સમય આવતાં પાછું આપવા લાગ્યા. ૫ દયાળુ પુરુષો જેમ દુઃખીજનને જોઇને તેને સુખી કરવા દયાથી ધ્રૂજીને પોતાનું જીવન પણ મૂકી દે, તેમ મોટા મેઘ વીજળીરૂપ નેત્રથી જગતને તપેલું જોઇ, ભારે પવનથી ધ્રૂજીને જળરૂપ જીવન મૂકવા લાગ્યા. ૬  જેમ સકામ તપ કરનારાનું શરીર પ્રથમ તપથી દુબળું થઇને પછી તપનું ફળ પામીને પુષ્ટ થાય, તેમ પૃથ્વી કે જે ગ્રીષ્મ ઋતુથી દુબળી થઇ હતી, તે પણ પાછી મેઘનું જળ મળવાથી પુષ્ટ થઇ. ૭  જેમ કલીયુગમાં પાપને લીધે પાખંડમાર્ગ પ્રકાશે પણ વેદમાર્ગ પ્રકાશે નહીં, તેમ પ્રદોષકાળમાં અંધારાને લીધે પતંગીયાં પ્રકાશવા લાગ્યાં અને ગ્રહો ઢંકાએલા રહ્યા. ૮  જેમ ગુરૂનું નિત્ય કર્મ ચાલતું હોય ત્યારે ગુરુ પાસે અધ્યયન કરવા માટે આવેલા શિષ્યો ગુરુને નિત્ય કર્મમાં વિઘ્ન ન થાય એ હેતુથી પ્રથમ મૌન બેઠેલા હોય અને પછી ગુરુનું નિત્ય કર્મ સમાપ્ત થતાં ‘‘અધ્યયન માટે આવો’’ આવો ગુરુનો શબ્દ સાંભળીને શિષ્યો ગુરુની સમીપે જઇને વેદનું ઉચ્ચારણ કરવા લાગે છે. તેમ મેઘનો શબ્દ સાંભળી દેડકાં ડ્રાં ડ્રાં શબ્દ કરવા લાગ્યાં. ૯  જેમ અજિતેન્દ્રિય પુરુષનું શરીર, ધન અને દોલત સર્વ અવળે માર્ગે જાય છે, તેમ ઉનાળામાં સુકાતી નાની નાની નદીઓ વર્ષાઋતુમાં જળ મળતાં જ આડી અવળી વહેવા માંડી. ૧૦ જેમ રાજાઓની સૈન્ય સંપત્તિ, રંગબેરંગી ધજા પતાકાઓને લીધે, રંગ બેરંગી અને ઊંચાં કરેલાં છત્રોની છાયાવાળી જણાય છે, તેમ લીલા ઘાસથી હરિયાળી અને ઇન્દ્ર ગોપ નામના લાલ જીવડાઓને લીધે રાતા રંગવાળી તથા જયાં ત્યાં ઊગેલી બિલાડીઓની છત્રાકાર ટોપીઓથી પૃથ્વી છાયાવાળી થઇ ગઇ. ૧૧ ખેતરમાં ધાન્યની સમૃદ્ધિ જોઇ ખેડૂતો આનંદ મગ્ન થયા અને લાભ થવો દેવને આધીન છે, એમ ન જાણતા ધાન્ય સંગ્રહ કરવાવાળા વ્યાપારી દુઃખી થયા. ૧૨ જેમ ભગવાનનો ભક્ત ભગવાનની સેવા કરી સુંદર સ્વરૂપને પ્રાપ્ત થાય, તેમ જળસ્થળમાં રહેવાવાળાં સર્વ જળચર પ્રાણીઓ નવીન જળથી તથા વનથી સુંદર સ્વરૂપને પ્રાપ્ત થયાં. ૧૩ જેમ કાચા યોગીનું વાસનાવાળું ચિત્ત વિષયોથી જોડાઇને ક્ષોભ પામે, તેમ પવનથી ઊઠતા તરંગોવાળો સમુદ્ર નદીઓથી જોડાઇને ક્ષોભ પામવા લાગ્યો. ૧૪   જેમ ભગવાનમાં ચિત્ત રાખનારા ભક્તલોકો દુઃખો પડવાથી પણ વ્યથા ન પામે, તેમ પર્વતો વરસાદની ધારાઓ પડવાથી પણ વ્યથા પામતા ન હતા. ૧૫  બ્રાહ્મણોએ અભ્યાસ કરવામાં નહીં આવતા અને સમય જતાં ભૂલી જવાયેલા વેદો જેમ સંદિગ્ધ થઇ જાય, તેમ લોકોના ગમનાગમન વિનાના થયેલા અને ઘાસથી ઢંકાએલા માર્ગો સંદિગ્ધ થઇ ગયા. ૧૬  જેમ ક્ષણિક સ્નેહવાળી વ્યભિચારિણી સ્ત્રીઓ ગુણવાન પુરુષમાં સ્થિરતા ન ધરે, તેમ ચપળ વીજળીઓ સર્વે લોકોના બંધુરૂપ મેઘોમાં સ્થિરતા પકડતી ન હતી. ૧૭  જેમ ગુણોના પરિણામરૂપ દેહને વિષે ત્રણ ગુણોથી રહિત જીવ શોભે, તેમ શબ્દ જેનો ગુણ છે એવા આકાશમાં ગુણ (દોરી) વગરનું ઇંદ્રધનુષ શોભવા લાગ્યું. ૧૮  જેમ આત્મા પોતાના જ ધર્મભૂત જ્ઞાનવડે પ્રકાશિત દેહાત્મભ્રાન્તિને લીધે દેહથી પૃથક્ પ્રકાશતો નથી. તેમ ચંદ્ર પોતાના જ પ્રકાશથી પ્રકાશિત એવા મેઘોથી ઢંકાઇને મેઘોથી વિલક્ષણ પણે શોભતો નથી. ૧૯  જેમ ઘરમાં સંતાપ પામેલા વિરક્ત પુરુષો વૈષ્ણવજનના સમાગમથી રાજી થઇને, તેઓને વાણીથી અભિનંદન આપે, તેમ ગરમીથી તપેલા મયૂરો મેઘ આવવાના ઉત્સવથી રાજી થઇને મેઘોને ટહુકાથી અભિનંદન આપવા લાગ્યા. ૨૦  જેમ પ્રથમ તપ કરવાથી દુબળા થયેલા અને થાકી ગયેલા પુરુષો સંસારના વિષય સુખ ભોગવવાથી પ્રફુલ્લિત થાય, તેમ ઉનાળાથી દુર્બળ થયેલાં વૃક્ષો પોતાનાં મૂળવતે પાણી પીવાથી પ્રફુલ્લિત થયાં. ૨૧  જોકે ઘર અનેક પ્રકારના કર્તવ્યની પીડાથી ભરેલાં છે, તોપણ તેમાં વિષયની ઇચ્છાવાળા પામર પુરુષો જેમ વસે છે, તેમ તળાવો જોકે કીચડ અને કાંટા ભરેલા કાંઠાઓવાળાં હતાં, તોપણ તેઓમાં સારસ પક્ષીઓ રહેવા લાગ્યાં. ૨૨  જેમ કળિયુગમાં પાખંડીઓના નીચ વાદોથી વેદમાર્ગ તૂટી જાય, તેમ મેઘ વરસતા પાણીના પ્રવાહોથી સેતુઓ તૂટી ગયા. ૨૩  જેમ રાજાઓ સમયે સમયે પુરોહિતોની પ્રેરણાથી લોકોને સુખ આપે, તેમ વાદળાં વાયુઓની પ્રેરણાથી પ્રાણીઓને અમૃત સરખું જળ આપવા લાગ્યાં. ૨૪  આવા સમૃદ્ધિવાળા તે વનમાં વિહાર કરવાને માટે ગાયો અને ગોવાળોથી વીંટાયેલા શ્રીકૃષ્ણ અને બલરામ પધાર્યા. ૨૫  તે સમયે મોટા આઉના ભારથી જોકે ગાયો મંદ મંદ ચાલતી હતી, છતાં પણ ભગવાનના બોલાવવાને લીધે દૂધ ઝરતી ઉતાવળી ચાલવા લાગી. ૨૬  ભગવાને જયારે વૃન્દાવનમાં પ્રવેશ કર્યો ત્યારે એ વનમાં વનવાસીઓને અત્યંત હર્ષ પામેલાં ભગવાને જોયાં, વૃક્ષની પંક્તિઓને મદઝરતી જોઇ, પર્વતોમાંથી વહેતી જલધારાઓ જોઇ, તથા જલધારાઓની સમીપે રહેલી ગુફાઓને જોઇ. ૨૭  કોઇ સમયે વરસાદ વરસતાં ઝાડના કોતરમાં અને ગુફામાં પેસીને ભગવાન રમતા હતા અને કંદમૂળ તથા ફળ જમતા હતા. ૨૮  બળદેવજી સહિત શ્રીકૃષ્ણ ભગવાન જમાડવા યોગ્ય ગોવાળોની સાથે પાણીને કાંઠે શિલા પર બેસીને ઘેરથી આણેલાં દહીંભાતને જમતા હતા. ૨૯  તૃપ્ત થઇને લીલા ઘાસવાળી પૃથ્વી ઉપર બેસી આંખો મીંચીને ઓગાળતા બળદો, વાછરડાં અને આઉના ભારથી થાકી રહેલી ગાયોને જોઇને, ભગવાને પોતાની શક્તિથી વૃદ્ધિ પમાડેલી અને સર્વ પ્રાણીઓને સુખ દેનારી વર્ષાઋતુની શોભાને વખાણતા હતા. ૩૦-૩૧  આ પ્રમાણે શ્રીકૃષ્ણ અને બળરામ જયારે વ્રજમાં રહેતા ત્યારે વર્ષાઋતુ ગઇ અને શરદ ઋતુ  આવી, વાદળાંનો ઘમઘોર મટી ગયો, જળ સ્વચ્છ થઇ ગયાં અને પવનની કઠોરતા મટી ગઇ. ૩૨  જેમ યોગમાંથી ભ્રષ્ટ થયેલાઓનાં ચિત્ત પાછાં યોગનું સેવન કરવાથી સ્વચ્છ થાય, તેમ પાણી કમળોને ઉત્પન્ન કરનારી શરદઋતુથી પાછાં સ્વચ્છ થયાં. ૩૩ જેમ ભગવાનને વિષે ભક્તિ છે એ બ્રહ્મચારીના ગૃહસ્થની સ્પૃહારૂપ અશુભને હરે છે, તેમ શરદઋતુએ આકાશનાં વાદળાંને હરી લીધાં, જેમ ગૃહસ્થને જો ભગવાનમાં  ભક્તિ ઉદય થાય તો વૈરાગ્યની ઉત્પત્તિદ્વારા પુત્રાદિકની સંકડામણને હરે છે. (કેમકે ભક્તને  એકાંત વાસમાં રુચિ ઉત્પન્ન થાય છે.) તેમ શરદઋતુએ, જે પ્રાણીઓ વરસાદની બીકથી એકઠા થઇને સાંકડમાં ભરાઇ રહેતાં હતાં, તેમની સાંકડને હરી લીધી. જેમ વાનપ્રસ્થને  ક્યારેક અસમર્થપણાને લીધે પોતાના આશ્રમને યોગ્ય કર્મ ન થઇ શકવાથી લાગેલા પ્રત્યવાય દોષને ભગવાનની ભક્તિ હરી લે છે. તેમ શરદઋતુએ પૃથ્વીના કાદવને હરી લીધો. જેમ ભગવાનના ભક્ત, કર્મફળનો ત્યાગ કરી દેનારા સંન્યાસીઓના મોક્ષમાં પ્રતિબન્ધક પુણ્યપાપરૂપ અશુભને હરી લે છે. તેમ શરદઋતુએ જળનો મેલ હરી લીધો. ૩૪  જેમ શાંત મુનિલોકો તૃષ્ણાનો ત્યાગ કરી સ્વચ્છ થઇ શોભા આપે છે, તેમ પોતાનું સર્વસ્વ છોડી વાદળાં શ્વેત થઇ શોભા દેવા લાગ્યાં. ૩૫  જેમ જ્ઞાની લોકો પોતાનું જ્ઞાનરૂપ અમૃત કોઇ સેવા કરનારા અધિકારી શિષ્યને સમયે સમયે આપે છે. અને કોઇ અનધિકારીને નથી આપતા. તેમ પર્વત પોતાનું નિર્મળ જળ ક્યાંક વર્ષાવતા હતા, અને કોઇ સ્થળે વર્ષાવતા ન હતા. ૩૬  જેમ કુટુંબી મૂર્ખ પુરુષ પોતાની નિત્ય ક્ષીણ થતી આયુષ્યને જાણતો નથી, તેમ થોડાં પાણીમાં રહેવાવાળાં જળજંતુ ક્ષીણ થતાં જળને જાણતાં ન હતાં. ૩૭  જેમ અજિતેન્દ્રિય કુટુંબી પુરુષ દરિદ્રી અને કૃપણ થઇને ભૂખથી થયેલા તાપને પામે છે. તેમ થોડા જળમાં રહેવાવાળાં જંતુ શરદના સૂર્યનો તાપ પામવા લાગ્યાં. ૩૮  જેમ ધીર પુરુષ ધીરે ધીરે આત્માથી ભિન્ન શરીરાદિ પદાર્થોમાંથી અહંતા છોડી દે છે, તેમ લતાઓ ધીરે ધીરે  કાચાપણાનો ત્યાગ કરવા લાગી. અને જેમ અનાત્મ પદાર્થોમાંથી ધીરે ધીરે મમતા છોડે છે, તેમ સ્થલ પ્રદેશો કાદવનો ત્યાગ કરવા લાગ્યા. ૩૯  જેમ અંતઃકરણ શાંત થતાં મુનિ વેદઘોષને છોડી ચૂપ થઇ જાય છે, તેમ શરદઋતુ આવવાથી સમુદ્ર નિશ્ચળ જળવાળો થઇ પોતાનો ઘોષ છોડી ચૂપ થઇ ગયો. ૪૦  જેમ યોગીલોકો ઇન્દ્રિયરૂપ દ્વારથી સ્રવી જતા જ્ઞાનને ઇન્દ્રિયોનો રોધ કરી પકડી રાખે છે, તેમ શરદઋતુ આવતાં ખેડૂતો ડાંગર વગેરેના ક્યારાઓમાંથી વહી જતાં પાણીને મજબૂત બંધ બાંધીને અટકાવવા માંડ્યા. ૪૧ જેમ આત્મજ્ઞાન દેહાભિમાનના તાપને હરે છે, અને ભગવાન વ્રજની સ્ત્રીઓના તાપને હરે છે, તેમ ચંદ્રમાએ શરદના સૂર્યના કિરણો સંબંધી જીવોના તાપને હરવા માંડ્યો. ૪૨  જેમ રજોગુણ તમોગુણ રહિત શુદ્ધ સત્વગુણ યુક્ત અને વેદાર્થને બતાવવાવાળું ચિત્ત શોભિત થાય, તેમ મેઘ રહિત શરદના નિર્મળ તારાગણના પ્રકાશવાળું આકાશ શોભવા લાગ્યું. ૪૩  જેમ યદુપતિ  શ્રીકૃષ્ણ ભૂમિ ઉપર યાદવ મંડળથી વીંટાઇને શોભા આપે, તેમ ચંદ્ર સંપૂર્ણ તારામંડળથી  વીંટાઇને આકાશમાં શોભવા લાગ્યો. ૪૪  શરદઋતુ આવતાં પુષ્પવનમાં સમશીતોષ્ણ પવનનું આલિંગન કરવાથી સર્વ લોકોનો તાપ મટી જતો હતો, પરંતુ ભગવાને જેઓનું ચિત્ત હરી લીધું હતું, એવી ગોપીઓનો તાપ મટતો ન હતો. ૪૫  ગાયો, મૃગલીઓ, પક્ષિણીઓ અને સ્ત્રીઓની પછવાડે શરદઋતુના પ્રભાવને લીધે તેઓની ઇચ્છા વગર પણ તે તે જાતિના પતિ પુરુષો દોડતા હતા, તેથી તેઓ ઇશ્વરના આરાધનની ક્રિયાઓ જેમ આરાધનના કરનારની ઇચ્છા વગર પણ ફળવાળી થાય, તેમ ગર્ભવાળી થવા લાગી. ૪૬  હે રાજા ! જેમ ચોર વિના બીજા સર્વે લોકો રાજાના ઉદયથી નિર્ભય થાય, તેમ ચંદ્રવિકાસી કુમુદ વિના બીજાં સર્વે કમળો સૂર્યના ઉદયથી પ્રફુલ્લિત થવા લાગ્યાં. ૪૭  પાકેલાં ધાન્યોની સમૃદ્ધિવાળી પૃથ્વી નગરોમાં અને ગામોમાં નવીન અન્ન ખાવાના વૈદિક યજ્ઞોથી અને ઇંદ્રિયોનેસુખ આપનારા લૌકિક ઉત્સવોથી પણ શોભવા લાગી, અને તેમાં શ્રીકૃષ્ણ અને બલરામના વિહારને લીધે તો બહુ જ શોભતી હતી. ૪૮  જેમ મંત્ર અને યોગાદિકથી સિદ્ધ થયેલા પુરુષો આયુષ્યના બંધનથી મનુષ્ય દેહમાં રોકાઇ રહ્યા હોય છતાં, તેઓ સમય આવતાં આ દેહમાંથી નીકળી બીજા દેહને પામી પોતપોતાના તપથી સાધ્ય ભોગોને પામે, અથવા મોક્ષને પણ  પામે છે. તેમ વરસાદથી રોકાએલા વેપારી, સંન્યાસી, રાજા અને બ્રહ્મચારીઓ શરદઋતુમાં છૂટથી નીકળીને પોતપોતાના અર્થોને પામ્યા. (વેપારીઓ વ્યપાર કરવા લાગ્યા, સંન્યાસીઓ સ્વેચ્છાથી ફરવા લાગ્યા, રાજાઓ દિગ્વિજય કરવા નીકળ્યા અને બ્રહ્મચારીઓ વિદ્યાધ્યયન કરવા લાગ્યા.)૪૯

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો વીશમો અધ્યાય સંપૂર્ણ.