મંત્ર (૨૧) ૐ શ્રી તીવ્રવૈરાગ્યાય નમઃ
શતાનંદસ્વામી કહે છે હે પ્રભુ ! તમે વૈરાગ્યવાન છો. કેવા વૈરાગી છો, તીવ્ર તીક્ષ્ણ વૈરાગ્યવાન છો. તણખલાની જેમ જે ભોગને, રાજપાટને, ધન સંપત્તિને તજી દે. તેને તીવ્ર વૈરાગ્યવાન કહેવાય.
પ્રભુ ! તમે સોનાનાં સહાસનમાં બેસો છો, ભારે ભારે વસ્ત્ર ધારણ કરો છો, છપ્પન ભોગ જમો છો. જરાય આસકિત નથી. દેહથી ભિન્નપણે રહો છો, એવા ઊત્તમ વૈરાગ્યવાન છો.
ભકતજનોને વૈરાગ્ય વ્રુતિ રાખતાં શીખવો છો. વૈરાગ્ય એટલે શું ? ભગવાન સિવાય બીજાં પદાર્થમાં પ્રીતિ નહિ તેને વૈરાગ્ય જાણવો. જગતના પદાર્થમાં અરુચિ અને અણગમો થાય તો વૈરાગ્ય દીપી ઉઠે. અરુચિ થયા સિવાય કોઈ પદાર્થમાંથી ભોગ બુધ્ધિની તૃષ્ણા મટતી નથી. ઉલટા અન્નની પેઠે હૃદયમાંથી અભાવ થઈ જાય, એ જ સાચો વૈરાગ્ય છે.
જ્ઞાનાંશથી પ્રગટેલા વૈરાગ્યને તીવ્ર વૈરાગ્ય કહેવાય. શતાનંદસ્વામી કહે છે કે- હે મહારાજ ! તમે જ્ઞાનાંશથી પ્રગટેલા વૈરાગ્યવાળા છો, ને ભકતજનોને વૈરાગ્યવ્રુતિ રાખતાં શીખવો છો. હે મહારાજ ! તમે કેવળ ૧૧ વર્ષની વયે વનમાં પ્રયાણ કર્યું.
તીવ્રવૈરાગ્યને વેગે શ્યામ, ચાલ્યા ઊમંગથી સુખધામ ।
ઘરનો કર્યો છે પ્રભુ ત્યાગ, અતિ વહાલો મનમાં વૈરાગ્ય ।।
હર્ષ કરી હરિવર રાય, ઘરથી ઊત્તર દિશે જાય । એક કૌપીન ને આચ્છાદન, તે વિના નથી બીજુ વસન ।।
એક દિવસ વહેલી સવારે ચાર વાગ્યે ભાઈ, ભાભી, ઈચ્છારામ, નંદરામ આદિ ઘરનાં બધાં સૂતાં છે. એક કોપીન પહેરી એના ઊપર મૃગચર્મ, હાથમાં કમંડળું, કંઠમાં ચાર સારનો ગુટકો, પૂજા માટે શાલિગ્રામ, પાણી ગાળવા વસ્ત્રનો ટૂકડો, આટલી વસ્તુ સાથે લઈ, ઊઘાડા પગે ભગવાન વનમાં જવા રવાના થઈ ગયા.
જંગલમાં જવું છે તો લાવ ચાખડી લઈ જાઉં, ઓઢવા માટે ધાબળા લઈ જાઉં, જમવા માટે સુખડી લઈ જાઉં, સથવારા માટે કોઈક સેવક લઈ જાઉં, આવું કાંઈ જ નહિ. સાવ એકલા નિસ્પૃહી, અગ્યાર વરસની નાની કાચી ઉંમરે રવાના થઈ ગયા. આવા વૈરાગ્યવાન છે સ્વામિનારાયણ ભગવાન.
પગમાં પહેરી નહિ મોજડી રે, અંગરખી નહિ અંગ રે. શામળિયા છેલ છપૈયે પધારજો રે.
એકા એકી ચાલી નીસર્યા રે, જોવા રાખી નહિ જોડ રે. શામળિયા છેલ છપૈયે પધારજો રે.
આપણને ચાર દિવસ યાત્રા માટે જવું હોય તો ચાર દિવસ પહેલાં બધી તૈયારી કરીએ, સુખડી જોઈશે, ગાંઠિયા જોઈશે, નાસ્તો જોઈશે. પાણી પીવા માટે વાસણ જોઈશે. કેટલું બધું ભેગું કરીએ ત્યારે ચાર દિવસની યાત્રામાં જવાય. નિર્ભય મૂર્તિ નીલકંઠજીને કાંઈ પરવા નથી, તીવ્ર વૈરાગ્યવાન નીલકંઠ વર્ણીને નમસ્કાર કરીને શતાનંદ સ્વામી બાવીસમો મંત્ર ઊચ્ચારે છે.