(૧૧) ગણપતિકલ્પ પ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:54pm

ગણપતિકલ્પ પ્રકરણમ્ (૧૧)

 

કર્મમાં આવતાં વિઘ્નની નિવૃત્તિ અને કર્મફળની સિદ્ધિ માટે રૂદ્ર અને બ્રહ્માએ ગણપતિને પુષ્પદાન્તાદિ ગણોના અધિપતિ તરીકે નિયુકત કર્યા છે. ૨૭૧

વિનાયકથી જે ગ્રસ્ત થાય છે તેનાં લક્ષણ સાંભળો. જળમાં સ્નાન કરે છે એવું સ્વપ્નમાં તે જુએ, મસ્તક મૂંડાવેલા પુરૂષને તે જુએ, ગેરૂ રંગના વસ્ત્રને ધારણ કરેલા પુરૂષોને જુએ, ઘીધ, વાઘ, વગેરે માંસભક્ષીની ઊપર સવાર થયેલા હોય એવું સ્વપ્ન આવે, ચાંડાલ, ગધેડો અને ઊંટોની સાથે નિવાસ અને પોતે ચાલે ત્યારે શત્રુઓ પાછળ પડ્યા હોય તેવું સ્વપ્ન જુએ છે એવો તે મનુષ્ય ખિન્ન થવાથી ઈચ્છિત ફળને પામતો નથી અને વિના કારણ દુઃખી રહે છે.

વિનાયક દ્વારા અભિભૂત રાજપુત્ર રાજયને ન પામે, કુમારી કન્યાને વર ન મળે, સ્ત્રીને ગર્ભ ન રહે, શ્રોત્રિયને આચાર્યપદ ન મળે, શિષ્ય અધ્યયનથી વંચિત રહે, વણિકને વેપારમાં લાભ ન મળે અને ખેડૂતને ખેતીમાં સારો પાક ન થાય. ૨૭૨-૨૭૩-૨૭૪-૨૭૫-૨૭૬

વિનાયકથી ઊપદ્રવ પામેલાએ શુભ તિથિએ યથાવિધિ સ્નાપન (સ્નાન) કરવું. ઘી થી યુકત સફેદ સર્ષપનું ચૂર્ણ શરીરને ચોપડવું અને તેને સર્વતોભદ્ર આસન ઊપર બેસાડીને, સર્વપ્રકારના ગન્ધનો શરીરે લેપ કરવો અને શ્રુતાધ્યયનસમ્પન્ન બ્રાહ્મણોએ સ્વસ્તિવાચન કરવું.૨૭૭-૨૭૮

ઘોડશાળા, હાથીખાનું, રાફડો, નદીનો સંગમ અને તળાવ વગેરેમાંથી માટી, ગોરોચન, ચંદન વગેરે ગન્ધ તથા ગુગ્ગુલ તે જળમાં નાખવા, આ જળ એક જ રંગના ચાર ઘડામાં એક જ ઊંડા જળાશયમાં લાવવું અને ત્યારબાદ લાલ રંગના બળદના ચામડા ઊપર શ્રીપર્ણી (શીવણ નામનું વૃક્ષ, જેનું લાકડું ઢોલક સીતારા વગેરેમાં વપરાય છે) આદિથી બનાવેલું ભદ્રાસન (ઊત્તમ આસન) મૂકવું. ૨૭૯-૨૮૦

સહસ્ત્રાક્ષ, શતધારા એવું જે જળ (મનુ વગેરે) ઋષિઓએ પવિત્ર કર્યું છે, તે જળથી તારો અભિષેક કરૂં, અને તે જળ તેને પવિત્ર કરો. ૨૮૧

વરૂણ રાજા તેને સૌભાગ્ય અર્પણ કરશે. સૂર્ય અને બૃહસ્પતિ પણ સૌભાગ્ય આપશે. તેમજ ઈન્દ્ર અને વાયુ સૌભાગ્ય આપશે. અને સર્પ્તિષઓ પણ સૌભાગ્ય આપશે. ૨૮૨

જે તારા વાળમાં, સીમંતમાં, મસ્તક, કપાળ, કાન અને આંખને વિશે દુર્ભાગ્ય હોય, તેને આપ (જળ) દેવતા સદૈવ નષ્ટ કરો. ૨૮૩

મનુષ્યે સ્નાન કર્યા પછી તેના માથા ઊપર ડાબે દર્ભ ફેરવીને ઊદુમ્બર વૃક્ષની સ્રુવ (યજ્ઞમાં ઘી હોમવાની લાકડાની કડછી) વડે સરસવનું તેલ હોમવું. ૨૮૪

મિત, સંમિત, શાલ, કટંકટ, કૂષ્માણ્ડ અને રાજપુત્રને અંતે સ્વાહા શબ્દ જોડીને હવનમાં મંત્ર થાય છે, જેમકે ૐ (મિતાય સ્વાહા.) આ મંત્રોચ્ચારણ કરીને નમસ્કારપૂર્વક બલિદાન આપવું. સૂપડામાં દર્ભ પાથરીને તેની ઊપર રાંધેલા તથા કાચા ચોખા, તિલના ચૂર્ણથી મિશ્રિત ભાત, ચિત્ર વિચિત્ર પુષ્પ, ચંદનાદિ સુંગંધી દ્રવ્ય, મૂળા, પુરી, માલપુડા, ઉંડરેક (વડાનીમાળા) દહીમિશ્રિત અન્ન, ખીર, ગોળમિશ્રિત લાડું વગેરે સર્વે પદાર્થોનું ચોરા ઊપર વિનાયકને બલિદાન આપવું અને પૃથ્વી ઊપર માથું લગાડીને વિનાયકની માતા અંબિકાને નમસ્કાર કરવા. વિનાયકની માતા અંબિકાને દર્ભ, સરસવ અને પુષ્પોથી પૂર્ણ અંજલી લઈને અર્ઘ્ય આપીને નમસ્કાર કરવા. ૨૮૫ થી ૨૯૦ સુધી

હે દેવી મને રૂપ, યશ, કલ્યાણ, પુત્ર અને ધન આપો તથા મારા સર્વ મનોરથો પૂર્ણ કરો. ત્યારબાદ શ્વેત વસ્ત્ર ધારણ કરી, શ્વેત પુષ્પોની માળા પહેરી ચંદનાદિકનો લેપ કરીને બ્રાહ્મણોને જમાડવા અને ગુરૂને પણ બે વસ્ત્ર આપવા. ૨૯૧-૨૯૨

આ પ્રમાણે વિનાયકની પૂજા કરીને સર્વગ્રહોની પણ વિધિપીર્વક પૂજા કરાવાથી સર્વ કર્મનાં ફળ પ્રાપ્ત થાય છે અને  ઉત્કૃષ્ટ સમૃદ્ધિનો લાભ થાય છે. ૨૯૩

પ્રતિદિન સૂર્યની પૂજા લાલ ચંદન, કુંકુમ અને પુષ્પ વગેરે વડે કરવાથી, તથા મહાગણપતિની પૂજા કરનાર તથા તેને માટે સોનાચાંદીનાં તિલક કરાવનાર ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે છે. ૨૯૪

ઈતિ મહાગણપતિકલ્પઃ