અધ્યાય ૨૫
ગોકુળની રક્ષા માટે ગોવર્ધન પર્વતને ઉપાડતા ભગવાન.
શુકદેવજી કહે છે- હે રાજા ! તે સમયે ઇંદ્રે પોતાની પૂજાનો ભંગ થયો જાણી, નંદાદિક ગોવાળો કે જેઓના સ્વામી શ્રીકૃષ્ણ જ છે તેમના ઉપર કોપ કર્યો. ૧ ક્રોધે ભરાએલા ઇંદ્રે પ્રલય કરનારા મેઘના સાંવર્તક નામના ગણને વ્રજ ઉપર વરસવાની આજ્ઞા કરી, અને હું જ ઇશ્વર છું એવા ગર્વથી કહ્યું કે- ‘‘અહો ! વગડામાં રહેનારા ગોવાળોએ કે જે મરી જનારા કૃષ્ણનો આશ્રય લઇ દેવોનું અપમાન કર્યું. તેને લક્ષ્મીનું કેવું અભિમાન આવ્યું છે એ તો જુઓ! ! !૨-૩ જેમ યાજ્ઞિકો બ્રહ્મવિદ્યાનો ત્યાગ કરી નામ માત્રથી જ નૌકાની સમાન અને કેવળ ક્રિયામય એવા યજ્ઞનો આશ્રય કરી સંસારસાગરને તરવાની ઇચ્છા કરે છે. એ મૂઢ છે. તેમ બહુ બકનાર, પોતાને પંડિત માનનાર, બાળક, નમ્રતા વગરનો ઉદ્ધત ગોવાળિયો, જે શ્રીકૃષ્ણ મનુષ્ય છે તેનો આશ્રય લઇને, સુખી થવા ઇચ્છતા એવા મૂઢ ગોવાળોએ મારું અપ્રિય કર્યું છે.૪-૫ લક્ષ્મીથી છકેલા અને કૃષ્ણે ચડાવેલા એ ગોવાળોની લક્ષ્મીના મદથી થયેલી અકડાઇને તોડી નાખો, અને પશુઓનો ક્ષય કરી નાખો.૬ હું પણ ઐરાવત હાથી ઉપર બેસી, ભારે બળવાળા દેવતાઓના સૈન્યની સાથે તમારી પછવાડે જ વ્રજમાં આવું છું.૭ આ પ્રમાણે ઇંદ્રે આજ્ઞા કરતાં બંધનમાંથી છરૂટેલા મેઘ ભારે જોરથી નંદરાયના ગોકુળને પીડવા લાગ્યા.૮ વીજળી ઝબકવા લાગી, કડાકા અને ગર્જનાઓ થવા લાગી, તીવ્ર પવનોના ઝપાટાથી કરા પડવા લાગ્યા.૯ વાદળાં સખાત મુશળ જેવી ધારોઓથી વરસવા લાગ્યાં, તેથી જળથી ઢંકાવા માંડેલી પૃથ્વી ઊંચી કે નીચી દેખાતી ન હતી. ૧૦ અત્યંત વરસાદ અને પવનથી ધ્રૂજતાં અને ટાઢથી પીડા પામતાં પશુ, ગોવાળો અને ગોપીઓ ભગવાનને શરણે ગયાં. ૧૧ વરસાદથી પીડાએલા અને ધ્રૂજતા લોકો પોતાના નાના છોકરાંઓને શરીરથી ઢાંકીને ભગવાનના ચરણની પાસે આવ્યા અને કહ્યું કે- હે કૃષ્ણ ! હે ભક્તવત્સલ ! આપ કોપ પામેલા ઇંદ્રથી અમારું રક્ષણ કરો. ૧૨-૧૩ ભગવાન પણ પોતાના ગોકુળને વરસાદથી પીડા પામતું અને મૃતપ્રાય થયેલું જોઇને, આ કામ ઇંદ્રે જ કરેલું છે એમ જાણી ગયા. ૧૪ અમે યજ્ઞનો ભંગ કર્યો તેથી અમારો નાશ કરવા માટે ઋતુ વિના ઘણા પવનવાળી કરાની વૃષ્ટિ કરે છે, તો આ પ્રસંગમાં મારા યોગબળથી હું સારી રીતે રક્ષાનો ઉપાય કરીશ, અને મૂઢપણાથી લોકપાળપણાનું અભિમાન રાખનારા દેવતાઓના લક્ષ્મીના મદરૂપી અંધારાને હરી લઇશ. ૧૫-૧૬ સત્વગુણવાળા દેવતાઓને સમર્થપણાનું અભિમાન ન થવું જોઇએ, પણ થયું છે માટે તે દુષ્ટોનું માનભંગ કરીશ, એજ મારો તેના ઉપર અનુગ્રહ ગણાશે. ૧૭ એટલા માટે ગોકુળ કે જેનો સ્વામી હું જ છું, મેં ગ્રહણ કરેલું છે અને મારે જ શરણે છે તેથી શરણાગતનું રક્ષણ કરવું એ મારું બિરુદ છે, તેથી કોઇ પણ ઉપાયે યોગબળથી તેનું રક્ષણ કરીશ. ૧૮ એમ કહી બાળક જેમ બિલાડીના ટોપને ઉખેડે તેમ, ભગવાને લીલા માત્રથી એક હાથવડે ગોવર્ધન પર્વતને ધરી લીધો. ૧૯ પછી ભગવાને કહ્યું કે ‘‘હે માતા ! હે પિતા ! હે વ્રજવાસીઓ ! તમે ગાયોનાં ધણ સહિત આ પર્વતના તળિયામાં સુખેથી પ્રવેશ કરો. ૨૦ અહીં મારા હાથમાંથી પર્વત પડવાની બીક રાખશો નહીં, પવન અને વરસાદની બીક દૂર થઇ સમજો. મેં આ તમારા સારુ રક્ષણ કર્યું છે’’ ૨૧ આ પ્રમાણે ભગવાને આશ્વાસન આપવાથી ધીરજવાળા થયેલા વ્રજવાસીઓ, ગાયો, ગાડાં અને અનુચરો સહિત સર્વે પર્વતના તળિયામાં પેઠાં. ૨૨ ભૂખ તરસની પીડા તથા સુખની અપેક્ષા છોડી દઇને ગોવાળો જેમની સામું જોયા કરતા હતા, એવા ભગવાન સાત દિવસ સુધી પર્વત ધરી રહ્યા. ૨૩ આવું ભગવાનનું યોગબળ જોઇને બહુ જ વિસ્મય પામેલા, ગર્વ રહિત થયેલા અને જેનો સંકલ્પ ભાંગી ગયો છે એવા ઇંદ્રે પોતાના મેઘને વાર્યા. ૨૪ ગિરિધારી ભગવાન આકાશને વાદળાં વિનાનું, સૂર્યના પ્રકાશવાળું જોઇને તેમજ ભયંકર વાયુ તથા વૃષ્ટિને શાંત થયેલી જોઇને કહેવા લાગ્યા કે હે ગોવાળો ! હે ગોપીઓ ! ધણ અને બાળકો સહિત બહાર નીકળો. વાયુ અને વરસાદ શાંત થઇ ગયાં છે. અને નદીનાં જળ પણ ઘણાખરાં ઊતરી ગયાં છે. ૨૫-૨૬ પછી ગોવાળો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો પોતપોતાની ગાયોનાં ધણ લઇને તથા સામાન ગાડાંઓમાં ભરીને બહાર નીકળ્યા. ૨૭ પછી શ્રીકૃષ્ણ ભગવાને સર્વ પ્રાણીઓના દેખતાં જ એ પર્વતને પ્રથમની પેઠે પૃથ્વી ઉપર સ્થિર કર્યો. ૨૮ પ્રેમના વેગથી ભરાયેલા વ્રજવાસીઓ યથાયોગ્ય ભગવાનને મળ્યા, અને ગોપીઓએ સ્નેહ સહિત આનંદથી ભગવાનની દહીં, દૂધાદિ ઉપચારો વડે પૂજા કરી તથા આશીર્વાદ આપ્યા. ૨૯ યશોદા, રોહિણી, નંદરાય અને બળદેવ, તેઓએ સ્નેહથી પરવશ થઇને ભગવાનનું આલિંગન કરી આશીર્વાદ આપ્યા. ૩૦ હે રાજા ! આકાશમાં દેવતાઓના ગણ, સાધ્ય, સિદ્ધ, ગંધર્વ અને ચારણો રાજી થઇને સ્તુતિ તથા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ૩૧ સ્વર્ગમાં દેવોની આજ્ઞાથી શંખ અને દુંદુભિ વાગવા લાગ્યાં. તુંબરુ આદિ ગંધર્વો ગાયન કરવા લાગ્યા. ૩૨ હે રાજા ! પછી સ્નેહવાળા ગોવાળોથી વીંટાએલા ભગવાન શ્રીકૃષ્ણ બળરામની સાથે પોતાના વ્રજમાં પધાર્યા. હૃદયમાં વસી ગયેલા ભગવાનના તેવા કર્મોનું ગાયન કરતી અને રાજી થતી ગોપીઓ પણ વ્રજમાં ગઇ. ૩૩
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પચીશમો અધ્યાય સંપૂર્ણ.