ધર્મ કુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:18pm

રાગ - ગરબી

પદ - ૧

ધર્મ કુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર; જોઈને જીવુંછું.

તન મન ધન  તમ ઊપરે, લઈ વારૂં વાર હજાર. જોઈ૦ ૧

સુંદર મૂર્તિ મોહની, મારા મનમાં ખુંતી રાજ. જોઈ૦

તમ વિના મને કાનજી, બીજું કાંઈ નવ સુઝે કાજ. જોઈ૦ ૨

પાંપણ પર આંટો દઈ,  તમે બાંધી પાઘ અનુપ. જોઈ૦

કોટિક કંદર્પ વારણે, લઈ વારૂં એવું રૂપ. જોઈ૦ ૩

ભાલ તિલક શોભે ઘણું, જાણે ભ્રકુટિ કામ કબાણ. જોઈ૦

કમળનયન કટાક્ષમાં, મારા  તાણી લ્યો છો પ્રાણ. જોઈ૦ ૪

મધુર મધુર હસવું જોઈને, વાધે પ્રેમ અપાર. જોઈ૦

ત્રિભુવનમાં એવી કોણ છે, જે વશ નવ થાયે નાર. જોઈ૦ ૫

વામ કરણમાં શ્યામ છે, તિલ નિરખ્યા જેવો નીત. જોઈ૦

તિલ જોઈ જમણા ગાલમાં, વાધે પ્રેમાનંદને  પ્રીત. જોઈ૦ ૬

 

પદ - ૨

શી કહું શોભા અંગની, જોઈ લોચનીયાં લોભાય. ચિત્તડું ચોરે છે .

નિરખી નાસાકીરની, મારાં ભવનાં પાતક જાય. ચિત્ત૦ ૧

અધર પ્રવાળાની ઊપમા, જાણે કુંદ કળી સમ દાંત. ચિત્ત૦

ચિબુક્તણી શોભા ઘણી, કંબુ કંઠ જોયાની ખાંત. ચિત્ત૦ ૨

વક્ષસ્થળ વહાલું ઘણું, મને મળવા વાધે  પ્રીત. ચિત્ત૦

આજાનબાહુ ઊર ધરી, આવો મળીએ મોહન મીત. ચિત્ત૦ ૩

ઊદરમાંહી ત્રિવળી પડે, ઉંડી નાભી નૌતમ જોઈ. ચિત્ત૦

શ્યામ કટિ સોહ્યામણી, ઊરુમાંહી રહ્યું મન મોઈ. ચિત્ત ૪

જાનું જુગલ છબી જોઈને, મારો સુફળ થયો અવતાર. ચિત્ત૦

પડી પાની નીરખતાં, મારો દૂર થયો સંસાર. ચિત્ત૦ ૫

સોળે ચિહ્ને જુક્ત છે, એવી જુગલ ચરણની જોડ. ચિત્ત૦

અખંડ રહો આવી ઊરમાં, પૂરો પ્રેમાનંદના કોડ. ચિત્ત૦ ૬

 

પદ - ૩

નવલ સનેહી નાથજી, રૂપાળા રાજીવ નેણ, વહાલા લાગો છો.

હસતા હસતા હેતમાં, બોલો છો મીઠાં વેણ. વહાલા૦ ૧

આંખડલી અમૃતે ભરી, કાંઈ કરુણા કહી નવ જાય. વહાલા૦

ચિત્ત ચોરાણું ચાલમાં, મરકલડે મન લોભાય. વહાલા૦ ૨

આતુરતા નથી અંગમાં, દીસે છે શીલ સ્વભાવ. વહાલા૦

પ્રેમ  તણો પ્રવાહ વહે, નેણામાં નટવર નાવ. વહાલા૦ ૩

ભૂધર ભાવિક ભાવના, નથી અર્થાઅર્થી શ્યામ. વહાલા૦

પરમારથને કારણે, પધાર્યા પૂરણકામ. વહાલા૦ ૪

દીન ઊપર દયા કરી,  તમે દુર્લભ દર્શન દેવ. વહાલા૦

કલ્પતરુ છો કાનજી, જાણે મોટા મુનિવર ભેવ. વહાલા૦ ૫

કરુણાનિધિ કરુણા કરી, છોગાળા રંગ છેલ. વહાલા૦

પ્રેમાનંદ કહે અખંડ રહો, આંખડલીમાં અલબેલ. વહાલા૦૬

 

પદ - ૪

ધર્મકુવર શ્રીકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું.

દયાનિધિ  તમે દાસને, નિત્ય આપો છો એ દાન. એ વર૦ ૧

નિર્વિકલ્પ ઊત્તમ અતિ, એવો નિશ્ચય થાય  તમારો. એ વર૦

અલબેલા  તમ આગળે, હું અરજ કરું એ સારું. એ વર૦ ૨

માહાત્મ્ય જ્ઞાને સહિત હરિ, એવી એકાંતિકી ભક્તિ. એ વર૦

પ્રીત રહે  તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ. એ વર૦ ૩

હું માં તમારું ભક્તપણું, હરિ એમાં કોઈ પ્રકાર. એ વર૦

દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મકુમાર. એ વર૦ ૪

તમારા કોઈ ભક્તનો, મારે દ્રોહ કયારે નવ થાય. એ વર૦

સંગ એકાંતિક ભક્તનો, મને નિત્ય આપો મુનિરાય. એ વર૦

દાસ  તમારા દાસનો, મને રાખો નાથ હજુર. એ વર૦

પ્રેમાનંદની વિનતિ, સાંભળજો શ્યામ જરૂર. એ વર૦ ૬

Facebook Comments