રાગ - ગરબી
પદ - ૧
પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ,
કાંઈ કહ્યામાં ના’વે વાત, મારી બે’ની. ! પ્રગટ૦
આજ દીન બંધુ અઢળક ઢળ્યા રે લોલ,
પોતે પુરુષોત્તમ સાક્ષાત્, મારી બે’ની. ! પ્રગટ૦ ૧
એ તો પ્રકૃતિ પુરુષ થકી પર છે રે લોલ,
એ તો અક્ષર તણા આધાર, મારી બે’ની. ! પ્રગટ૦ ૨
એ તો રાધારમાના વર છે રે લોલ,
એનો નિગમ ન પામે પાર, મારી બે’ની. ! પ્રગટ૦ ૩
એ તો રાજાધિરાજ પણે રાજતા રે લોલ,
એ તો ત્રિભુવન પતિ ભગવાન, મારી બે’ની. ! પ્રગટ૦ ૪
એ તો સુરનર મુનિ શીર છાજતા રે લોલ,
મનમોહન રૂપ નિધાન, મારી બે’ની. ! પ્રગટ૦ ૫
મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ,
એવા પરમ પુરુષ મહારાજ, મારી બે’ની. ! પ્રગટ૦ ૬
જેને ઘડીએ ન મેલે રમા રાધિકા રે લોલ,
એવા દુર્લભ સુલભ થયા આજ, મારી બે’ની. ! પ્રગ૦ ૭
નર વિગ્રહ ધર્યો કરુણા કરી રે લોલ,
લીધો દ્વીજકુળે અવતાર, મારી બે’ની. ! પ્રગટ૦ ૮
પ્રેમાનંદનો સ્વામી આજ શ્રીહરિ રે લોલ,
મુક્તિ આપી કરે ભવપાર, મારી બે’ની. ! પ્રગટ૦ ૯
પદ - ૨
પ્રભુ પ્રગટ થયા છે આ સમે રે લોલ,
શ્રીકૃષ્ણ કમળદળનેણ. અવિનાશી પ્રભુ૦
જેને સુરપતિ નરપતિ સહુ નમે રે લોલ,
એવા ધર્મકુંવર સુખદેણ. અવિનાશી પ્રભુ૦ ૧
જે ગોકુલચંદ નંદલાડીલો રે લોલ,
તેજ ભક્તિધર્મસુત શ્યામ. અવિનાશી પ્રભુ૦ ૨
તેણે મુક્તિનાં દ્વાર ઊઘાડિયાં રે લોલ,
નરનારીને દેવા નિજધામ. અવિનાશી પ્રભુ૦ ૩
શુદ્ધ ધર્મ ધરાપર સ્થાપવા રે લોલ,
ઊખાડવા અધર્મનાં મૂળ. અવિનાશી પ્રભુ૦ ૪
નિજજનને અખંડ સુખ આપવા રે લોલ,
પાવન કરવા ભક્તિ ધર્મકુળ. અવિનાશી પ્રભુ૦ ૫
આજ મોક્ષ આપવાને આવીયા રે લોલ,
બ્રહ્મ મહોલવાસી હરિરાય. અવિનાશી-પ્રભુ૦ ૬
મોટા મુક્ત મુનિ સાથે લાવીયા રે લોલ,
જેનાં દર્શન કર્યે પાપ જાય. અવિનાશી-પ્રભુ૦ ૭
મોક્ષપતિ કુંવર ભક્તિ ધર્મના રે લોલ,
હરિકૃષ્ણ નારાયણ નામ. અવિનાશી-પ્રભુ૦ ૮
વા’લો તરત કાપે છે બંધ કર્મના રે લોલ,
પ્રેમાનંદનો સ્વામી ઘનશ્યામ. અવિનાશી-પ્રભુ૦ ૯
પદ - ૩
જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ,
આજ ધર્મવંશીને દ્વાર. નરનારી જેને૦ ટેક.
આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ,
વહાલો તરત ઉતારે ભવપાર. નરનારી જેને૦ ૧
જન્મ મૃત્યુના ભય થકી છુટવા રે લોલ,
શરણે આવો મુમુક્ષુ જન. નરનારી જેને૦ ૨
શીદ જાઓ છો બીજે શીર કુટવા રે લોલ,
હ્યાં ’તો તરત થાશો પાવન. નરનારી જેને૦ ૩
ભૂંડા શિદને ભટકો છો મત પંથમાં રે લોલ,
આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ. નરનારી જેને૦ ૪
આણો પ્રેમ પ્રતીત સાચા સંતમાં રે લોલ,
થાશે મોક્ષ અતિશે અનુપ. નરનારી જેને૦ ૫
જુવો આંખ ઊઘાડી વિવેકની રે લોલ,
શીદ કરો છો ગોળ ખોળ એકપાડ. નરનારી જેને૦ ૬
લીધી લાજ બીજા ગુરૂ ભેખની રે લોલ,
કામ ક્રોધે લગાડી છે રાડ. નરનારી જેને૦ ૭
એવા અજ્ઞાની ગુરૂના વિશ્વાસથી રે લોલ,
જાશો નરકે વગાડતા ઢોલ. નરનારી જેને૦ ૮
વાલો તરત છોડાવે કાળપાસથી રે લોલ,
પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ. નરનારી જેને૦ ૯
પદ - ૪
જાઉં ધર્મકુવરને વારણે રે લોલ,
ભવ બુડતાં ઝાલી મારી બાંય. અલબેલે જાઉં૦ ટેક.
બાંહ્ય ઝાલીને તાણી લીધી બારણે રે લોલ,
નહિ તો વહી જાત કયાંયની કયાંય. અલબેલે જાઉં૦
વા’લો ઘોર કળીમાં કરુણા કરી રે લોલ,
લીધો ધર્મગૃહે અવતાર. અલબેલે જાઉં૦ ૨
પોતે અક્ષરપતિ આવ્યા શ્રીહરિ રે લોલ,
કરવા અધમ તણો ઓધાર. અલબેલે જાઉં૦ ૩
વા’લે પ્રગટ પ્રતાપ જણાવિયો રે લોલ,
મેટ્યા લખ્યા વિધાતાના લેખ. અલબેલે જાઉં૦ ૪
જીવ જમના તે હાથથી છોડાવીયા રે લોલ,
મારી કર્મની રેખ પર મેખ. અલબેલે જાઉં૦ ૫
ચાર વર્ણ ને આશ્રમ ચારના રે લોલ,
સ્થાપ્યો અચળ ધરા પર ધર્મ. અલબેલે જાઉં૦ ૬
મધ માંસ ચોરી ફેલ જારના રે લોલ,
નરનારીનાં મેલાવ્યાં કર્મ. અલબેલે જાઉં૦ ૭
કીધાં શુદ્ધ અંતર નરનારીનાં રે લોલ,
ધર્મ ભક્તિ પધરાવ્યાં માંહ્ય. અલબેલે જાઉં૦ ૮
એવાં દિવ્ય ચરિત્ર ગિરિધારીનાં રે લોલ,
પ્રેમાનંદ જોઈને વારી જાય. અલબેલે જાઉં૦ ૯