ઓરા આવો મારા લેરખડા લેરી, કીધો તમ સારું મેં જગ વેરી (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:23pm

રાગ - ગરબી

પદ - ૧

ઓરા આવો મારા લેરખડા લેરી, કીધો  તમ સારું મેં જગવેરી. ઓ૦૧

કાજુ નૌતમ જામા જરકસિયા, શોભે પાઘડલી શિર સોનેરી. ઓ૦ ૨

નંગ જડિયલ બાજુ બેરખડા, કર પોંચી હેમકડાં પે’રી. ઓ૦ ૩

તમે રસિયા રંગડાના ભરિયા, મુખ મોરલડી વાતા ઘેરી. ઓ૦ ૪

બ્રહ્માનંદના છેલાછોગાળા, ચાલોચાલ મલપતા ગજ કેરી. ઓ૦ ૫

 

પદ - ૨

મરમાળા મનમાન્યા માવા, રો’ને આંખડલી આગે આવા. મર૦ ૧

તારાં મનમોહન મીઠાં વેણાં, આવો શ્યામ  તમે મને સંભળાવા. મર૦ ૨

નિત્ય વાલમ આવો મારે મંદિરીયે, રૂડી ચાલ ચતુરાઈ શિખાવા. મર૦ ૩

તમે નાવો  તો હું નંદજીને ફળિયે, બહુ હેત કરીને આવું બોલાવા. મર૦ ૪

બ્રહ્માનંદના બાળ સનેહીડા, રાખું જોર કરીને નહીં દઉં જાવા. મર૦ ૫

 

પદ - ૩

વહાલું લાગે મુને મોહન મુખ  તારું, છે જો પૂરણ ચંદ્રથકી સારુ.વા૦ ૧

તારા મુખડાંની મીઠી લાવણ્યતા, જોઈ કોટિ કોટિ કંદર્પ વારું. વા૦ ૨

શુભ ગૌર કપોળે તિલ ત્રાજુ,  તેમાં લોભાણું મનડું મારું. વા૦ ૩

તારા મુખની શોભા મરમાળા, નિત્ય નીરખી અંતરમાં ધારું. વા૦ ૪

બ્રહ્માનંદ કહે વશ કીધી મુજને, છે જો કોડીલું કામણગારું. વા૦ ૫

 

પદ - ૪

તારી મૂર્તિ મન માની મારે, હવે શંકા જગની કોણ ધારે.  તા૦ ૧

લટકાળા તમને  લાડકડા, મેં  તો દીઠેલ જમુનાને આરે.  તા૦ ૨

મનમોહન સુંદર મોળીડે,  તોરા ફુલ  તણા ઝુકિયા  તારે.  તા૦ ૩

શુભ નાસા દીપ સમાન બણી, કાજુ નેણ કમળ કેરે અનુસારે.  તા૦ ૪

બ્રહ્માનંદના હાર હજારીડા, હું  તો જીવું છું  તુને દેખું જયારે.  તા૦ ૫

Facebook Comments