મારા કેસરિયા વર કાન, જાઉં તારે વારણિયે

Submitted by swaminarayanworld on Thu, 25/03/2010 - 7:53pm

રાગ - ધનાશ્રી

પદ - ૧

મારા કેસરિયા વર  કાન, જાઉં તારે વારણિયે; ટેક૦

મોહી છું મોરલડીને તાન, આવી ઊભી બારણિયે રે ....જાઉં ૦ ૧

આવી વસ્યું છે મારે અંતરે રે, વા’લા રૂપ અલૌકિક તારું;

છેલ છબીલા તારું છોગલું રે, મુંને પ્રીતમ લાગે પ્યારું રે .... જાઉં ૦ ૨

સુભગ સોનાં કેરા સાંકળાં રે, માંહી રતન જડાવું;

નવલ રંગીલા મારા નાથજી રે, હું પ્રેમે કરીને પેરાવું રે .... જાઉં ૦ ૩

ફૂલ તણી માળા ફૂટડી રે, વારી પ્રાણજીવન તમે પહેરી;

બ્રહ્માનંદના વા’લમા રે, મારા લાડકડા રંગ લેરી રે .... જાઉં ૦ ૪

 

 

 

 

પદ - ૨

મોહી છું વાલમ ભીને વાન, મોહન મરમાળા; ટેક૦

થઈ રૂપ જોઈને ગુલતાન, રસિયા રૂપાળા રે; ....મોહન ૦ ૧

રસિક સલૂણા રૂડા રૂપમાં રે, વારી મનડું આવી મોહ્યું;

છેલ છબીલા મારું ચિત્તડું રે, તારી પાઘડલીમાં પ્રોયું રે ....મોહન ૦ ૨

ભાલ તિલક સોહામણું રે, મીઠી મુખડા કેરી વાણી;

કુંડળિયે રે તારે કાનજી રે, મારું મનડું લીધું તાણી રે ....મોહન ૦ ૩

અંબર આભૂષણ અંગમાં રે, નિત્ય પે’રીને દરશન દેવું;

બ્રહ્માનંદના વા’લમા રે, વાલા બીજું નહીં તમ જેવું રે ....મોહન ૦ ૪

 

પદ - ૩

મારા શામળિયા સુખધામ, મોહી છું મરકલડે રે; ટેક ૦

તમને જોઈને સુંદર શ્યામ, ચિત્તડે રંગ ચડે રે; રે .... મોહી ૦ ૧

તમ કારણ મારા નાથજી રે, મેં તો જગની લજ્જા ત્યાગી;

રસિયા તારા રૂપમાં રે, મારે લગની અહોનિશ લાગી રે .... મોહી ૦ ૨

હાથકડાં બેઉ હેમનાં રે, તમે પહેર્યા પ્રીતમ પ્યારા;

નટવર રાખું નેણુંમાં રે, નિત મોહન જીવન મારા રે .... મોહી ૦ ૩

છબી જોઈને તારી છેલવર, મારી મનોવ્રુત્તિ લોભાણી;

બ્રહ્માનંદના વા’લમા રે, આવી તમ સંગ પ્રીત બંધાણી રે .... મોહી ૦ ૪

 

પદ - ૪ 

મારા લેરખડા નંદલાલ, વા’લી તારી વાતડલી રે; ટેક ૦

જોઈને ચટક રંગીલી રૂડી ચાલ, ઠરે છે મારી છાતડલી રે; રે .... વા’લી ૦ ૧

વ્રજજીવન તારી વાતડી રે, મારે પ્રીતમ અંતર પેઠી;

નીમખ ન મેલું મારા નાથજી રે, હું તો સમરું સૂતી બેઠી રે ....વા’લી ૦ ૨

રાજેશ્વર તારા રૂપમાં રે, મેં તો મનવ્રુત્તિ ઠેરાવી;

મોહન તારી મૂરતિ રે, રહી આંખડલીમાં આવી રે .... વા’લી ૦ ૩

અજબ સોનેરી પહેરી ઊતરી રે, માંહી માણેક જડિયેલ મોતી;

બ્રહ્માનંદના વા’લમા રે, હું તો જીવું છું નિશદિન જોતી રે .... વા’લી ૦ ૪

 

 

Facebook Comments