અધ્યાય - : - ૧૫
ભરતજીના વંશનું વર્ણન.
શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્ ! ભરતજીનો સુમતિ નામનો પુત્ર હતો. ઋષભદેવજીના માર્ગનું અનુશરણ કર્યું તેથી કળિયુગમાં ઘણા બધા પાખંડી અનાર્ય પુરુષો પોતાની દુષ્ટ મતિથી વેદવિરુદ્ધ કલ્પના કરીને તેને દેવતા માનવા લાગ્યા. ૧ તેની પત્ની વૃદ્ધસેનાથી દેવતાજિત નામનો પુત્ર થયો ૨ દેવતાજિતને અસુરીના ગર્ભથી દેવદ્યુમ્ન, દેવદ્યુમ્નને ધેનુમતીના ગર્ભથી પરમેષ્ઠી અને તેને સુવર્ચલાના ગર્ભથી પ્રતીહ નામનો પુત્ર થયો. ૩ તેમણે બીજા પુરુષોને આત્મવિદ્યાનો ઉપદેશ કરી સ્વયં શુદ્ધચિત થઇને પરમ પુરુષ શ્રીનારાયણનો સાક્ષાત્ અનુભવ કર્યો હતો. ૪ પ્રતીહની પત્ની સુવર્ચલાના ગર્ભથી પ્રતિહર્તા, પ્રસ્તોતા અને ઉદગાતા નામના ત્રણ પુત્ર થયા. આ ત્રણે પુત્રો યજ્ઞ વગેરે કર્મોમાં ઘણા નિપુણ હતા. તેમાં પ્રતિહર્તાને સ્તુતિ નામની પત્નિ હતી, તેના ગર્ભથી અજ અને ભૂમા નામના બે પુત્ર થયા. ભૂમાને ઋષિકુલ્યાના ગર્ભથી ઉદગીથ અને ઉદગીથને દેવકુલ્યાથી પ્રસ્તાવ થયો અને પ્રસ્તાવને નિયુત્સાના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો. વિભુને રતિના ઉદરથી પૃથુષેણ થયો. પૃથુષેણને આકૃતિના ગર્ભથી નક્ત નામનો પુત્ર થયો અને નક્તને દ્રુતિના ગર્ભથી ઉદારકીર્તિ રાજર્ષિપ્રવર ગયનો જન્મ થયો. આ ગય રાજા જગતની રક્ષા માટે સત્ત્વગુણને સ્વીકાર કરનાર સાક્ષાત્ ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવતા હતા. સંયમ વગેરે અનેક ગુણોને કારણે તે ગયની મહાપુરુષોમાં ગણના કરવામાં આવતી હતી. ૫-૬ મહારાજ ગયે પ્રજાનું પાલન, પોષણ વગેરે કરીને તથા જૂદા જૂદા પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરીને નિષ્કામભાવથી કેવળ ભગવાનની પ્રસન્તા માટે પોતાના ધર્મનું આચરણ કર્યું. તેનાથી તેનાં બધાં કર્મ સર્વશ્રેષ્ઠ પરમપુરુષ પરમાત્મા શ્રીહરિને અર્પિત કરીને પરમાર્થરૂપ બની ગયા હતા. તેનાથી તથા બ્રહ્મવેતા મહાપુરુષના ચરણોની સેવાથી તેને ભક્તિયોગની પ્રાપ્તિ થઇ. ત્યારે નિરંતર ભગવાનનું ચિંતવન કરીને તેમણે પોતાનું ચિત્ત શુદ્ધ કર્યું. અને શરીર વગેરે અનાત્મા વસ્તુઓથી અહંકાર હટાવીને તે પોતાના આત્માને બ્રહ્મરૂપનો અનુભવ કરવા લાગ્યા. આ બધું હોવા છતાં પણ તે નિરભિમાની થઇને પૃથ્વીનું પાલન કરતા રહ્યા. ૭ હે પરીક્ષિત ! પ્રાચીન ઇતિહાસને જાણનારા મહાત્માઓએ રાજર્ષિ ગયના વિષે આ ગાથા કહી છે. ૮
અહો !!! પોતાના કર્મોથી મહારાજા ગયની બરાબરી બીજા કયા રાજા કરી શકે છે ? તે તો સાક્ષાત્ ભગવાનની કળા જ હતા. તેના સિવાય બીજા કયા રાજા આ પ્રમાણે યજ્ઞોનું વિધિવત્ અનુષ્ઠાન કરનાર, મનસ્વી, બહુજ્ઞ, ધર્મની રક્ષા કરનાર, લક્ષ્મીનો પ્રિય પાત્ર, સાધુસમાજના શિરોમણિ અને સત્પુરુષોનો સાચો સેવક હોઇ શકે ? ૯ સત્ય સંકલ્પવાળી પરમ સાધ્વી શ્રદ્ધા, મૈત્રી, અને દયા વગેરે દક્ષકન્યાઓએ ગંગા સહિતની અનેક નદીઓના જળથી અતિ પ્રસન્તાથી તેનો અભિષેક કર્યો હતો. તથા તેની ઇચ્છા ન હોવા છતાં પણ વસુંધરાએ, જેમ ગાય પોતાના વાછડાને સ્નેહથી દૂધ પિવડાવે છે તેવી રીતે તેના ગુણોથી પ્રસન્ન થઇને પ્રજાને ધન, રત્ન વગેરે ઇચ્છિત પદાર્થો આપ્યાં હતાં. ૧૦
તેમને કોઇ પ્રકારની કામનાઓ ન હતી. છતાં પણ વેદોક્ત કર્મોએ તેમને બધા પ્રકારના ભોગો આપ્યા હતા. રાજાઓએ યુદ્ધ ભૂમિમાં તેમના બાણોથી સત્કૃત થઇને વિવિધ પ્રકારની ભેટો આપી હતી, તથા બ્રાહ્મણોએ દક્ષિણા વગેરે ધર્મથી પ્રસન્ન થઇને તેઓને પરલોકમાં મળનાર પોતાના ધર્મફળનો છઠ્ઠો ભાગ આપ્યો. ૧૧ તેમના યજ્ઞમાં ઇન્દ્ર વધારે સોમપાન કરવાથી ઉન્મત્ત થઇ ગયા હતા. તથા તેમની અત્યંત શ્રદ્ધા તથા વિશુદ્ધ અને નિશ્ચલ ભક્તિભાવથી સમર્પિત કરેલ યજ્ઞફળને ભગવાન યજ્ઞપુરુષે સાક્ષાત્ પ્રગટ થઇને ગ્રહણ કર્યું હતું . ૧૨ જે (યજ્ઞપુરુષ)ના તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને દેવતા, મનુષ્ય, પશુ-પક્ષી, વૃક્ષ અને તૃણપર્યંત બધા જીવ તત્કાળ તૃપ્ત થઇ ગયા હતા. તે વિશ્વાત્મા શ્રીહરિ નિત્ય તૃપ્ત હોવા છતાં પણ રાજર્ષિ ગયના યજ્ઞમાં તૃપ્ત થઇ ગયા હતા. તેથી તેમની બરાબરી કોઇ બીજી વ્યક્તિ કેવી રીતે કરી શકે ? ૧૩ મહારાજ ગયને ગયંતીના ગર્ભથી ચિત્રરથ, સુગતિ અને અવરોધન નામના ત્રણ પુત્રો થયા. તેમાં ચિત્રરથની પત્ની ઊર્ણાથી સમ્રાટનો જન્મ થયો. ૧૪ સમ્રાટને ઉત્કલાથી મરીચિ અને મરીચિને બિન્દુમતીથી બિન્દુમાન નામનો પુત્ર થયો. તેનો સરધાથી મધુ, મધુનો સુમનાથી વીરવ્રત અને વીરવ્રતના ભોજાથી મંથુ અને પ્રમંથુ નામના બે પુત્રો થયા. તેમાંથી મંથુનો સત્યાના ગર્ભથી ભૌવન થયો અને ભૌવનનો દૂષણાના ઉદરથી ત્વષ્ટા, થયો અને ત્વષ્ટાનો વિરોચનાથી વિરજ અને વિરજની વિષૂચી નામની પત્નિથી શતજિત વગેરે સો પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો.૧૫ વિરજના વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે. જેવી રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની શોભા વધારે છે. તેવી રીતે આ પ્રિયવ્રત વંશને તેમાં સૌથી છેલ્લે ઉત્પન્ન થયેલ રાજા વિરજે પોતાના સુયશથી વિભૂષિત કર્યો હતો. ૧૬
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભરતવંશ વર્ણન નામનો પર્ંંઈરમો અધ્યાય સંપૂર્ણઃ (૧૫)