મંત્ર (૯૩) ૐ શ્રી ગુરવે નમઃ
શતાનંદસ્વામી કહે છે, તમે ગુરુના પણ ગુરુ છો’’
ગુરુ ર્બ્રહ્મા ગુરુ ર્વિષ્ણુઃ, ગુરુ ર્દેવો મહેશ્વરઃ । ગુરુઃ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ।।
ગુરુ છે એજ જગત સૃષ્ટા બ્રહ્મા છે. ગુરુ છે એજ જીવપ્રાણી માત્રનું પાલન કરનારા વિષ્ણુ છે અને ગુરુ સાક્ષાત મહાદેવ છે, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, હે ગુરુ દેવ ! તમે જ છો.આવા જ્ઞાન સમૃદ્ધિ સહિત ગુરુદેવ ! તમને નમસ્કાર કરું છું.
આ જગતની અંદર જેટલા ગુરુઓ છે તે તમામ ગુરુના પણ તમે ગુરુ છો. ગુરુ કોને કહેવાય ? અંધકારમાંથી પ્રકાશમાં લઇ જાય તેને ગુરુ કહેવાય. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઇ જાય તેને ગુરુ કહેવાય, માયામાં રમતા મનને મોહનવરમાં રમતું કરી દે, તેને ગુરુ કહેવાય.
-: ગુરુ કર્યા વિના કોઇ કાર્ય સરતું નથી :-
કોઇ પણ કાર્ય સિદ્ધ કરવું હોય, તો પ્રથમ ગુરુની જરૂર પડે ગુરુ કર્યા વિના કોઇ કાર્ય સારું થાય નહિ, શિલ્પકળા શીખવી હોય તો કોઇ સારા શિલ્પીને ગુરુ કરવા જોઇએ. સંગીત શીખવું હોય તો સારા સંગીતજ્ઞ પાસે શીખવું જોઇએ. વૈદું શીખવું હોય તો સારા વૈદ્ય પાસે શીખવું જોઇએ. સદ્વિદ્યા શીખવી હોય તો સાચા શ્રેષ્ઠ સંત પાસે શીખવી જોઇએ. જેને જન્મ મરણના ફેરા ટાળવા હોય તેણે પરમેશ્વને ગુરુ કરવા જોઇએ. એનું શરણું સ્વીકારવું જોઇએ.
ગુરુ વિના જ્ઞાન મળતું નથી. જ્ઞાન વિના અત:કરણનું અંધારું ટળતું નથી. અજ્ઞાનથી અને મોહથી દુઃખી થતા જીવને સંતો દુઃખથી મુક્ત કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ તાપથી તપેલા માનવીને સંતો ઉપદેશ આપી સુખિયા કરે છે.
એક સદ્ગૃહસ્થનો એકનો એક દીકરો મરણ પામ્યો. એનાં સગાં સંબંધી જે આવે તે રડે, તેથી તે ગૃહસ્થ વધારે દુઃખી થાય. તેવામાં એક સંત આવ્યા તેમણે કહ્યું, ‘‘આટલા બધા ભેગા થઇને કેમ રડો છો !’’ સંતજી ! અમારો લાડીલો એકનો એક પુત્ર તેનું મૃત્યુ થયું છે, તેથી રડીએ છીએ. સંતે કહ્યું તમે આટલાં બધાં બેઠાછો છતાં છોકરાના પ્રાણને શા માટે જવા દીધો ?’’ સગાંઓએ કહ્યું, પ્રાણને રોકવાનો કોઇ ઉપાય જ નથી. ‘‘મહાત્માજીએ કહ્યું’’ તો રડો છો શા માટે ? રોવાથી પ્રાણ મળી જશે ? જો તમારે બધાને મૃત્યુથી બચવું હોય તો ઇશ્વરમાં પ્રેમ કરીને રડો. જન્મ મરણને મટવાનો એ ઉપાય છે. બાકી રડવાથી કાંઇ નહિ વળે.’’ સાચા સંતના ઉપદેશથી બધા રડતાં બંધ થઇ ગયા. અને ભગવાનનું ભજન સ્મરણ કરવા લાગી ગયા. આવા સંતો ત્રિવિધ તાપોને દૂર કરે છે.
શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે સંસ્કાર આપી જગતના જીવનું પોષણ કર્યું અને જે જગતમાં દુરાચારો હતા, કુરિવાજો હતા, વ્યસનો હતાં, તામસદેવમાં અંધશ્રદ્ધા હતી, એ દુરાચારોનો તમે સંહાર કર્યો. આ જગતના જીવની અંદર જ્ઞાન અને વૈરાગ્યની ઉત્પત્તિ કરી, એવા જગદ્ગુરુના પણ ગુરુ છો.
-: કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ :-
એક વાત સમજવા જેવી છે, ગુરુની સેવા કર્યા વિના જ્ઞાન માટેની પાત્રતા આવતી નથી. શ્રીકૃષ્ણ ભગવાને સાંદીપનિઋષિને ત્યાં રહીને વિદ્યાભ્યાસ કર્યો, અને સેવા પણ કરી, ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામીની ખૂબ ભાવથી સેવા કરી, રામાવતારે ભગવાને ગુરુ વશિષ્ઠની સેવા કરી, સેવા કરવાથી પ્રસન્ન થયેલા ગુરુ ઉપદેશ ન આપે છતાં પણ શિષ્યમાં જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. તે વિષેની એક સુંદર કથા છે.
જગતગુરુ શંકરાચાર્યનો એક મૂઢપ્રકૃતિનો શિષ્ય હતો, નામ હતું તોટકો, બીજા શિષ્યો ભણવામાં અને ગાવામાં હોશિયાર અને આને કાંઇ આવડે નહિ, ભણતર ન આવડે પણ સેવા દોડી દોડીને અનુવૃત્તિ પ્રમાણે કરે. ભણવામાં ને ગાવામાં હોશિયારને અભિમાન કે અમે કેવા ડાહ્યા ચતુર ને હોશિયાર, આ તોટકો સાવ મૂર્ખ છે, ગાંડો છે, તોટકો ગુરુના પગ દાબે, માથુ દાબે, વસ્ત્ર ધુવે, પાત્ર સાફ કરે, આશ્રમ સાફ કરે, સરસ મજાનું રાંધીને જમાડે, ખૂબ સેવા કરે, કોઇ દિવસ ગુરુ વઢીને કહે તો મન ઝાંખુ ન કરે, તેથી ગુરુ બહુ રાજી થાય. ભણેલા સેવા ન કરે, ભણે પણ સેવામાં ભાવ નહિ.
-: વિદ્યાનો ગર્વ ઓગળી ગયો :-
એક દિવસ સેવા કરવામાં રોકાયેલો તોટકો ભણવા ન આવ્યો, ગુરુ કહે તોટકો નથી આવ્યો ? તો થોડીક વાટ જુઓ, ત્યાં હોશિયાર શિષ્યો બોલ્યા, ગુરુદેવ ! એતો સાવ અબુજ અને અભણ છે. એની શું વાટ જુઓ ? ગુરુદેવને આ ન ગમ્યું. દિવસ ને રાત મારી સેવા તોટકો કરે છે. ગુરુને વિચાર થયો કે- આ બધા ભણ્યા છે પણ જ્ઞાન સાથે ગર્વ આવ્યો છે. તોટકો ભણ્યો નથી તેથી તેને નીચ કક્ષાનો સમજે છે. પોતે પોતાને મહાન માને છે, એ મોટી ભૂલ છે. શંકરાચાર્યજીએ પોતાના પ્રભાવથી વિદ્યા અને જ્ઞાન તોટકામાં સમર્પિત કરી દીધું, ગુરુનાં વસ્ત્ર ધોતાં ધોતાં વિદ્યાદેવી સરસ્વતી હૃદયમાં વસી ગયાં, વસ્ત્ર ધોઇ સૂકવીને પછી વિદ્યા ભણવા આવે છે. પણ સુંદર મજાના સંર્સ્કૃંતના શ્લોક બોલતો બોલતો આવે છે.
ઊર્ધ્વમૂલમધઃ શાખામશ્વત્થં પ્રાહુરવ્યયમ્ । છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત ।।
આવા સુંદર સુસ્પષ્ટ ઊચ્ચાર સાંભળી બધા ઊભા થઇ જોવા લાગ્યા. કોણ આવા મધુર સ્વરે શ્લોક બોલે છે ? જ્યાં જોયું તો તોટકો. બોલતો બોલતો ચાલ્યો આવે છે. બધા વિચારમાં પડી ગયા, વિદ્યાનો ગર્વ ઓગળી ગયો.
ગુરુનું સાંનિધ્ય ગુરુની સેવાથી આવું ફળ મળી જાય છે. ભગવાન આખી દુનિયાના ગુરુના પણ ગુરુ છે. એમની આજ્ઞામાં રહી સેવા અને સત્સંગ કરવો, અત્રિઋષિ કહે છે- જે ગુરુએ શિષ્યને એક અક્ષરનું પણ જ્ઞાન આપ્યું હોય, તે ઋણથી છૂટવા માટે, પૃથ્વીમાં એવું કોઇ દ્રવ્ય નથી કે- જે આપીને શિષ્ય ઋણથી મૂક્ત થઇ શકે. જીવનમાં ગુરુ હોવા જ જોઇએ. ગુરુ વિના ધાર્યાં લક્ષ સુધી પહોંચાય નહિ, ભગવાન જગતગુરુને વંદન કરી શતાનંદ સ્વામી ૯૪ મા મંત્રનો ઉચ્ચાર કરે છે.