રાગ ગરબી
પદ - ૧
હરિ હૈયાના હાર છો, જીરે તમે હરિ હૈયાના હાર છો;
સેજ તણા શણગાર છો. જીરે૦ટેક.
મુખથી શું ઘણું કહીએ મોહન રે, પ્રાણ તણા આધાર છો. જીરે૦-૧
વાલપણામાં અતિશે વહાલારે, નટવર નંદકુમાર છો. જીરે૦-૨
દુરિજનિયાંને દૂર ઘણા છો રે, પ્રેમી તે જનના પ્રાણ છો. જીરે૦-૩
મુક્તાનંદ કે’ નરનાટક ધારી રે, શરણાગતના સાર છો. જીરે૦-૪
પદ - ૨
નયણાં ઠરે છે જોઈને રે, મારાં નયણાં ઠરે છે જોઈને;
રહી છું મોહન સંગ મોહીને રે. મારાં૦ ટેક.
જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે રોઈને રે. મારાં૦ ૧
લોકડિયાંની લાજ ન રાખું રે, કે મર વેણ વગોઈને રે. મારાં૦ ૨
શ્યામ વિના હું ચૌદ ભુવનમાં રે,રંગે ન રાચું કોઈને રે. મારાં૦ ૩
મુક્તાનંદ મોહનવર પામી રે, કુળ મરજાદા ખોઈને રે. મારાં૦ ૪
પદ - ૩
મોહ્યું નયનની સાનમાં રે,મન મોહ્યું નયનની સાનમાં;
વાંસલડીના તાનમાં રે. મન૦ ટેક.
કામને કાજ મુને કાંઈ નવ સૂઝેરે, ગિરધરજીના ગાનમાંરે. મન૦ ૧
આંખડલી અણીયાળી જોઈને રે, કુંડળની છબી કાનમાં રે. મન૦ ૨
મન ગમે તેમ મુખથી બોલું રે, જાણે બેઠી છું રાનમાં રે. મન૦ ૩
મુક્તાનંદ કહે થઈ મતવાલી રે, વાલમજીના વાનમાં રે. મન૦ ૪
પદ - ૪
કાનુડા સંગ મન લાગ્યું સૈયર મારું, કાનુડા સંગ મન લાગ્યું;
વિરહનું બાણ ઊર વાગ્યું. સૈયર૦ ટેક.
શ્યામ વિના હું ચૌદભુવનમાં રે, અળગી તે નવ અનુરાગું. સૈયર૦ ૧
મોહનવર સાથે મન માન્યું રે, બીજું તે કાંઈ નવ માગું. સૈયર૦ ૨
ફુલડે સેજ સમારી સુંદર રે, વાટડી જોઈ જોઈ જાગું. સૈયર૦ ૩
મુક્તાનંદ મોહનવર મળતા રે, જન્મમરણ દુઃખ ભાગ્યું. સૈયર૦ ૪