રાગ - ગરબી
પદ - ૧
અરજ કરે છે અબળા તે ઊર ધારો રે વ્હાલાજી;
વાલપણું વાલમજી માં વિસારો મારા વ્હાલાજી. ટેક.
પડવે મારા પ્રાણ લઈને પધાર્યા રે વ્હાલાજી;
મને રડતી મેલી ન રહ્યા કોઈના વાર્યા મારા વ્હાલાજી. ૧
બીજે કયાં જઈ વશીયા રંગના રસીયા રે વ્હાલાજી ;
ઊદે થયા આવીને ગોકુળ વસીયા મારા વ્હાલાજી. ૨
ત્રીજે તમને જોવાને જીવન રે વ્હાલાજી;
આકુળ વ્યાકુળ થાય છે મારૂં મન મારા વ્હાલાજી. ૩
ચોથે તમને ચારે દિશે જોઉં રે વ્હાલાજી;
વ્રેહની મારી વ્યાકુળ થઈને રોવું મારા વ્હાલાજી. ૪
પાંચમે પધારો મારે ઘેર રે વ્હાલાજી;
અબળા ઊપર રાખો કાંઈક મહેર મારા વ્હાલાજી. ૫
છઠ્ઠે આવો છેલા છોગલાં મેલી રે વ્હાલાજી;
જોવા સારુ તલખે સહુ સાહેલી મારા વ્હાલાજી. ૬
સાતમે આવો તો શોભા કરીએ રે વ્હાલાજી;
હાર પહેરાવી સુંદર છોગલાં ધરીએ મારા વ્હાલાજી. ૭
આઠમે આવોને પ્રાણ આધાર રે વ્હાલાજી;
કાંઈ કરુણા રાખો કેસરના અસ્વાર મારા વ્હાલાજી. ૮
નોમે નવલા નેહ વધારો આવી રે વ્હાલાજી;
સુખ આપો શામળીયાજી બોલાવી મારા વ્હાલાજી. ૯
દશમે દુઃખીયાં કીધાં બહુ નરનારી રે વ્હાલાજી;
આ કયાંથી આવી પૂતના સમ હત્યારી મારા વ્હાલાજી. ૧૦
એકાદશીનો ઊત્સવ આવ્યો આજ રે વ્હાલાજી;
આવો મુનિમંડળને દર્શન દેવા કાજ મારા વ્હાલાજી. ૧૧
બારસે બહુ ભાતે કર્યા મેં થાળ રે વ્હાલાજી;
તમે જમવા સારુ આવો દિનદયાળ મારા વ્હાલાજી. ૧૨
તેરસે તમ કાજે ઢોલિયો ઢાળી રે વ્હાલાજી;
વાટડલી જોઉં છું ચોક વાળી મારા વ્હાલાજી. ૧૩
ચૌદસે મને ચિંતા થાય છે ભારી રે વ્હાલાજી;
હરિ નવ આવ્યા મને શે વાંકે વસારી મારા વ્હાલાજી. ૧૪
પુનમે પધારો પુરણચંદ રે વ્હાલાજી;
વદન વિલોકી સહુ પામે આનંદ મારા વ્હાલાજી. ૧૫
મનના મનોરથ કરજો મારા પુરા રે વ્હાલાજી;
નીજજનનાં કારજ કરવામાં છો શૂરા મારા વ્હાલાજી. ૧૬
તીથીયો ગાઈને પ્રેમાનંદ એ માગે રે વ્હાલાજી;
રહો સહજાનંદજી આંખડલીની આગે મારા વ્હાલાજી. ૧૭