રાગ - કાફી
પદ - ૧
સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. ટેક.
વ્યાસ મુનિએ જે પૂર્વે કહી ’તી, તે વાત સાચી કરી. પ્રગટ૦ ૧
કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, દ્વિજકુળ દેહ ધરી. પ્રગટ૦ ૨
અધર્મ કેરાં મુળ ઊખાડી, સદ્ધર્મ સ્થાપ્યો ફરી. પ્રગટ૦ ૩
નિષ્કુળાનંદ કહે દુર્ગપુર આવ્યા, નિરખ્યા મેં નેણાંભરી. પ્રગટ૦ ૪
પદ - ૨
સહજાનંદ હરિ ભજી લ્યોને, સહજાનંદ હરિ. ટેક.
દારૂ ને માટી ચોરી અવેરી, એ ચારેનો ત્યાગ કરી. ભજી૦ ૧
જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી. ભજી૦ ૨
નારાયણનું નામ જ લેતાં, ભવજળ જાશો તરી. ભજી૦ ૩
નિષ્કુળાનંદ કહે નિઃશંક થઈને, માનજો વાત ખરી. ભજી૦ ૪
પદ - ૩
જાવું જરૂર મરી મેલીને સર્વે, જાવું જરૂર મરી. ટેક.
રાતદિવસ રળ્યો ધનને કાજે, સમર્યા નહિ ઘડીએ હરિ. મેલીને૦ ૧
મેળી મંદિરને માલ ખજીના, સંપત રહેશે ધરી. મેલીને૦ ૨
સગાસબંધી સહુ જોઈ રહેશે, કેનું ન ચાલે જરી. મેલીને૦ ૩
નિષ્કુળાનંદ કહે જોને વિચારી, રહે નહિ દેહ ધરી. મેલીને૦ ૪
પદ - ૪
મનમાં વિચારી જરી જોયું નહિ, મનમાં વિચારી જરી. ટેક.
સાધુ જનની વાત ન માની, પાપીની સોબત કરી. જોયું૦ ૧
નારાયણનું નામ ન લીધું, મનુષ્ય દેહ ધરી. જોયું૦ ૨
જુવાનીમાં જોરે ભરીયો, ચોરી અવેરી કરી. જોયું૦ ૩
નિષ્કુળાનંદ કહે માગીને લીધી, માથે ચોરાશી ફરી. જોયું૦ ૪