અક્ષરના વાસી વહાલો આવ્યા અવનિ પર (૪) ?

Submitted by swaminarayanworld on Mon, 12/07/2010 - 5:09pm
 
રાગ : ધોળ
 
પદ - ૧
અક્ષરના વાસી વહાલો આવ્યા અવનિ પર,
નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ...અક્ષર - ટેક૦
અવનિ પર આવી વહાલે સત્સંગ સ્થાપયો,
હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ...અક્ષર૦ ૧ 
પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ,
હરિજન સંગે કીધી સાચી સગાઈઓ રાજ...અક્ષર૦ ૨
બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે,
પડી વસ્તુ કોઇની હાથ નવ ઝાલે રાજ...અક્ષર૦ ૩
દેવના દેવ વહાલો ધામના ધામી,
પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ...અક્ષર૦ ૪
પ્રેમાનંદનો વહાલો આનંદકારી,
પોતાના જનની વાલે લાજ વધારી રાજ...અક્ષર૦ ૫
 

૧. હસમુખ પાટડીયા

૨.

પદ - ૨
ધર્મને લાલે મુંને હેતે બોલવી,
એકાંતની વાત મરમે સમજાવી રાજ...ધર્મને૦ ૧
મૂળ માયાનાં બંધ કાપવા આવ્યા,
ધામ ધામના વાસી આહીં બોલાવ્યા રાજ...ધર્મને૦ ૨
મૂળ અક્ષર પણ શ્રીહરિ સંગે,
મૂક્ત મંડળને લાવ્યા ઉમંગે રાજ...ધર્મને૦ ૩
નવે ગ્રહમાં જેમ ભાનું વિના તમ,
દૂર ન થાય કરે કોટિક કર્મ રાજ...ધર્મને૦ ૪
પ્રેમાનંદનો સ્વામી પ્રાણ સનેહી,
બદ્ધ જીવને વાલે કર્યા વિદેહી રાજ...ધર્મને૦ ૫
 
પદ - ૩
અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ,
સત્ય કર્યું આજ શ્રી ઘનશ્યામ રાજ…અધમ૦ ૧
જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી,
પ્રૌઢ પ્રતાપ જણાવી હદ વાળી રાજ…અધમ૦ ૨
વિના સાધને સિદ્ધ દશા પમાડી,
સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ…અધમ૦ ૩
રવિ આગે શશી તારા ન ભાસે,
મતપંથ તેમ શ્રીહરિ પાસે રાજ…અધમ૦ ૪
પ્રેમાનંદનો સ્વામી પૂરણ પ્રતાપી,
પોતાના જનને સ્થિતિ અલૌકિક આપી રાજ…અધમ૦ ૫
 
પદ - ૪
શીદને ભટકો છો તમે ચતુર સુજાણ,
પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ...શીદને૦ ૧
આ ધામ ધામી ક્યારે નો’તા પદ્યાર્યા,
ઈશ્વર કોટિ સ્તુતિ કરીને હાર્યા રાજ...શીદને૦ ૨
અવસર પર કોઇ અવનીએ આવે,
તો તે માયાની આગે કાંઈ ન ફાવે રાજ...શીદને૦ ૩
ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય,
જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાય રાજ...શીદને૦ ૪
આવો અવસર હવે ફરી નહિ આવે,
પ્રેમાનંદ તાળી દઈને કા’વે રાજ...શીદને૦ ૫
Facebook Comments