રાગ - ગરબી
પદ - ૧
હૈયાના ફુટ્યા હરિ સંગે હેત ન કીધું. . . ટેક.
લખ ચોરાશી કેરૂં લગડું, માથે તાણી લીધું રે. હૈયાના૦ ૧
પેટને અર્થે પાપ કરતાં, પાછું ફરી નવ જોયું;
ચાર દિવસના જીવતર સારું, મન માયામાં મોહ્યું રે. હૈયા૦૨
જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું, તે નવ શકિયો ટાળી;
માતપિતા જુવતી સુત સંગે, વિસાર્યા વનમાળી રે. હૈયા૦ ૩
આળસ ને અજ્ઞાન અતિશે, કામ બગાડ્યું તારું;
દેવાનંદ કહે દેખ વિચારી, માન કહ્યું તું મારું રે. હૈયા૦ ૪
પદ - ૨
દુનિયામાં ડાહ્યો ડહાપણમાં દુઃખ પામ્યો . . . ટેક.
ભવતારણ ભગવાન વિસારી, ચડિયો ઠાલે ભામે રે. દુનિયા૦૧
મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો;
ચોરે ચૌટે જુઠુ બોલ્યો, નાહક નીર વલોયો રે. દુનિયા૦ ૨
હરિ હરિજન સંગે હેત ન કીધું, પીધું વિખનું પાણી;
સુખ સંસારી પામ્યા સારુ, મૂઆ લગે ઘરતાણી રે. દુનિયા૦ ૩
હર્ષ શોકની નદીઓ મોટી, તેમાં જાય તણાણો;
દેવાનંદ કહે હરિ ભજયા નહિ, ઘણે દુઃખે ઘેરાણો રે.દુનિયા૦૪
પદ - ૩
અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. . . . ટેક.
અંત સમે કોઈ કામ ન આવે, સગાં કુટુંબ સુતનારી રે. અજ્ઞાની૦ ૧
જોબન ધનનું જોર જણાવે, ફાટી આંખે ફરતો;
કાળકરાળ કઠણ શીરવેરી, દિલમાં કેમ નથી ડરતો રે. અજ્ઞાની૦ ૨
માલ ખજીના મંદિર મેલી, મૂઆ ભૂપ મદમાતા;
શ્વાન સુકરના દેહ ધરીને, ઘર ઘર ગોથાં ખાતા રે. અજ્ઞાની૦ ૩
આજ અમુલખ અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણું;
દેવાનંદ કહે દેહ મનુષ્યનો, ન મળે ખરચ્યે નાણુંરે. અજ્ઞાની૦ ૪
પદ - ૪
પામર તેં પ્રાણી વિસાર્યા વનમાળી. ટેક.
મિથ્યાસુખ માયામાં મોહ્યો, મૃગતૃષ્ણાજળ ભાળીરે. પામર૦૧
આઠે પહોર અંતરમાં બળિયો, ઘણા ઘણાને ધાયો;
રળી ખપી ધન ભેગું કીધું, ના ખરચ્યો ના ખાયો રે. પામર૦ ૨
નારી આગળ નિર્લજજ થઈને, બીતો બીતો બોલે;
હડકલાવે હસી બોલાવે, કરે તૃણને તોલે રે. પામર૦ ૩
સાસુ સસરો સગાં સબંધી, તેની સેવા કીધી;
દેવાનંદ કહે સાધુ જનની, ત સેવા તજી દીધી રે. પામર૦ ૪