વાટડી જોઉં છું રે વહાલા, હજી કેમ નાવ્યા નંદલાલારે - વાટડી૦
કારતકે કપટ વચન કહાવો, નમેરા નાથ ન વ્રજ આવો;
મિથ્યા બોલા તોય મન ભાવો રે. વાટડી૦ ૧
માગસરે મહાદુઃખમાં ગોપી, રહી તન મન તમને સોંપી;
તમ સારુ લોક લાજ લોપી રે. વાટડી૦ ૨
પોષે પલંગ રચ્યો પ્રીતે, રસીલાશું રમશું રસ રીત્યે;
ભરોસે ભલે માર્યા સીતે રે. વાટડી૦ ૩
માહે મોહ લાગ્યો અતિ મુજને, શું કહીયે ન ગણતાં તુજને;
ન લખીયો કાગળ સંગ દ્વિજને રે. વાટડી૦ ૪
ફાગણે વનવેલી ફુલી, કે તે પર ભમર રહ્યા ઝુલી;
વાલમ વિના હું ભટકું ભૂલી રે. વાટડી૦ ૫
ચૈતરે ચિત્ત શાન્તિ નાવે, પીયું વિના ભોજન નવ ભાવે;
જાણું જે વ્હાલો આ વેળે આવે રે. વાટડી૦ ૬
વૈશાખે વાટ ઘણી જોઈને, ન લખીયો કાગળીયો કોઈને;
રહ્યા શું કુબ્જામાં મોહીને રે. વાટડી૦ ૭
જેઠે જગત સઘળે જાણી, કીધી તમે કુબ્જા પટરાણી;
ભરો છો તેનાં પરવશ થઈ પાણી રે. વાટડી૦ ૮
અષાઢે આરત ઘણી તનમાં, બપૈયા બોલે છે વનમાં;
પીયુ પીયુ સુણી ઝુરું મનમાં રે. વાટડી૦ ૯
શ્રાવણે શ્યામ વિના સુનાં, ઉઠે ઘણું વાવલીયા ઊનાં;
પીયુજી પરહરિયાં જુનાં રે. વાટડી૦ ૧૦
ભાદરવે નવું નવું ભાવે, નગણાને મેહેર ન મન આવે;
જાણને કોણ કહી સમજાવે રે. વાટડી૦ ૧૧
આસો માસ અનંગબાણ મારે, એથી કોણ તમ વિના ઊગારે;
કામનીનું કારજ કોણ સારે રે. વાટડી૦ ૧૨
આવ્યા ઘરે બળવંત બહુનામી, હવે હું તો પૂરણ સુખ પામી;
મળ્યા મુક્તાનંદના સ્વામી રે. વાટડી૦ ૧૩