આવું તારું ધન રે જોબન ધુળ થાશે (૧) ?

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 5:49pm

રાગ - ચાબખો

 

આવું  તારું ધનરે જોબન ધુળ થાશે;

કંચન જેવી કાયા  તે રાખમાં રોળાશે.

ટાઢા ઊના રે તુંને  તાવ જ આવશે, ને વસમું થઈને વિતાશે;

દાતણ પાણીને નાહ્યા વિના તારી, દેહ બધી ગંધાશે રે. આવું૦ ૧

બોલવા ચાલવા નહીં દીએ પ્રાણી,  તારી જીભલડી ઝલાશે;

શ્વાસ ચડશેને આંખો ફરકશે, નાકની  તે ડાંડી નમી જાશે રે. આવું૦ ૨

વૈદ  તેડાવે એની નાડી જોવરાવે, કડવાં  તે ઔષધ પાશે;

તૂટી એની બુટી નહીં મળે એના, જીવની શી ગતી થાશેરે. આવું૦ ૩

એક બીજા વિના ઘડીએ ન ચાલે,  તે  તારી ત્રિયા  તો રંડાશે;

જૂગોરે જુગનું છેટું પડ્યું પ્રાણીતારા, નામનીતે ચૂડીઓ ભંગાશેરે. આ૦૪

ખોખરી દોણીમાં  તારી આગજ કાઢશેને, મસાણે લાકડાં લેવાશે;

સઘળું કુટુંબ  તને સળગાવી દઈ પછી, બારમાના કાગળો લખાશેરે.આ૦૫

દશ દિવસ  તારું સુતક પાળશે, ને દાઢી ને મુચ્છ મુંડાશે;

સઘળું સુતક  તારું કાઢી નાખીને પછી, બારમાના સુખળા ખવાશેરે. આ૦૬

દયા ધર્મ ને ભક્તિ વિના તારુ, સઘળું દ્રવ્ય લુંટાશે;

દેવાનંદ કહે હરિ ભજયા વિના જમ, છોટા મોટાને લઈ જાશેરે. આ૦ ૭

Facebook Comments