રાગ : ગરબી
પુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત્;
સોળે કળા સંપૂરણ, કહ્યામાં ના’વે વાત... પુરુષોત્તમ ૦ ૧
મારી પે’લીવે’લી આવીને, મત પંથ માથે મેખ૧;
મેલાવ્યા માન મહંતના, અસદ૨ ભેખ ગુરુ ટેક... પુરુષોત્તમ ૦ ૨
ધર્મ એકાંતિક થાપિયો, ધરા ઊપર ધર્મ લાલ;
ઉખેડ્યા મૂળ અધર્મના, કામને કીધો બેહાલ... પુરુષોત્તમ ૦ ૩
કામ ક્રોધ લોભ મોહ માન, વાંકા મેવાસી૩ અસુર;
જીતી બ્રહ્મા ભવ ઈન્દ્રને, માનમાં ફરે મગરૂર૪... પુરુષોત્તમ ૦ ૪
એવા અસુર આજ મારિયા, શું જાણે મતિમંદ;
પ્રબળ પ્રતાપ દેખાડિયો, સ્વામી સહજાનંદ... પુરુષોત્તમ ૦ ૫
અનંત જીવને ઓધારિયા, શરણે આવ્યા જોડી હાથ;
મહા સુખ દીધાં નિજ જનને, પ્રેમાનંદને નાથ... પુરુષોત્તમ ૦ ૬
-----------------------------------------------------------------------------------
૧. ચોકડી, લીટી ૨. ખોટા ૩. હિન્દુમાંથી મુસલમાન થયેલા લૂંટારાઓ ૪. અભિમાન