હોકલો હૈયા ફુટ્યાને ભાવે રે, આપનો એળે જનમ ગુમાવે, (૨)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 11:01pm

 

ચાબખા

પદ - ૧

હોકલો હૈયા ફુટ્યાને ભાવે રે, આપનો એળે જનમ ગુમાવે,

પ્રભાતે ઊઠી પ્રભુ વિસારી, હોકલા મૈં મન જાવે,

દેવતા સારુ દાડી ઊઠીને, ઘરે ઘરે ભટકાવે રે. હોકલો. ૧

શેરી બજારનાં ગોર ગરીડાં, વીણી વીણીને સળગાવે,

છોકરાના છાણમાં હાથ પડે ત્યારે, નાક સુંઘીને પસ્તાવે રે. હોક.

સોના રૂપેથી હોકો મઢાવે, ચોરે બેસીને ચસકાવે,

લાખો લોકોની લાળને ચુસતાં, લેશ શંકા નવ આવે રે. હોક. ૩

સંત સમાગમ સારો ન લાગે, હોકો મળે ત્યાં જાવે,

બદ્રિનાથ કહે જમપુરીમાં, શીશાં ઊનાં તેને પાવે રે. હોકલો. ૪

 

પદ - ૨

ભાંગને ભુંડા માણસ લઈ ખાય, એનું મોઢું જોયું નવ જાય,

રામ કૃષ્ણ નામ મુખે નવ લેવે, તમાકુંના ગુણ ગાય,

નીચા માણસની પાસે તમાકુ, લેતાં તે નવ લજાય. ભાંગ. ૧

ઘરના ખુણા સહુ થુંકી બગાડે, મોઢું ભુંડું ગંધાય,

એના લોટાનું પાણી પીતાં, અંતર ઊલટી થાય. ભાંગ. ૨

નાનું તે છોકરું જીયાં બેસીને, હંગી બગાડી જાય,

તમાકું ચાવી જીયાં થુકે ત્યાં, તેવું ભુંડું દેખાય. ભાંગ. ૩

સારા માણસ થઈ છકણી સુંઘે, નાક નકારુ થાય,

લુંગડાં લોઈને સર્વે બગાડે, અતિ ભુંડાં દેખાય. ભાંગ. ૪

પોતાની હોય તો ચપટી લેવે, બીજામાં ચપટો ભરાય,

બદ્રિનાથ કહે છકણી વાળો, ચોર નક્કી કહેવાય. ભાંગ. ૫

Facebook Comments