૪. રામાનંદ સ્વામીના આશ્રમમાં ગયા, રામાનંદ સ્વામીનું આખ્યાન, નીલકંઠવર્ણી ને રામાનંદ સ્વામીનો મેળાપ, પછી પોતાની ધર્મધુરા નીલકંઠને સોંપી પોતે ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. કચ્છમાં સંપ્રદાયના પ્રચાર વિષેની વાત, શ્રીજી ભુજ પધાર્યા, કૃપાનંદ તથા વિરભદ્રાનંદ મુનિની વાત, રામાનંદ સ્વામીના ઘરેણાં, રઘુનાથદાસ સાથે મેળાપ, ચર્ચા પછી ભાગી ગયો.
લોજ ગામમાં રામાનંદ સ્વામીના મુક્તાનંદ આદિક શિષ્ય સમુદાયનો એક આશ્રમ હતો. નીલકંઠ બ્રહ્મચારીને તે આશ્રમના સંતો સાથે મેળાપ થયો. તે વિષે એમ હકીકત છે જે નીલકંઠ બ્રહ્મચારી લોજ ગામના પાદરે એક વાવના પરથાર ઉપર બેઠા હતા ત્યાં મુકતાનંદ સ્વામીના મંડળના એક સુખાનંદ નામના સાધુ આવ્યા. મહારાજની સૌમ્ય મૂર્તિ જોઈને તે આકર્ષાયા અને તેમને મુકતાનંદ સ્વામીના આશ્રમમાં આવવા કહ્યું. તેથી મહારાજ ત્યાં ગયા. ત્યાં સાધુઓના ઉત્તમ આચાર-વિચાર જોઈ તેમની સાથે પોતે રહેવા વિચાર કર્યો. તેમના ગુરુ રામાનંદ સ્વામી તે વખતે કચ્છ દેશમાં હતા. હવે રામાનંદ સ્વામીનો પૂર્વનો ઈતિહાસ લખીએ છીએ.
રામાનંદ સ્વામી પૂર્વજન્મમાં શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત શિરોમણિ ઉદ્ધવજી હતા. શ્રીકૃષ્ણ ભગવાનના સ્વધામ ગમન બાદ ઉદ્ધવજી સિદ્ધ દેહે બદરિકાશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરતા હતા. અને આગળ જોઈ ગયા છીએ તે પ્રમાણે દુર્વાસા ઋષિનો શાપ તેમને પણ લાગ્યો હતો. આ બધી સંકલના અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિની પ્રેરણાથી થયેલ. એટલે શ્રી ઉદ્ધવજી આ પૃથ્વીને વિષે સંવત્ ૧૭૯૫ (સત્તરસો પંચાણું)ના શ્રાવણ વદ ૮ ગુરુવારને દિવસે કોશલ દેશમાં શ્રી રામચંદ્રજી ભગવાનના જન્મથી પવિત્ર થયેલી અયોધ્યા નગરીમાં કાશ્યપ ગોત્રવાળા શમદમાદિક બાર મહાગુણોએ સંપન્ન અને સર્વ પુરાણોને જાણનાર ઋગ્વેદી એવા અજ્ય નામે વિપ્રને ત્યાં તેમની ધર્મપત્ની સુમતિ થકી પ્રગટ થયા. પિતાએ તેમનું રામશર્મા એવું નામ ધારણ કરાવ્યું. અને યજ્ઞોપવિત સંસ્કાર થયા બાદ પોતાના પિતા પાસેથી રામશર્માએ ઋગ્વેદ ભણી શ્રીમદ્ ભાગવત પુરાણનું અધ્યયન કર્યું અને તેથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે દૃઢ ભક્તિ થઇ. અને તે દિવસે દિવસે વિશેષ પ્રબળ થતાં શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન કરવા આકુળ બન્યા. ભાગવતના એકાદશ સ્કંધમાં શ્રીકૃષ્ણ ભગવાન તો દ્વારકાપુરીમાં જ છે એમ જાણી ગૃહત્યાગ કરી વર્ણી વેષે દ્વારકા આવ્યા. પણ દ્વારકા તો સમુદ્રમાં લય પામેલી હતી. તેથી પ્રતિમારૂપે રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરી ત્યાંથી ક્રીડાના સ્થાનરૂપ રૈવતાચળ (ગિરનાર) પહોંચ્યા. ત્યાં આત્માનંદ નામે એક યોગીપુરુષનો સમાગમ થયો. અને તેમણે રામશર્માને દીક્ષા આપી, રામાનંદ નામ ધારણ કરાવ્યું. ત્યારબાદ આત્માનંદ મુનિએ શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવા તેમને બેસાડ્યા, પણ તેમણે ધ્યાનમાં માત્ર તેજ જ જોયું તેથી સંતોષ ન થયો. ગુરુ આત્માનંદને તે અંગે પૂછતાં તેમણે ભગવાનને નિરાકાર જણાવ્યા; તેથી તેમને નમસ્કાર કરીને તેમને છોડીને રામાનંદજી ચાલતા થયા. રામાનંદજી ચાલતા ચાલતા દક્ષિણ ભારતના પવિત્ર તીર્થધામ શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. શ્રી રામાનુજાચાર્યના ગાદીસ્થાને જઇ ત્યાં શ્રીરંગ ભગવાનનાં પ્રેમથી દર્શન કર્યાં. અહીં વસવું પ્રિય લાગવાથી રામાનંદજી રોકાયા. કાવેરીના પવિત્ર જળમાં નિત્ય સ્નાન કરતા. ત્યાર પછી પોતાનો નિત્યવિધિ કરતા. શ્રીરંગ ભગવાનનાં દર્શન કરતા, મંદિરને પ્રદક્ષિણા કરતા, શ્રી વૈષ્ણવના મુખે ગીતાભાષ્યની કથા સાંભળતા, રામાનંદજીનો આ નિત્યનો ક્રમ થઇ ગયો હતો. તદુપરાંત શ્રી રામાનુજાચાર્યના ચરિત્રોથી પરિપૂર્ણ એવા પ્રપન્નામૃત ગ્રંથનું શ્રવણ કરવા લાગ્યા. તેમાંથી શ્રી રામાનુજાચાર્યની મોટાઇ જાણવા મળી અને સતત બે મહિના સુધી આવો અભ્યાસ થતાં રામાનંદજીને દૃઢ નિશ્ચય થયો કે રામાનુજાચાર્ય જરૂર ભગવાનના પરમ ભક્ત છે અને તે આ સ્થળમાં દિવ્ય સ્વરૂપે જરૂર વિચરતા હશે. આવું ચિંતવન કરતા રામાનંદજીને સ્વપ્ન-અવસ્થામાં શ્રી રામાનુજાચાર્યે દર્શન દીધાં. રામાનંદજી તેથી ઘણા આનંદ પામ્યા. સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે રામાનંદજીને વૈષ્ણવી દીક્ષા આપી અને પોતાના શિષ્ય તરીકે માન્ય કર્યા.
શ્રી રામાનુજાચાર્યની કૃપાથી રામાનંદજીને ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થવા લાગ્યાં. ઘણા લોકો તેમની પાસે આવતા અને રામાનંદજી તે સૌને ભગવાનની વાતો કરી મોક્ષપદના અધિકારી બનાવતા. ત્યાંની ગાદીના અધિપતિને રામાનંદ સ્વામીની આટલી બધી ઊંચી સ્થિતિ સહન ન થઇ તેથી રામાનંદ સ્વામીને તે સ્થળ છોડીને ચાલ્યા જવાની ધમકી આપી. રામાનંદ સ્વામી તો સાધુતાની મૂર્તિ હતા. ટંટો તેમને ગમતો નહિ, તેથી તે સ્થાનનો ત્યાગ કરી વૃંદાવનમાં આવીને ગોવિંદજીના મંદિરમાં રહીને ભગવાનનું ભજન કરવા લાગ્યા. અને જે કોઇ આવે તેને ઉપદેશ આપી ભક્ત બનાવતા. આમ ભજન સ્મરણ કરતાં કરતાં રામાનંદ સ્વામીને શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થયાં, તેથી ઘણા આનંદિત થઇ ગયા, અને ગદ્ગદ્ કંઠે ભગવાનની પ્રાર્થના કરી, ભગવાને તે સમયે રામાનંદ સ્વામીને પૂર્વની યાદ આપી. ભગવાને કહ્યું, ‘‘તમે ઉદ્ધવ છો, અને દુર્વાસાના શાપથી જન્મ ધર્યો છે, માટે તમો નવીન સંપ્રદાય શરૂ કરો.’’ આમ કહીને ભગવાને રામાનંદ સ્વામીને બે મંત્રો આપ્યા. અને જે કોઇ તેમના શરણે આવે તેને આ મંત્ર આપી શરણે લઇ ધર્મ પ્રવર્તન કરવાની આજ્ઞા આપી. તદુપરાંત ભગવાને કહ્યું કે, દુર્વાસા ઋષિના શાપ અનુસારે હું પણ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થઇશ, અને સૌરાષ્ટ્ર દેશમાં તમારી સાથે મારો મેળાપ થશે. સૌરાષ્ટ્ર દેશમાં જઇને જે મુમુક્ષો આવે તેને મારી ભક્તિનો તમે ઉપદેશ કરજો. આટલું કહી ભગવાન અદ્રશ્ય થઇ ગયા. ત્યારબાદ રામાનંદ સ્વામી એક માસ પર્યંત વૃંદાવનમાં રોકાયા. તેમને વખતો વખત શ્રીકૃષ્ણ ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન થતાં હતાં. અને ક્યારેક ભગવાન તેમની પૂજાના ઉપચારો પણ સાક્ષાત્ રીતે અંગીકાર કરવા લાગ્યા. પછી ત્યાંથી રામાનંદ સ્વામી તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં જઇને રહ્યા. અને ત્યાં અનેક મુમુક્ષુજનોને વૈષ્ણવી દીક્ષા આપવા લાગ્યા. તે સમયે આ તીર્થમાં આવેલા દેવશર્મા તથા તેમનાં પત્ની ભક્તિદેવીએ પણ રામાનંદ સ્વામી પાસેથી શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તે પ્રસંગે રામાનંદ સ્વામીએ કહ્યું જે, ‘હે દેવશર્મા !’ તમો પુરુષોને આ દીક્ષા આપજો અને તમારાં પત્ની ભક્તિદેવી દ્વારા જે મુમુક્ષુ સ્ત્રીઓ આવે તેને દીક્ષા અપાવજો.’
રામાનંદ સ્વામી આવી રીતે પુણ્યક્ષેત્રમાં વિચરતા વિચરતા સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં ઘણા મુમુક્ષુજનો રામાનંદ સ્વામીના આશ્રિત થયા. આ પ્રમાણે શ્રી રામાનંદ સ્વામીએ સ્થાપન કરેલો અને પ્રવર્તાવેલો આ સંપ્રદાય ‘શ્રી ઉદ્ધવ સંપ્રદાય’ તરીકે ઓળખાવા લાગ્યો. પંચ વર્તમાન અણિશુધ્ધ પ્રવર્તતા હોવાથી બીજા મતવાદીઓના પ્રવર્તાવેલા મતોથી આ સંપ્રદાય સર્વોપરીપણે વર્તતો હતો. આ પ્રમાણે શ્રી રામાનંદ સ્વામીનો પૂર્વનો ઇતિહાસ નિરુપણ કરેલો છે.
નીલકંઠવર્ણી લોજ ગામે આ ઉદ્ધવ સંપ્રદાયના સંતો સાથે આશરે દશ માસ સુધી નિવાસ કરીને રહ્યા હતા. મુક્તાનંદ સ્વામીનો તથા નીલકંઠવર્ણીનો લોજથી પત્ર આવતાં, શ્રી ભુજમાં રહેલા રામાનંદ સ્વામી ત્યાંથી પ્રયાણ કરીને ગિરનાર પર્વતની તળેટીમાં રહેલ પીપલાણા નામના ગામમાં પધાર્યા, અને ત્યાં નરસિંહ મહેતા નામના વિપ્રના ઘેર ઉતર્યાં અને પોતાના આવ્યાના સમાચાર કુંવરજી નામના વિપ્ર દ્વારા લોજ ગામે મોકલાવ્યા. આ સમાચાર સાંભળી નીલકંઠવર્ણી શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન માટે અતિ ઉત્કંઠિત બન્યા. પછીથી મુક્તાનંદ સ્વામી આદિ સંતો સહિત લોજથી ચાલીને પીપલાણામાં નરસિંહ મહેતાને ઘેર આવ્યા. આ દિવસ સંવત્ ૧૮૫૬ના જેઠવદ બારસનો હતો. ગૌરવર્ણવાળા અને શરીરે પુષ્ટ તેમજ શરીર પર શ્વેત વસ્ત્રોને ધારણ કરી રહેલા રામાનંદ સ્વામીને શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. રામાનંદસ્વામીએ નીલકંઠ બ્રહ્મચારીનો હસ્ત ગ્રહણ કરીને તેમને ઊભા કર્યા અને પરસ્પર ભેટીને પછી સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારીને પોતાની પાસે બેસાડ્યા. શ્રીહરિનાં દર્શન કરીને રામાનંદસ્વામી અત્યંત આનંદને પામ્યા. સ્વામીએ શ્રીહરિનું વૃત્તાંત પૂછ્યું એટલે શ્રી નીલકંઠવર્ણીએ પોતાનું જન્મસ્થાન, કુળ, માતા, પિતા, ગોત્ર, વેદ, ગુરુ અને ઇષ્ટદેવ એ બધું કહી સંભળાવ્યું. વળી પોતાને જેવી રીતે વૈરાગ્ય થયો તથા જેવી રીતે પોતે સ્વજનોનો ત્યાગ કર્યો તથા વનમાં વિચરતાં વિચરતાં જેવી રીતે તપશ્ચર્યા કરી હતી તથા ગોપાલયોગી પાસે જેવી રીતે અષ્ટાંગયોગ સાધ્યો હતો તે બધી વાત સવિસ્તર રામાનંદસ્વામીને શ્રી નીલકંઠવર્ણીએ કહી સંભળાવી. શ્રી નીલકંઠવર્ણીનું સવિસ્તર વૃત્તાંત સાંભળીને રામાનંદસ્વામી અત્યંત પ્રસન્ન થયા, અને પછીથી ઉદ્ધવાવતાર શ્રી રામાનંદસ્વામી કહેવા લાગ્યા જે, ‘હે બ્રહ્મચારી ! તમો તો અમારા જ છો કારણ કે તમારા પિતા ધર્મદેવને પ્રથમ પ્રયાગક્ષેત્રમાં અમારા થકી ભાગવતી દીક્ષા મળી છે, તો તે ધર્મના તમે પુત્ર છો, અને ગુણોએ કરીને તમારા પિતા થકી પણ અધિક છો. પછી નીલકંઠ બ્રહ્મચારી ત્યાં રહેવા લાગ્યા અને સંવત્ ૧૮૫૭ (અઢારસો સત્તાવન)ના કાર્તિક સુદ ૧૧ એકાદશીને દિવસે તે સ્વામી થકી ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી. અને સ્વામીએ ‘શ્રી નારાયણ મુનિ’ તથા ‘શ્રી સહજાનંદ સ્વામી’ એવાં બે નામ ધારણ કરાવ્યાં. ત્યાર પછી શ્રી રામાનંદસ્વામી, નારાયણમુનિ તથા મુક્તાનંદમુનિ આદિક સંતો સહિત જેતપુર પધાર્યા, અને ત્યાં ઉન્નડ ખાચરના ભુવનમાં ઉતર્યા. તે સમયે અતિ પ્રીતિએ પોતાની સેવા કરતા એવા શ્રી હરિને સર્વ સાધુઓમાં અતિ સમર્થ જોઇ રામાનંદસ્વામીએ પોતાની ધર્મધુરા શ્રી નારાયણ મુનિને સંવત્ ૧૮૫૮ (અઢારસો અઠાવન)ના કાર્તિક સુદ ૧૧ એકાદશીના રોજે ધામધૂમ સહ સોંપી. ત્યાર પછી રામાનંદસ્વામી નારાયણમુનિ આદિક સંતો સહિત ફણેણી ગામે પધાર્યા. અને ત્યાં થોડા દિવસ રહ્યા. ત્યારબાદ સંવત્ ૧૮૫૮ (અઢારસો અઠાવન)ના માગશર સુદ ૧૩ તેરશના રોજે રામાનંદસ્વામીએ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો અને બદરિકાશ્રમમાં પધાર્યા અને ત્યાંથી બ્રહ્મપુર ધામમાં ગયા. આ પ્રમાણે તેઓ દુર્વાસા ઋષિના શાપથી મુક્ત થયા.
ત્યારપછી શ્રી સહજાનંદજી મહારાજ આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરાને ધારણ કરી પોતાનો પ્રતાપ જણાવતા અને અપરિમિત લોકોનું કલ્યાણ કરતા, તેમજ શ્રી રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ, બ્રહ્મચારી અને ગૃહસ્થોની સત્ શાસ્ત્રોના ઉપદેશે કરીને સંભાવના કરી પોતાના અલૌકિક પ્રતાપે કરીને સર્વનાં ચિત્તને પોતાને વિષે આકર્ષણ કરી લીધાં. આ પ્રમાણે મહા અદ્ભૂત પ્રતાપ જણાવતા સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ પોતાના શિષ્ય જે ત્યાગી-સાધુ તથા બ્રહ્મચારી તેમજ કેટલાક ગૃહસ્થ સત્સંગીઓને સાથે લઇ સોરઠ તથા હાલારમાં જુદે જુદે સ્થળે આશરે બે વર્ષ અને બે માસ વિચર્યા અને ત્યારબાદ કચ્છ દેશમાં જવા ઇચ્છા કરી. કચ્છ દેશમાં શ્રી રામાનંદસ્વામીના ઘણા શિષ્યો હતા. કચ્છમાં શ્રી રામાનંદસ્વામીએ પ્રવર્તાવેલા સંપ્રદાયનો પ્રચાર કેમ થયો, તે વિષેની વાત નીચે મુજબ જાણવામાં આવી છે.
રામાનંદસ્વામીના બે શિષ્યો મુક્તાનંદસ્વામી અને દેવાનંદસ્વામી તેમના વખતમાંજ ભુજનગરને વિષે રાઓશ્રી લખપતજીની પાઠશાળમાં વ્રજભાષા ભણવા માટે સૌરાષ્ટ્રમાંથી આવ્યા. તેઓ પ્રથમ રઘુનાથજીના મંદિરની નજીકની રામવાડીમાં રહેતા હતા. અને શહેરમાં ભિક્ષા માગીને પોતાનો દેહનિર્વાહ કરતા. એમ કેટલોક સમય વિત્યા બાદ, રામવાડીના આશ્રમમાં રહેનાર સાધુ સાથે એ બે શિષ્યોને કોઇ કારણે બોલાચાલી થઇ, એટલે એ સાધુએ રામાનંદસ્વામીના એ બે શિષ્યોને ત્યાંથી રજા દીધી એટલે હવે ક્યાં ઉતારો કરવો ? તે માટે તે ઘણા મૂંઝાવા લાગ્યા. અને શહેરમાં ભિક્ષા માગવા જતા ત્યારે સુતાર સુંદરજીભાઇ તથા હીરજીભાઈને ત્યાં પણ જતા અને તેમનાં માતુશ્રી રૂપાંબાઇ ધર્મપરાયણ હતાં તેથી આ બે સાધુઓની ભિક્ષાથી સારી રીતે સંભાવના કરતાં. તેમણે આ બે સાધુઓને ઉદાસ દેખીને કારણ પૂછ્યું. સાધુઓએ ઉતારાની અડચણ બતાવી, એટલે તે બાઇએ કહ્યું જે, ‘હું મારા પુત્રોને પૂછી જોઇશ.’ પછીથી સાધુઓ ત્યાંથી ચાલ્યા ગયા. પછી તે બાઇએ ઘેર આવેલા પુત્રોને કહ્યું જે, બે સાધુઓ અહીં ભિક્ષા લેવા આવે છે તેને રહેવાનું કોઇ સ્થળ નથી તે તમો તેમને આપણી ભૂતવાળી વંડીમાં રાખો તો સાધુ સુખેથી ત્યાં રહે. ત્યારે તેણીના પુત્રો સુંદરજી તથા હીરજી એ બન્ને આનાકાની કરવા લાગ્યા. તે દરમ્યાનમાં તો તે બે સાધુઓ ત્યાં આવ્યા. તેમનાં મુખારવિંદ તેજસ્વી અને સૌમ્ય જોઇને સુંદરજીભાઇ તથા હીરજીભાઇએ તેમને ઉતરવા એક ઓરડી આપી અને વંડી પણ સ્વાધીન કરી, તે વંડી ભૂતના વાસ તરીકે જાણીતી હતી તેથી બધાંને એમ લાગ્યું જે આ સાધુઓ વંડીમાં વાસ કરશે તો તેમનું આવી બનશે. સાધુઓ વંડીમાંની ઓરડીમાં રહ્યા. રાત્રે ભૂત આવ્યાં, સાધુએ તે બધાંને જલપ્રોક્ષણ કરીને બદરિકાશ્રમમાં મોકલી દીધાં. સવાર પડતાં સાધુઓ બહાર નીકળી સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યાંથી પાછા નિવાસસ્થાનમાં આવ્યા. આ સાધુઓને લોકોએ ધાર્યું હતું તે મુજબ ભૂતની કંઇ અસર ન થઇ અને બધાં ભૂતોને અહીંથી બદરિકાશ્રમમાં મોકલાવી દીધાં છે, આવી વાત સાંભળીને લોકો આશ્ચર્ય પામ્યા. પછીથી સુંદરજીભાઇ આદિએ તે સાધુઓને તેમના ગુરુ વિષે પૂછતાં અમારા ગુરુ મહાપ્રતાપી રામાનંદસ્વામી છે એમ જણાવતાં તે સુંદરજીભાઇએ કહ્યું જે તમારા ગુરુ અહીં પધારે એમ કરો. સાધુઓ કેટલાક દિવસ રહીને પછીથી લોજ ગયા. ત્યાં રામાનંદસ્વામીને કચ્છ-ભુજની વાત કરી તે પરથી શ્રી રામાનંદ સ્વામી વખતો વખત કચ્છમાં પધારતા તેથી ધીમે ધીમે સત્સંગનો વધારો થયો. પ્રથમ ભુજમાં સુતારોમાં, મલ્લોમાં અને કાયસ્થોમાં સત્સંગ કરાવ્યો. ભુજમાં રામાનંદસ્વામીએ એક સદાવ્રત કરાવ્યું હતું અને તેરા ગામે પણ સદાવ્રત કરાવેલું હતું. આ પ્રમાણે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદસ્વામીએ કચ્છદેશમાં ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરેલી હતી. આવા રમણીય કચ્છ પ્રદેશમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સંવત્ ૧૮૬૦ના મહાસુદિ સાતમના દિવસે પ્રથમ શ્રી ભુજ નગરમાં સાંજના સમયે પધાર્યા. અને તે સમયે રામાનંદસ્વામીના મુખ્ય શિષ્યો નીચે લખ્યાં નામવાળા જુદા જુદા વર્ણના હતા. સુતાર સુંદરજીભાઇ, સુતાર હીરજીભાઇ, ઠક્કર ડોસાભાઇ, સુતાર રામજી, મલ્લ ગંગારામ, ઠક્કર ભગવાનજી, કાયસ્થ નાથજી, કાયસ્થ શિવરામ, કાયસ્થ હરજીવન, કાયસ્થ લાધીબાઇ, ભાગબાઇ, સુતાર જીવરામ, કુંવરજી, ભટ્ટ મહિદાસ, જેઠી ખીમજી, ઠક્કર ઉકરડાભાઇ, ઠક્કર સેજપાલ, કોઠારી વલ્લભજી, વિપ્ર નાનીબાઇ, સોની ભોજા, હરચંદ, તેજપાલ, સારસ્વત વીરજી, અખઇ, ગોર જીવરામ, રાજગોર શંકરજી, વિસનગરાં સુરજબાઇ, ભટ્ટ માધવજી, વિશ્વેશ્વર, સુતાર ભગવાનજી, સુતાર નારણજી, હીરબાઇ, રાજગોર મુલજી, વાગજી, મલ્લ ત્રિકમજી વિગેરે હતા. શ્રીજીમહારાજ પધાર્યા ત્યારે ઉપર કહેલા હરિભક્તોમાં ઘણા ખરા સત્કાર કરવા માટે હાજર હતા અને તેઓમાંથી સુતાર સુંદરજી તે સમયે હાજર ન હોવાથી પછીથી તે આવ્યા હતા. શ્રીજીમહારાજનો નિવાસ સુતાર સુંદરજીભાઇના ડેલામાં રાખવામાં આવ્યો હતો તે ડેલામાં દોઢ હાથ ઊંચી પત્થરની એક પાળી હતી તે ઉપર શ્રીજીમહારાજ ઘોડો પલાણી બેઠા હતા (આ પાળ અત્યારે આપણાં જુના મંદિરમાં દર્શન આપે છે). તે સમયે શ્રીજી મહારાજનું સ્વરૂપ અલૌકિક દેખાતું હતું. ભૂરા કેશની સુંદર જટા મસ્તકે શોભતી હતી. નેત્ર તો લાલકમળની પાંખડી સરખાં હતાં. શરીર તપને લીધે કૃશ હતું, તેમજ મસ્તક પર અંચલો બાંધ્યો હતો અને ભગવી ચાદર ઓઢી હતી. તે વખતે ઠક્કર ડોસાભાઇ તથા ઠક્કર ભગવાનજીભાઇ તથા જેઠી ગંગારામભાઇ આદિક હરિભક્તો બેઠા હતા. તે વખતે સુંદરજીભાઇ ત્યાં આવ્યા. તેમણે શ્રીજીમહારાજને ઓળખ્યા નહિ તેથી નમસ્કાર કર્યા વગર બેસી ગયા. ત્યારે સહુ હસવા લાગ્યા અને શ્રીજી મહારાજ પણ હસ્યા. તેથી સુંદરજીભાઇએ પૂછ્યું જે, બધા કેમ હસો છો અને આ કોણ છે ? ત્યારે ઠક્કર ભગવાનજીએ કહ્યું જે, આ તો શ્રીજીમહારાજ પોતે છે માટે તેમનાં દર્શન કરો. તમો દર્શન કર્યા વગર બેઠા તેથી સહુ હરિભક્તો તથા શ્રીજી મહારાજ હસે છે. આ સાંભળીને સુંદરજીભાઇએ શ્રીજી મહારાજની ગદ્ગદ્ વાણીથી ઘણીક પ્રાર્થના કરી અને પછીથી દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. શ્રીજીમહારાજે તેમને ઉપાડી લીધા અને બાથમાં લઇને પરસ્પર ખૂબ જ મલ્યા. પછી શ્રીજી મહારાજના પધારવાની શહેરમાં જાણ થતાં રામાનંદસ્વામીના જેટલા સત્સંગીઓ હતા તે સર્વે હીરજીભાઇને (સુંદરજીભાઇના સગા મોટાભાઇ) ત્યાં શ્રીજીમહારાજનાં દર્શન કરવા માટે આવ્યા અને ત્યાં મોટી સભા થઇ. સભામાં જુદા જુદા વર્ણના ઘણા હરિભક્તો એકાગ્રચિત્ત થતાં શ્રીજી મહારાજે તેમની આગળ બહુ પ્રકારે સત્સંગ સંબંધી ઘણીક વાતો કરી, તેથી સભામાં બેઠેલા જનોને શ્રીજીમહારાજના પ્રકટપણાની પ્રતીતિ થઇ. અને તે સમયે ભગવાનજીભાઇના ડેલામાં રામાનંદસ્વામીનું સદાવ્રત બાંધેલું હતું. તે સદાવ્રત લેવા સારુ પૂર્વદેશના બે વૈરાગી આવ્યા. તેને શીરો-પૂરી કરીને શ્રીજીમહારાજે પોતે બહુ હેત દેખાડીને જમાડ્યા. એટલે તેમને બહુ સારું લાગ્યું અને કેટલાક દિવસ ભેગા રહ્યા, અને સમાધિ આદિ શ્રીજીમહારાજનો ઘણોક પ્રતાપ અને ઐશ્વર્ય જોઇને અંતરમાં શાન્તિ પામ્યા.
પછી એક દિવસે શ્રીજીમહારાજે પૂછ્યું જે, તમે ક્યાંથી આવ્યા છો ? ત્યારે તે વૈરાગી બોલ્યા જે, અમો તો સરવરીયા બ્રાહ્મણના પુત્ર હતા. અને બાલપણામાંથી ઘરનો ત્યાગ કરી કલ્યાણને અર્થે જગન્નાથપુરીમાં વૈરાગી થઇને રહ્યા. કેટલાંક વર્ષ સુધી જગન્નાથજીની સેવા કરી. પછી ત્યાં એક નાના બ્રહ્મચારી તીર્થ કરતા કરતા આવ્યા, તેણે કરીને ત્યાંના રહેનારા બીજા કેટલાક વૈરાગીઓને પરસ્પર ઇર્ષ્યા ઉત્પન્ન થઇ, તેમાં કેટલાક તો લડી મર્યા. તેમાંથી અમો બે જણા જીવ લઇને નાઠા તે બચી ગયા. તે કેટલાક દિવસ તીર્થોમાં ફરતાં ફરતાં શ્રી દ્વારકા જતાં રસ્તામાં ભુજ આવ્યા, અને અહીં સદાવ્રત લેવાને માટે આવ્યા, ત્યાં તમારો જોગ થયો. તમારાં દર્શન કરીને અમારા હૃદયમાં શાન્તિ થઇ છે. એ વૈરાગીની વાત સાંભળીને શ્રીજીમહારાજ મંદમંદ હસીને બોલ્યા જે, ‘હવે દ્વારકા જાઓ.’ ત્યારે બે વૈરાગીએ કહ્યું જે, હેં મહારાજ ! હવે તો અમારે ક્યાંય જવું નથી અને અહીં જ તમારા સત્સંગમાં તમારી સાથે રહીશું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ‘તમે શું સમજીને રહેશો ? કારણ કે સમજ્યા વિના તો જગતમાં રહેવું નકામું છે. જેને એમ સમજાણું છે કે, આપણે શહેરમાં રહેવું તે શહેરમાં રહે છે, અને જેને એમ સમજાણું છે તે આપણે ગામડે રહેવું તે સુખેથી ગામડે રહે છે. અને જેને વન પર્વતમાં રહેવું ગમે છે તે ત્યાં રહે છે. માટે આ સંસારમાં જ્ઞાની અથવા અજ્ઞાની સમજણે કરીને જ સુખીયા રહે છે. અને સમજણ વિના તો બધું નકામું છે. આ વિશ્વ બધું સમજણમાં જ રહ્યું છે. તમે શું સમજીને આ સત્સંગમાં રહેશો ? ત્યારે બે વૈરાગી બોલ્યા,‘અહીં તમારા સત્સંગમાં કલ્યાણનું ઠેકાણું જોઇને અને મનમાં સારી રીતે તપાસ કરીને રહ્યા છીએ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘દ્વારકા અથવા બદ્રિનારાયણ જાઓ એ સર્વે કલ્યાણનાં જ ઠેકાણાં છે.’ એવું સાંભળીને તેઓ અતિ નિર્માની થઇને બોલ્યા જે, ‘હે મહારાજ ! અમારે તો તમારાં દર્શનને વિષે સર્વ સાધન સંપૂર્ણ થયાં. હવે તો તમો જે કહેશો તેમ કરવું છે અને તમો જ્યાં મોકલશો ત્યાં રાજી થઇને જાવું છે.’ તેવાં દીનપણાનાં વચન સાંભળીને શ્રીજી બહુ જ પ્રસન્ન થયા. પછી હમીરસર તળાવના આથમણે આરે સ્નાન કરી આવીને પૂજાપાઠ, નિત્ય-નિયમ કરી રહ્યા એટલે સુંદરજીભાઇ પોતાને ઘેર જમવા તેડી ગયા. તે જમીને પાછા ડેલામાં આવીને રામાનંદ સ્વામીના ઓરડામાં પાટ હતી તે ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન થયા, અને સર્વે સંત હરિભક્તો હેઠા બેઠા. પછી શ્રીજીમહારાજ બે વૈરાગી પ્રત્યે બોલ્યા, ‘કેમ, અમારા સાધુ થાશો ? ત્યારે તેઓ કહે, ‘હા’ પછી એક વાળંદને બોલાવીને મુંડન કરાવીને એક એક ભગવી ચાદર ઓઢાડીને દીક્ષા દીધી, અને કૃપાનંદ મુનિ તથા વિરભદ્રાનંદ મુનિ એવાં નામ આપીને, કાનમાં મહામંત્ર કહ્યો. પછી શ્રીજી કહે, ‘આ સર્વેને દંડવત્ કરીને પગે લાગો.’ ત્યારે પ્રથમ શ્રીજીને દંડવત્ કરીને પછી સભાને દંડવત્ કર્યાં. તે જોઇને શ્રીજીમહારાજ તેમના ઉપર બહુ પ્રસન્ન થયા. અંતરમાં જાણ્યું જે, વિવેકી અને સમજુ-મુમુક્ષુ છે. એમ જાણીને જગન્નાથપુરીમાં પોતે જ અસુરોનો નાશ કરાવ્યો હતો તે વાત વિસ્તારીને કરી, તે સાંભળીને બે સંત ગદ્ગદ્ કંઠે સ્તુતિ કરવા લાગ્યા જે, ‘હે મહારાજ ! તમો તો સાક્ષાત્ સર્વે અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન છો.’ એમ વિનંતી કરતાં કરતાં એમને સમાધિ થઇ ગઇ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘આ બે સંતને ઉપાડીને એકાંતમાં સુવડાવીને વસ્ત્ર ઓઢાડી દો.’ તેવું સાંભળીને સભામાંથી ચાર સંત ઊઠીને એક પડાળિયા ઓરડામાં સુવાડી દીધા. પછી થોડીક વાર કેડે તે સાધુ સમાધિમાંથી જાગ્યા. પોતે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વિપ, વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુરને વિષે જે જે ઐશ્વર્ય જોયાં તેની સભામાં વાત કરી. તેને સાંભળીને સભાસદોએ શ્રીજીને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો. પછી સુંદરજીભાઇએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ એ ત્રણે યુગને વિષે ભગવાન પોતાના ભક્તની રક્ષાને અર્થે સુદર્શન ચક્રને મોકલીને તે ભક્તની રક્ષા કરતા. કળિયુગને વિષે તે ચક્ર મૂકીને પોતાના ભક્તની કળિયુગ થકી કેમ રક્ષા કરતા નથી ? શું કળિયુગના ભક્તો જે આવા હળાહળ કળિયુગને વિષે પણ ભજન કરે છે તે દવલા છે ? તેમની ભગવાને રક્ષા વધારે કરવી જોઇએ. ‘એ પ્રશ્નનો ઉત્તર શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જ સુદર્શન ચક્ર આ કળિયુગમાં છે. સુદર્શન ચક્રને વિશે દશ હજાર સૂર્યનો પ્રકાશ છે, તેટલો જ જ્ઞાનને વિષે પ્રકાશ છે. કાં જે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારું છે. ચંદ્રમા, સૂર્ય, પ્રલયકાળનું મહાતેજ વિગેરે તે અંધકારને ટાળવા સમર્થ નથી. તે અજ્ઞાનનો જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર નાશ કરે છે. માટે સત્યુગ ઇત્યાદિકને વિષે જેમ સુદર્શન ચક્ર રક્ષા કરતું હતું, તેવી જ રીતે અત્યારે કળિયુગના ભક્તોની રક્ષા કરે છે. ત્યારે તમે કહેશો જે, કઇ રીતે રક્ષા કરે છે ? તો તે કહીએ છીએ તે સાંભળો. જ્યારે પ્રભુના ભક્તના હૃદયમાં કામ- ક્રોધાદિકના ઘાટ થાય છે, ત્યારે તે ભક્તને એવો વિચાર રહે છે જે, ‘મને ભગવાન મળ્યા છે, તે હું એવા મોટા લાભને મૂકીને ભગવાનનું વચન લોપીને કુમાર્ગે કેમ ચાલું ? જ્યારે ભક્તોને એવો મનમાં વિચાર થાય છે ત્યારે ઘાટ માત્ર ટળી જાય છે. એટલા માટે જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર ભક્તના કામાદિક શત્રુથી રક્ષા કરે છે. અને સત્યુગને વિષે ભગવાને સુદર્શન ચક્રથી જેમ અંબરીષ રાજાની રક્ષા કરી હતી, તેમ અત્યારે ભક્તોની જ્ઞાનરૂપી ચક્રથી રક્ષા કરે છે. ત્યારે જ ભક્તો વ્રતમાન પાળી શકે છે. નહિતર ભગવાનનું ભજન પણ થાય નહિ; કારણકે કામ-ક્રોધાદિક તો એવા જબરા છે કે, જેણે શિવબ્રહ્માદિકને પણ ભુલાવ્યા છે, તો જીવનો શો ભાર ? માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્રને મૂકીને સર્વે સમયને વિષે રક્ષા કરતા આવે છે, ને આજ પણ પોતાના ભક્તની રક્ષા કરે છે. માટે પ્રગટ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તે જ સુદર્શન ચક્ર છે. એવી રીતની ઘણીક વાત કરી તેને સાંભળીને સર્વે સંતો-હરિભક્તોએ શ્રીજી મહારાજને વિષે પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો.
પછી બીજે દિવસે ભગવાનજીભાઇને ઘેર જમવા પધાર્યા. રસોઇને થોડીક વાર હતી. ભગવાનજીભાઇએ ઓસરીમાં ઢોલિયા ઉપર શ્રીજીમહારાજને બિરાજમાન કર્યા. તે સમયે મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, ‘હે મહારાજ ! જનક તે શું ? જાનકી તે શું ? ત્યારે પ્રસન્ન થકા બોલ્યા જે, ‘જનક તે ગુરુને કહીએ, અને જાનકી તો જીવને કહીએ, ને અવળી સમજણ તે ધનુષ. માટે ગુરુને ઉપદેશે કરીને જીવની સમજણ સવળી થાય, અને તે જીવ ભગવાનને વરે, એટલી વાર્તા કરીને જમવા પધાર્યા.
જમી રહ્યા પછી ભાલને વિષે ચંદનની અર્ચા કરી કોટમાં પુષ્પના હાર પહેરાવીને એક ભારે હેમની ઉતરી, કડાં, વેઢ, વીંટી, કંદોરો એવી રીતે ઘરેણાં અંગોઅંગને વિષે ધારણ કરાવીને ભગવાનજીભાઇ બોલ્યા જે, ‘હે મહારાજ ! આવી રીતે હું રામાનંદસ્વામીને જમાડીને ઘરેણાં પહેરાવવા લાગ્યો, ત્યારે સ્વામીએ ન પહેર્યાં અને બોલ્યા જે, ‘આવા ભારે દાગીના અમારાથી હવે ન પહેરાય, એ દાગીના પહેરનારા થોડા દિવસમાં જ અહીં આવશે એટલે એમને પહેરાવજો, એમ કહીને પાછાં મૂકાવ્યાં. તે જ દાગીના મેં આપને પહેરાવ્યા. એમ કહીને બે હાથ જોડીને વિનંતિપૂર્વક પગે લાગ્યા.
પછી ત્યાંથી ઉતારે પધાર્યા; ને બપોર પછીના સમયને વિષે ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. ચારે તરફ સંતો-હરિભક્તો બેઠા. સૂર્ય પણ અસ્ત પામ્યો. તે સમયે શ્રીજી મહારાજની મૂર્તિ સૂર્ય સરખી પ્રકાશે યુક્ત જણાતી હતી. ત્યારે ભગવાનજીભાઇએ જાણ્યું જે, આ મુક્તાનંદ સ્વામીને આવું શ્રીજી મહારાજનું પ્રકાશે યુક્ત દર્શન થાતું હશે કે નહિં થાતું હોય ? એમ જાણીને મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઇને બોલ્યા જે, ‘હે સ્વામી ! તમોને કાંઇ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જણાય છે ? ત્યારે કહે, હા જણાય છે. એમ કહીને આનંદ પામ્યા. તે વાર પછી બે સંત, ગામ કાળેતળાવ, રામાનંદ સ્વામીનું બાંધેલું સદાવ્રત હતું તેનું કાંઇક કામકાજ હશે, એટલે શ્રીજી મહારાજને પૂછ્યા વિના એમને એમ જાવાનો સંકલ્પ કરીને તૈયાર થયા. ત્યારે શ્રીજી મહારાજે અંતર્યામીપણે જાણીને કહ્યું કે, ભગવાનને ભગવાન જાણીને બીજું કરવાને ઇચ્છવું નહિ. પોતાને કૃતાર્થ માનીને સહેજે ભજનસ્મરણ થાય તે કરવું. પણ કોઇ વાતનો આગ્રહ મનમાં ન રાખવો. જેમ ભગવાનની મરજી હશે તેમ થાશે. પોતાના મનને જાણે કાંઇ ના કરવું. કામાદિક જે મોટા વિકાર છે તેતો ભગવાન વિના પોતાના બળે ટાળવા જાય તો ટળે નહિ. માટે ભગવાનની આજ્ઞાએ કરીને કામાદિક શત્રુનો તત્કાળ નાશ થઇ જાય છે. માટે ભગવાનનું બળ રાખીને ભગવાન પ્રગટ હોય તે જેમ આજ્ઞા કરે તેમ કરવું પરંતુ ભગવાનને મૂકીને એકલું સાધનનું બળ રાખવું નહિં. તે સાંભળીને તે સંતનાં અંતઃકરણ શીતળ થઇ ગયાં. અને વિનંતિપૂર્વક પગે લાગીને પાછા પોતાને આસને બેઠા.
પછી શ્રીજીમહારાજ રામજી સુતારને ઘેર પધાર્યા. જય સચ્ચિદાનંદ કહીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી રઘુનાથદાસજીને પ્રશ્ન પૂછ્યો જે, ‘ઘટાકાશનું રૂપ શું ? મઠાકાશનું રૂપ શું ? મહદાકાશનું રૂપ શું ? અને ચિદાકાશનું રૂપ શું ? એ ચાર પ્રશ્નનો ઉત્તર કરો તો આ અમારા નવા સત્સંગી કહે છે જે અમો સર્વે તમારા વચનમાં રહેશું, અને જો ન થાય તો અમારા વચનમાં રહો. ત્યારે રઘુનાથદાસ બોલ્યા જે, ‘અમારે ઘટાકાશ, મઠાકાશ એ સર્વે રામાનંદસ્વામી છે. બીજું અમે કાંઇ સમજતા નથી.’ પછી શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઊઠ્યા, અને કહ્યું કે, ‘આમાં કાંઇ માલ નથી.’ એમ કહીને પછી સુતાર રામજીને કહ્યું જે, ‘અમને ભૂખ લાગી છે, જમવા આપો.’ પછી રામજી સુતારે મહારાજને મઠની ખીચડી આપી, તે જમી ચળુ કરી મુખવાસ લઇ પાછા સુંદરજીને ઘેર પધાર્યા. પછી વાંસેથી રઘુનાથદાસ પાછલી રાતે ભાગી ગયો.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજને રામાનંદ સ્વામી મળ્યા અને મહાદીક્ષા દીધી અને સહજાનંદ નામ ધર્યું અને મહારાજે અલૌકિક અગણિત જનોને પ્રતાપ જણાવ્યો, તથા સંવત્ ૧૮૬૦ની સાલમાં ભુજ પધાર્યા ને રઘુનાથદાસ ભાગી ગયો. એ નામે ચોથો અધ્યાય. ૪