આવો રે વાલાજી તમને, માખણ જમાડું (૪)?

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:51pm

રાગ : રામકલી

પદ-૧

આવો રે વાલાજી તમને, માખણ જમાડું,

કહો તો તમારા ગોઠીયાને, ઘડી એક ખમાડું. આવો રે૦ ૧

રમત મેલો શ્યામ રંગીલા, થઈ ઝાઝી વેળા,

છોકરાંને શીખ દીઓ, હરિ ચાલો હું ભેળા. આવો રે૦ ૨

સાકર કેરી સુખડી કીધી, તાજું ઘી નાખ્યું,

જીવન તમને જમતા દેખું, થાય ટાઢી આંખ્યુ. આવો રે૦ ૩

લાલજી તમને ભૂખ લાગી હશે, પહેલે ને પોરે,

બ્રહ્માનંદના નાથજી હું તો, જમાડીશ જોરે. આવો રે૦ ૪

 

પદ-૨

આરોગો અલબેલા વહાલા, સાકર સેવલડી,

રમવાની આવડી પડી શી, તમને ટેવલડી. આરોગો૦ ૧

ચોંપ કરીને સેવું રાંધુ, ઘી તાજું લાવું,

તમે જમો હું આગળ બેસી, માંખી ઉડાવું. આરોગો૦ ૨

ખુબ મસાલા માંહી ખાંડી, દહીંવડાં કરૂં ખાટાં,

બરફીનો બાલભોગ કરો, બેક સેવૈયા સાટા. આરોગો૦ ૩

જે તમને મનડે ગમે, તે માગીને લેજો,

વધુ રહે તે બ્રહ્માનંદને, પ્રસાદી દેજો. આરોગો૦ ૪

 

પદ-૩

બાલભોગ જમવા હરિને, માતા બોલાવે,

શેરીમાંથી સાદ કરીને, બાંહ્ય ગ્રહી લાવે. બાલભોગ૦ ૧

મહી કટોરો તૈયાર કર્યો, માંહી મીસરી ઘોળીને,

ચોખા કેરો કરમલડો, કાજુ આપે ચોળીને. બાલભોગ૦ ૨

વઢી વઢી વિનતી કરે કહાના, ઝાઝું ના રમીએ,

બીજું કામ તજીને બાપુ, ભાવે તે જમીએ. બાલભોગ૦ ૩

ભોજન પડતું મેલીને ઉઠે, રમવાને પ્યારે,

બ્રહ્માનંદના નાથને માતા, ખોળે બેસારે. બાલભોગ૦ ૪

 

પદ-૪

માખણ જમાડું વાલા મારા, આવોને ઓરા,

લટકાળા મુને વાલા લાગો, ગીરધારી ગોરા. માંખણ૦ ૧

ભૂઘર તમને જે ભાવે તે, આણીને આલું,

ત્રિલોકીમાં તમ જેવું બીજું, નથી કાંઈ વહાલું. માંખણ૦ ૨

દહીંથરાં ને દૂધ પેંડા બેક, જલેબી સારી,

બરફીનો બાલભોગ કરો, જાઉં મુખ ઉપર વારી. માંખણ૦ ૩

આદાં લીંબુનાં અથાણાં વળી, સાટા સાકરીયા,

બ્રહ્માનંદને શીત પ્રસાદી, દેજો ડોલરીયા. માંખણ૦ ૪

Facebook Comments