રાગ : વેરાવલ
પદ-૧
લાલ મનોહર લીજીએ, મુખવાસ મોરારી,
શ્યામ સોહાગી શ્યામળા, જાયે મુખપર વારી. લાલ૦ ૧
જોઈએ તો લાવું જાયફળ, તજ સુંદર તાજી,
આરોગો મારા નાથજી, રસિયા થઈ રાજી. લાલ૦ ૨
લવિંગ સોપારી એલચી, કાથો ચુનો મેલાવું,
નાગરવેલી પાનની, કાજુ બીડી બનાવું. લાલ૦ ૩
હરિજન દર્શન કારણે, ઉભા ચહુ પાસ,
માવા મુખ તંબોળની, બ્રહ્માનંદને આશ. લાલ૦ ૪
પદ-૨
રતન સિંહાસન ઉપરે રસિયોજી રાજે,
અદભુત શોભા જોઈને, છબી કંદર્પ લાજે. રતન૦ ૧
જામો પહેર્યો જરકસી, સેહરો શીર સારો,
પીળી ઓઢી પામરી, બેઠા નંદદુલારો. રતન૦ ૨
કમર કટારો શોભતો, પોંચી બેઉ હાથે,
ઉપરણી ઓપી રહી, મોલીડાં માથે. રતન૦ ૩
ફુલમાળા ગળે ફુટડી, ધારી ગિરધારી,
શોભા જોઈ શણગારની, બ્રહ્માનંદ બલીહારી. રતન૦ ૪
પદ-૩
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં,
મહા મનોહર મૂરતિ, અંતરમાં ધારૂં. અખંડ૦ ૧
અગર ધુપ અતિ શોભતા, દીપક અજવાળું,
મુખડું મોહનલાલનું નિરખું રૂપાળું. અખંડ૦ ૨
ભેરી શંખ મૃદંગ ધુની, વાજાં અતિ વાજે,
બ્રહ્મા ભવ સુર આવિયા, સૌ દર્શન કાજે. અખંડ૦ ૩
જય જય વાણી ઉચ્ચરે, ઘેરે સ્વર ગાવે,
બ્રહ્માનંદના નાથની, છબી જોઈ સુખ પાવે. અખંડ૦ ૪
પદ-૪
પ્રાણજીવન પધરાવિયા, મંદિરીયાં માંહી,
પોઢ્યા સારૂં પ્રેમશું, સુખ સેજ બીછાહી. પ્રાણજીવન૦ ૧
પ્રીતમ બેઠા પલંગ પર, આવી અલબેલો,
રૂડો લાગે રાજવી, છોગાળો છેલો. પ્રાણજીવન૦ ૨
મોહન દીધી મુજને, ફુલડાંની માળા,
પગ ચાંપું હું પ્રેમથી, થયા શ્યામ સુખાળા. પ્રાણજીવન૦ ૩
શીખ કરી સર્વે સાથને, પોઢ્યા કુંજવિલાસી,
બ્રહ્માનંદ હજુરમાં, એકાંતિક દાસી. પ્રાણજીવન૦ ૪