રાગ : માલીગાડો
પવિત્રા એકાદશીનાં
પદ-૧
શ્રાવણ સુદી એકાદશી સુંદર, નાથ પવિત્રાં પહેરો રે;
આંગણમાં ઊભા રહીને, હેતે સામું હેરો રે. શ્રા૦ ૧
બહુ મૂલી મોલીડું બાંધો, શિર તોરા મરમાળા રે;
અલબેલાજી દરશન આપો, વહાલમ મોરલીવાળા રે. શ્રા૦ ૨
નટવરજી મૂરતિ નીરખ્યાની, આશ ઘણી છે અમને રે;
એક ઘડી આંખ્યું આગેથી, મેલ્યા ન જાય તમને રે. શ્રા૦ ૩
રસિક પીયા તમને રિઝાવા, ગીત મનોહર ગાવું રે;
બ્રહ્માનંદના નાથજી તમને, પવિત્રાં પેહેરાવું રે. શ્રા૦ ૪
પદ-૨
પહેર્યાં નાથ પવિત્રાં સુંદર, પવિત્ર ત્રિયા પહેરાવ્યાં રે;
નંદતણે આંગણ વ્રજવાસી, દરશન કરવા આવ્યાં રે. પે૦ ૧
મોહનજીને શોભે મસ્તક, પાઘડલી પેચાળી રે;
ગોપીજન ગુલતાન થઈ ગયાં, ભૂધરનું મુખ ભાળી રે. પે૦ ૨
લટકાળાનાં લટકાં જોઈને, મગન થઈ વ્રજનારી રે;
આંગણીયે આવીને ઊભા, વહાલો કુંજવિહારી રે. પે૦ ૩
નંદતણા નાનડીયાને ઉપર, સરવસ વારી નાખું રે;
બ્રહ્માનંદના વહાલાને જોઈને, આજ ઠરે મારી આંખ્યું રે. પે૦ ૪
પદ-૩
નટવર નાથ પવિત્રાં નૌતમ, પેહેર્યાં પ્રીત કરીને રે;
સર્વે પહેલાં જાઈને જોઈએ, હેતે સહિત હરિને રે. ન૦ ૧
એકાદશી અનોપમ આવી, શ્રાવણની અજવાળી રે;
પીતાંબર આભૂષણ પહેરી, ઊભા છે વનમાળી રે. ન૦ ૨
ઘર ઘરથી ગોવાળા આવ્યા, હરિનું મુખડુ જોવા રે;
વહાલેજી સુંદર વેશ બનાવ્યો, માનુનીનાં મન મોવા રે. ન૦ ૩
પાઘડલી નૌતમ પેચાળી, આંટાળી ઉપરણી રે;
બ્રહ્માનંદના વહાલાને નીરખ્યા, ધન્ય ધન્ય તેની કરણી રે. ન૦ ૪
પદ-૪
એકાદશી અનૂપ આજની, કોડે ઓછવ કરીયે રે;
સહિત પવિત્રાં સુંદરવરની, મૂરતિ અંતર ધરીયે રે. એ૦ ૧
પ્રાણજીવનના તોરા ઉપર, પ્રીતે ભમર ભમે છે રે;
લટકાળા મોહનનાં લટકાં, મન મારે અધિક ગમે છે રે. એ૦ ૨
સુંદર વન શ્યામળીયા કેરું, રૂપ અલોકિક જોયું રે;
ભૂધરજીની મૂરતિ ભાળી, સરવે ગોકુળ મોયું રે. એ૦ ૩
છેલ ચતુરવર છોગાળાની, લાવન પ્યારી લાગે રે;
બ્રહ્માનંદના વહાલાને રાખું, આંખડલીની આગે રે. એ૦ ૪
પદ-૫
પેહેર્યાં નટવર નાથ પવિત્રાં, છબી વર્ણવ્યામાં નાવે રે;
વહાલમને જોવા વ્રજવાસી, આનંદ ભરીયાં આવે રે. પે૦ ૧
બહુ મૂલી પાઘડલી બાંધી, રૂપાળે વ્રજરાજે રે;
ગૂંથીને ગજરા લઈ આવે, કહાનકુંવરને કાજે રે. પે૦ ૨
આંખુની ટસરું અણિયાળી, મુખની મીઠી વાણી રે;
છોગલીયાની શોભા જોઈને, દેવત્રિયા લોભાણી રે. પે૦ ૩
હયડે હાર હજારી પહેર્યો, કુણ્ડલ લળકે કાને રે;
બ્રહ્માનંદ કહે ચિત્તડું ચોર્યું, મોરલડીની તાને રે. પે૦ ૪
પદ-૬
નવલ પવિત્રાં નાથજી પહેર્યાં, કહાન કુંવર કેસરીયે રે;
ચાલ સખી નંદજીને મંદિર, કોડે દરશન કરીયે રે. ન૦ ૧
સુંદર વર છોગાલા કેરું, રૂપ અલોકિક જોઈયે રે;
મહા મનોહર નૌતમ મૂર્તિ, આંખડલીમાં પ્રોઈયે રે. ન૦ ૨
આજ પવિત્ર એકાદશી આવી, પેહેર્યાં પવિત્રાં વહાલે રે;
કોડીલા નંદલાલ કુંવરને, જોયા વિના નવ ચાલે રે. ન૦ ૩
માવો વ્રજનારીનાં મનડાં, હેતે કરીને હરે છે રે;
બ્રહ્માનંદના નાથની મૂર્તિ, નીરખી નેણ ઠરે છે રે. ન૦ ૪
પદ-૭
શ્યામ પવિત્રાં પહેરીને સુંદર, ઊભા છે અલબેલો રે;
શ્યામળીયાનાં દર્શન સારુ, કારજ ઘરનાં મેલો રે. શ્યા૦ ૧
અલબેલો ઊભા આવીને, નાથ પવિત્રાં પહેરી રે;
લટકાં અધિક કરે છે રૂડા, લટકાળા રંગ લહેરી રે. શ્યા૦ ૨
ઓચ્છવનો દિન આજ અનોપમ, ફરી ફરી નવ આવે રે;
વ્રજજીવન રંગ ભીનો વહાલો, હેત કરી બોલાવે રે. શ્યા૦ ૩
કહાનુડાનાં દર્શન કાજે, લોક લાજ તજી દીજે રે;
બ્રહ્માનંદના નાથની મૂરતિ, નેણુમાં ધરી લીજે રે. શ્યા૦ ૪
પદ-૮
પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ, ગીત પવિત્ર તે ગાવે રે;
પ્રાણ પ્રીતમને આવી પવિત્રાં, પવિત્ર ત્રિયા પહેરાવે રે. પુ૦ ૧
લટકા પવિત્ર કરે લટકાળો, હેત પવિત્ર કરી હેરે રે;
પવિત્ર ગોવાળ ઊભા પાસે, કમળ પવિત્ર કર ફેરે રે. પુ૦ ૨
પાઘ પવિત્ર મનોહર માથે, પવિત્ર કલગી લટકે રે;
મહા પવિત્ર અલૌકિક મૂરતિ, પવિત્ર હીયામાં અટકે રે. પુ૦ ૩
પવિત્ર પવિત્ર પોતાના જનને, દરશન પવિત્ર દેવા રે;
બ્રહ્માનંદ પવિત્ર પ્રીતમને, પવિત્ર પડ્યો છે હેવા રે. પુ૦ ૪