અધ્યાય - ૯ - ભગવાન શ્રીહરિએ સંતોનું સ્વાગત કરી જમાડી તૃપ્ત કર્યા.
ભગવાન શ્રીહરિએ સંતોનું સ્વાગત કરી જમાડી તૃપ્ત કર્યા. શ્રીહરિના કોઈ એક અંગમાત્રનાં દર્શનથી હરિભક્તોને થઈ સમાધિ. શ્રીહરિએ ભક્તોને આપ્યો આવકાર.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગૃહસ્થ ભક્તજનો પોતપોતાને ઉતારે ગયા પછી અતિશય ત્યાગ પરાયણ જીવન જીવતા સર્વે સંતો ભગવાન શ્રીહરિની આજ્ઞાથી હર્ષપૂર્વક તે સભામાં શ્રીહરિની નજીક આવીને બેઠા.૧
ભગવાન શ્રીહરિએ તેમને સ્વાગતાદિ પ્રશ્નો પૂછી સંતોષ પમાડયા, તેથી અતિશય હર્ષ પામેલા તે તપસ્વી સંતો પણ તુલસીપત્ર, પુષ્પો, ફળ, વલ્કલ વસ્ત્રો અને કુંકુમથી શ્રીહરિનું પૂજન કર્યું.૨
હે રાજન્ ! તે સમયે ઉત્તમરાજાના મામા ગાલવ ભક્ત ભગવાન શ્રીહરિની સમીપે આવી કહેવા લાગ્યા કે, હે ભગવાન્ રસોઇ તૈયાર થઇ ગઇ છે.૩
આ પ્રમાણેનું ગાલવ ભક્તનું વચન સાંભળી શ્રીહરિ તેજ ક્ષણે સર્વે સંતોને પારણાં કરવાની આજ્ઞા આપી, ત્યારે સર્વે સંતો પણ મુખ તથા હાથપગની શુદ્ધિ કરી પંક્તિબદ્ધ ભોજન કરવા બેઠા.૪
હે રાજન્ ! મુનિપતિ શ્રીહરિએ શ્વેત સાકર તથા ઘી-થી યુક્ત પકવાન્નો, ખીર, પૂરી, વડાં આદિ અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજનો જમાડી તૃપ્ત કર્યા. ત્યારપછી મોટી ધર્મશાળામાં જવાની આજ્ઞા આપી.૫
અને સ્વયં શ્રીહરિ પણ પોતાના અક્ષરભવનમાં પધારી રસોઇ પકાવી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરી વૈશ્વદેવ વિધિપૂર્વક પારણાં કરી મુખવાસ લઇ ઢોલિયા ઉપર વિરાજમાન થયા, ત્યારે દેશદેશાંતર નિવાસી ઉદાર ભાવનાવાળા સર્વે સત્સંગીઓ ગઢપુર પ્રત્યે આવવા લાગ્યા.૬
હે રાજન્ ! કોઇક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાએથી કોઇ મધ્યવર્તી દેશોમાંથી હજારો મનુષ્યોના સંઘ ગઢપુર આવ્યા.૭
તેમજ અગ્નિ, નૈઋત્ય, વાયુ અને ઇશાન ખુણામાંથી હજારો ભક્તજનો હર્ષ પામતા ત્યાં આવ્યા.૮
તેમાં શ્રીહરિને વિષે પ્રીતિવાળા કેટલાય બાળકો, યુવાનો અને વૃધ્ધો હતા અને શ્રીહરિને વિષે પ્રીતિવાળી સધવા અને વિધવા નારીઓ પણ હતી.૯
હે રાજન્ ! દેશાંતરમાંથી આવતા સર્વે નરનારી ભક્તજનો ઉચ્ચ સ્વરે વાજિંત્રોનો નાદ, ઉચ્ચ સ્વરે ગવાતો કીર્તનોનો ધ્વનિ અને તાલીઓનો ધ્વનિ કરતા આવતા હતા, તેથી ગઢપુરવાસી જનોના ચિત્તને મહાન સંભ્રમ ઉપજાવતા હતા.૧૦
ભક્તપ્રિય ભગવાન શ્રીહરિ પણ આ રીતે ઉચ્ચ સ્વરે થતા વાજિંત્રો અને કીર્તનોના મહાનાદને સાંભળી અક્ષર ભવનમાંથી બહાર આવી આંગણામાં નિંબતરુ નીચે વેદિકા ઉપર રહેલા સિંહાસન પર બિરાજમાન થયા.૧૧
શ્રીહરિના કોઈ એક અંગમાત્રનાં દર્શનથી હરિભક્તોને થઈ સમાધિ :- હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિનાં દર્શનની અતિશય ઉત્કંઠાવાળાં નાના મોટા સર્વે ભાઇ બહેનો પોતાના આત્મીય પ્રભુને મળી પ્રેમથી પરવશ થઇ બે હાથજોડી નમસ્કાર કરવા લાગ્યાં.૧૨
કેટલાક ભક્તજનો હર્ષઘેલા થઇ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનું ભૂલી જઇ કેવળ હાથ જોડી વંદન કરી એમને એમ સ્થિર ઊભા રહી જતા હતા. અને કેટલાક પ્રેમને વશ થઇ દંડવત્ પ્રણામ કરતા હતા ને નમસ્કાર કરવાનું ભૂલી જતા હતા અને લાંબા સમય સુધી શ્રીહરિની મૂર્તિનું નિર્નિમેષ દર્શન કરી એમને એમ જોઇ રહેતા હતા. તેમાં જે જે ભક્તજનોને ભગવાન શ્રીહરિનાં દર્શન કરતાં વેંત જે જે અંગમાં દૃષ્ટિ પ્રથમ પહોંચી તે અંગમાં જ સ્થિર થઇ ગઇ.૧૩-૧૪
હે રાજન્ ! કેટલાક ભક્તજનો નિમેષરહિત સ્થિર દૃષ્ટિથી ભગવાન શ્રીહરિના ચરણની આંગળીઓનાં દર્શન કરીને તે જ ક્ષણે નેત્રોની વૃત્તિનો નિરોધ થઇ જતાં થાંભલાની માફક અચળ થઇ શોભવા લાગ્યા.૧૫
કોઇ ભક્તજનોને ઘુંટીના દર્શનમાત્રથી વૃત્તિનો નિરોધ થતો હતો, વળી કોઇને ભગવાન શ્રીહરિની જંઘાના દર્શન થતાં જ નેત્રોની વૃત્તિ સ્થિર થઇ ગઇ, કોઇને બન્ને જાનુ, સાથળ કે ઉદરને જોઇને તથા કેડને જોઇને તેમાંજ ચિત્તવૃત્તિનો નિરોધ થઇ ગયો.૧૬-૧૭
હે રાજન્ ! કોઇ ભક્તજનોને ભગવાન શ્રીહરિના વિશાળ વક્ષઃસ્થળને નિરખીને તો કોઇને શ્રીવત્સના ચિહ્ન આદિ એક એક અંગને દેખીને સમાધિ થઇ જતી હતી.૧૮
તો કોઇ ભક્તને જાનુ પર્યંત લાંબા હસ્તકમળને નીરખીને તો કોઇને હાથની આંગળીઓ કે પ્રસન્ન મુખકમળને જોઇને અને કેટલાકને વિશાળ નેત્રોને જોઇને સમાધિ થતી હતી.૧૯-૨૦
હે રાજન્ ! કેટલાક ભક્તજનોને ભગવાન શ્રીહરિની નાસિકા, બન્ને ગાલ, કાન, વિશાળ ભાલ અને ભ્રકુટીનાં દર્શન કરીને તે તે અંગમાં ચિત્તવૃત્તિ સ્થિર થતાં સમાધિને પામ્યા.૨૧
કોઇ ભક્તો તો અનેક પ્રકારના પુષ્પોમાંથી બનાવેલા તોરા ધારણ કરેલી પાઘડીઓ યુક્ત મસ્તકનાં દર્શન કરી તેમાં સ્થિરવૃત્તિ થતાં સમાધિને પામ્યા.૨૨
હે રાજન્ ! કરુણાના સાગર ભગવાન શ્રીહરિએ પણ તે સમયે પોતાની મૂર્તિની દિવ્યતા, ઐશ્વર્યની પ્રભુતા અને સુંદરતાનું સર્વે ભક્તજનોને દર્શન કરાવ્યું.૨૩
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિની અલૌકિક મૂર્તિનાં જે જે અંગોનાં ભક્તજનોએ દર્શન કર્યાં તે તે અંગમાં તત્કાળ મનની વૃત્તિ લીન થઇ ગઇ.૨૪
પોતે પ્રથમ નિહાળેલા અંગ સિવાયના ભગવાન શ્રીહરિના અન્ય અંગનાં દર્શન કરવા અસમર્થ થયેલા સર્વે ભક્તજનો જાણે ભીંતમાં આલેખેલાં ચિત્રો ન હોય ? એમ સ્થિર થઇ ગયા.૨૫
આ રીતે નિર્વિકલ્પ સમાધિને પામેલા કોઇ કોઇ ભક્તજનો પૃથ્વી પર ઢળી પડયા, કોઇ ત્યાં ને ત્યાં સ્થિર ઉભા રહ્યા અને કોઇ પૃથ્વી પર બેસી ગયા.૨૬
હે રાજન્ ! દર્શન કરનારા મનુષ્યોને આવી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઇ તેજ અવસરે એક મોટું આશ્ચર્ય સર્જાયું કે મહોત્સવનાં દર્શન કરવા પધારેલા બ્રહ્માદિ દેવતાઓ વિસ્મય પામી ભગવાન શ્રીહરિ ઉપર અતિશય આનંદ સાથે નંદનવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા.૨૭
તે સમયે સમાધિમાં ગયેલા નરનારીઓ પોતપોતાના હૃદયાકાશમાં સ્ફુરાયમાન થયેલા કોટિ સૂર્યની સમાન ઉજ્જ્વળ તેજ પુંજને નિહાળવા લાગ્યા, અને તેજના પુંજને મધ્યે તેજોમય મૂર્તિ એવા સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિનાં દર્શન કરી તેમને ગાઢ આલિંગન આપી અલૌકિક મહા સુખને પામ્યા.૨૮-૨૯
હે રાજન્ ! આવી રીતે શ્રીહરિના દિવ્ય સંકલ્પથી સર્વે હરિભક્તો ફરી ભાનમાં આવ્યા ને બહાર વેદિકા ઉપર સિંહાસનમાં બેઠેલા એજ ભગવાન શ્રીહરિનાં આદરપૂર્વક દર્શન કરવા લાગ્યા.૩૦
આ રીતનાં શ્રીહરિનાં દિવ્ય દર્શન થવાથી સર્વે ભક્તજનો અતિશય વિસ્મય સાથે આનંદ પામ્યા, અને તેમના અંતરમાં હર્ષ ઉભરાવાથી તે જ ક્ષણે માર્ગમાં ચાલવાના પરિશ્રમથી મુક્ત થયા.૩૧
હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં દર્શને આવેલા તે ભક્તજનોની મધ્યે કેટલાક પાંચ માસ પર્યંત ચાલીને દુર્ગપુર પહોંચ્યા હતા. તો કેટલાક ચારમાસ, કેટલાક ત્રણ માસ, કેટલાક બે માસ, કેટલાક એક મહિનો ચાલીને ગઢપુર પહોંચ્યા હતા. આ રીતે શ્રીહરિનાં દર્શન કરી સર્વે પરમ આનંદ પામ્યા.૩૨-૩૩
શ્રીહરિએ ભક્તોને આપ્યો આવકાર :- હે રાજન્ ! ઘરના વૈભવસુખનો ત્યાગ કરી બહુ કષ્ટ વેઠીને પોતાનાં દર્શને આવેલા સર્વે ભક્તજનોનો ભગવાન શ્રીહરિએ આદરસત્કાર કર્યો ને બહુમાન આપી બોલાવ્યા.૩૪
સ્વાગત કુશળ સમાચાર પૂછી ત્યારપછી શ્રીહરિએ તેઓને ઉતારા કરવાનો આદેશ આપ્યો. તે સમયે હરજી ઠક્કર આદિ ભક્તજનો સર્વે ભક્તજનોને યોગ્ય નિવાસસ્થાનોમાં લઇ ગયા.૩૫
અને શ્રીહરિ પણ ધનતેરસના દિવસે વારંવાર પોતાના દર્શને દેશાંતરમાંથી આવતા ભક્તજનોને પોતાનું દર્શન આપવા વેદિકા ઉપર રહેલા સિંહાસને જ બહુકાળ પર્યંત બેસી રહ્યા.૩૬
તેમજ શ્રીહરિનાં દર્શન માટે દેશદેશાંતરમાંથી ગઢપુર આવતા સ્ત્રીભક્તજનોનું યથા યોગ્ય સન્માન જયાબા, રમાબા વિગેરે બહેનો કરતાં હતાં. પરંતુ વિશેષપણે લલિતાબા તેમાં ધ્યાન આપતાં હતાં કારણ કે અન્નકૂટોત્સવ તેના ભાગમાં આવતો હતો.૩૭
હે રાજન્ ! ગઢપુરમાં પધારેલા સર્વે બ્રાહ્મણો કે ભિક્ષુકોને તથા કોઇ પણ અન્નાર્થીને તથા માર્ગમાં ચાલતાં જે કોઇ ભક્તોની ખર્ચી ખૂટી ગઇ હોય તે સર્વે ગૃહસ્થભક્તોને પણ ભગવાન શ્રીહરિ ઉત્તમરાજા પાસે અન્નાદિ જે કાંઇ જરૂરત હોય તે અપાવતા હતા.૩૮
તેમાં શ્રીહરિએ પાંચ દિવસ સુધી ચાલે તેટલું કાચું અનાજ, ઘી, સાકર, કાષ્ઠ આદિ સર્વે સીધું બ્રાહ્મણોને અપાવ્યું.૩૯
અને બાકીના ક્ષત્રિય, વૈશ્ય શૂદ્ર, સૂત, માગધ, બંદીજનો તથા વાજિંત્ર વગાડનારા સર્વ જનોને ઉત્તમરાજાના રાજભવનમાં જ ભોજન કરાવ્યાં.૪૦
ભગવાન શ્રીહરિ રાત્રીએ અલંકૃત અશ્વ ઉપર આરુઢ થઇ કેટલાક પાર્ષદોની સાથે દેશ દેશાંતરમાંથી આવેલા સમસ્ત ભક્તજનોના જુદા જુદા નિવાસસ્થાને પધાર્યા અને તેઓના કુશળ સમાચાર પૂછીને જે કાંઇ અધૂરાશ જેવું લાગે તે સર્વે પૂર્ણ કરાવી આપી. અને સાવધાન રહેજો, ગાફલાઇ રાખશો નહિ, એવી ભલામણ કરી કહ્યું કે, તમારાથી અજાણ્યા નરનારીઓને તમારા ઉતારામાંથી બહાર કાઢી મૂકવા. આવી ભલામણ કરી પોતાના અક્ષરભુવનમાં પાછા પધાર્યા.૪૧-૪૩
હે રાજન્ ! ત્યારપછી સમર્થ ભગવાન શ્રીહરિએ દૂર દૂર દેશમાંથી પધારેલા અને પોતાને સમર્પિત થયેલા સર્વે ભક્તોની મુમુક્ષુતાની સોમલાખાચર આદિ પાર્ષદો આગળ ખૂબજ પ્રશંસા કરી. આવી રીતે અન્નકૂટોત્સવનાં દર્શન કરવા આવતા ભક્તજનોના સર્વે સંઘોનાં તત્કાળ યથાયોગ્ય સન્માન કરાવી યથાયોગ્ય ઉતારાની વ્યવસ્થા કરાવવામાં વ્યસ્ત રહેલા શ્રીહરિએ કુકડાઓના બોલવા ઉપરથી જાણ્યું કે રાત્રીનો ત્રીજો પહોર પૂર્ણ થયો છે.૪૪-૪૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીયપ્રકરણમાં અન્નકૂટોત્સવમાં દેશાંતરમાંથી પધારતા ભક્તજનોનાં દર્શન સન્માનનું વર્ણન કર્યું એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો. --૯--