અધ્યાય - ૧૩ - સારંગપુરમાં રાધાષ્ટમીનો ઉત્સવ કરવા પધારેલા કારીયાણીના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિ કારીયાણી ગામે પધાર્યા.
સારંગપુરમાં રાધાષ્ટમીનો ઉત્સવ કરવા પધારેલા કારીયાણીના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિ કારીયાણી ગામે પધાર્યા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ સારંગપુરમાં રહેલા છે તેવામાં રાધાષ્ટમી આવી. તે દિવસે ભગવાન શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનનું તથા રાધિકાજીનું મધ્યાહ્ને પૂજન કરી ઉત્સવ ઉજવ્યો.૧
તે નિમિત્તે હજારો બ્રાહ્મણોને ભોજન જમાડી તૃપ્ત કર્યા અને સ્વયં ભોજન કરી ભક્તજનોની સાથે ઉત્તમ સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા.૨
તે અવસરે કારીયાણી ગામના ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા માટે સારંગપુર પ્રતિદિન આવતા ને ફરી પાછા જતા.૩
તે ભક્તજનો શ્રીહરિને કારીયાણી ગામે લઇ જવા પ્રતિદિન તેમની પ્રાર્થના કરતા અને ભગવાન શ્રીહરિ તેમને કહેતા કે, ચોક્કસ હું તમારે ગામ આવીશ.૪
પરંતુ આજે શ્રીહરિને કારીયાણી લઇ જવાનો પાકો નિશ્ચય કરીને તે ગામના મુખ્ય ભક્તજનો રાધાષ્ટમીના ઉત્સવ ઉપર સારંગુપર આવ્યા.૫
તેમાં ક્ષત્રિયોમાં શૂરવીર વસ્તાખાચર, તેમનાં પત્ની સીતાદેવી ને બીજાં પત્ની અમરીદેવી તથા પુત્ર માનશૂરખાચર તેમજ અન્ય ક્ષત્રિય ભક્તોમાં વેલોખાચર તથા વીરો, કામો અને રાઘવ આ ત્રણ વૈશ્ય ભક્તો તથા ત્રણેની બહેન દેવીકા.૬-૭
તથા કર્ણ, દેવો આદિ અન્ય ભક્તો સારંગપુર આવ્યા ને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવાન ! હવે તો તમે અમારા ગામે પધારો જ.૮
આ પ્રમાણે પ્રાર્થના કરતા કારીયાણી ગામના ભક્તજનોનો નિષ્કપટ ભાવ જોઇ ભગવાન શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે, હે ભક્તો ! તમે મારા છો અને તમારું ગામ પણ મારું છે.૯
આવા તમે આત્મનિવેદી ભક્તો છો, તેથી હું તમને રાજી કરવા માટે મુક્તાનંદ સ્વામી આદિ સંતોને સાથે લઇ આવતી કાલે પ્રાતઃકાળે ચોક્કસ કારીયાણી ગામે પધારીશ. તમે અત્યારે જાઓ અને તૈયારી કરો.૧૦
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિના કહેવાથી સર્વે રાજી થયા ને ઉત્સાહમાં આવી પોતાના ગામે પધાર્યા. શ્રીહરિ પધારે તેમની સેવામાં ઉપયોગી સામગ્રી તો તેઓએ પહેલેથીજ તૈયારી કરી રાખી હતી.૧૧
આ બાજુ શ્રીહરિ પણ ભાદરવા સુદ નવમીના દિવસે પોતાના સમગ્ર સંતો તથા ભક્તજનોના સમૂહ સાથે સારંગપુરથી નીકળી કારીયાણી ગામે જવા રવાના થયા. ત્યારે નેત્રોમાં વહેતી અશ્રુઓની ધારાઓ સાથે સારંગપુરવાસી ભક્તજનોએે નમસ્કાર કરી શ્રીહરિને વળાવ્યા ને શ્રીહરિ તત્કાળ કારીયાણી ગામે પધાર્યા.૧૨
હે રાજન્ ! તે સમયે સ્ત્રી, પુત્ર આદિ પરિવારજનોની સાથે વસ્તાખાચર તથા અન્ય સર્વે ભક્તો ગીત વાજિંત્રોના શબ્દોનો ધ્વનિ કરતા કરતા દશે દિશાઓને ગજાવતા શ્રીહરિની સન્મુખ આવ્યા ને પ્રણામ કરી પ્રાણનાથને ગામમાં પધરાવ્યા.૧૩
સોમસુરાદિ પાર્ષદોની સાથે રહેલા શ્રીહરિએ વસ્તાખાચરના ભવનમાં પોતાનો ઉતારો કર્યો ને અન્ય સર્વે ભક્તોને યથાયોગ્ય સ્થાને ઉતારા કરાવ્યા.૧૪
શ્રીહરિની સાથે આવેલા સંતો-ભક્તોને પોતાને ઘેર ઉતારા કરાવી શ્રીહરિને રાજી કરવા માટે તેઓની નિષ્કપટભાવે સેવા કરવા લાગ્યા, તે સમયે ઘેર ઘેર મોટો આનંદનો ઉત્સવ થયો.૧૫
જે જે ભક્તજનો જે જે ઘરમાં ઉતર્યા હતા તે તે ઘરમાં તે તે ભક્તજનો જાણે ઘરના ધણી હોય તેમ રહેવા લાગ્યાં ને ઘરના ધણી હતા તે મહેમાનની જેમ વર્તવા લાગ્યા.૧૬
વસ્તાખાચર અને તેમનાં પત્નીઓએ સર્વે સામગ્રી સહિત પોતાનું ભવન શ્રીહરિને સમર્પિત કરી દીધું, ને સ્વયં જાણે મહેમાન હોય તેમ રહેવા લાગ્યા.૧૭
દૂર દેશાંતરથી આવેલા ભક્તોને મુનિમંડળો સહિત પોતાને રસોઇ આપવાની શ્રીહરિએ છૂટ આપી દીધી હોવાથી ભગવાન શ્રીહરિને માટે રસોઇ આપવાનો કારીયાણી ગામવાસી ભક્તજનોને અવકાશ ન મળ્યો.૧૮
ભાદરવા સુદ નવમીથી આરંભીને પ્રબોધની એકાદશી સુધી શ્રીહરિ સમગ્ર સંતોની સાથે કારીયાણી ગામમાં નિવાસ કરીને રહેવાના હતા.૧૯
હે રાજન્ ! કારીયાણી ગામમાં વિરાજતા શ્રીહરિ ભક્તજનોની સભામાં રમણીય આસન ઉપર વિરાજમાન થઇ નિરંતર બહુ પ્રકારની વાતો કરતા.૨૦ તેમાં તે સાધુઓના ધર્મની, અષ્ટાંગયોગની, આત્મા પરમાત્માના સમગ્ર જ્ઞાનની વાતો કરતા.૨૧
શ્રીહરિ કારીયાણી ગામે પ્રતિદિન બપોર પછીના સમયે શ્રીરામાનુજાચાર્યકૃત શ્રીભાષ્ય સહિત વ્યાસસૂત્રોનું પ્રેમથી શ્રવણ કરતા.૨૨
રામાનુજાચાર્યની આ કૃતિની શ્રીહરિએ ખૂબજ પ્રશંસા કરીને ધનતેરસને દિવસે તેમની સમાપ્તિ કરાવીને વાંચનારા મુક્તાનંદ સ્વામીની ચંદન, પુષ્પાદિક વડે પૂજા કરી.૨૩
ત્યારપછી શ્રીહરિએ તે કારીયાણી ગામમાં જે રીતે ગઢપુરમાં ઉત્સવો ઉજવ્યા હતા તે જ રીતે દીપોત્સવ, અન્નકૂટોત્સવ અને પ્રબોધનીનો ઉત્સવ ઉજવ્યો.૨૪
તે ઉત્સવમાં પધારેલા સર્વે ભક્તજનોએ બહુ મૂલ્યવાળાં અનેક પ્રકારનાં વસ્ત્રો, સુવર્ણનાં આભૂષણો ચંદન અને પુષ્પના હારો તથા તોરા આદિ અનેક મહા ઉપચારોથી ભગવાન શ્રીહરિનું પૂજન કર્યું.૨૫
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિ કારીયાણી પધાર્યા ને ત્યાં દીપાવલી, અન્નકૂટ અને પ્રબોધનીના ઉત્સવો ઉજવ્યા એ નામે તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૩--