અધ્યાય - ૪૯ - અનાશ્રમી પુરુષો માટે ભગવાન શ્રીહરિએ કહેલો મહાદીક્ષાનો વિધિ.
અનાશ્રમી પુરુષો માટે ભગવાન શ્રીહરિએ કહેલો મહાદીક્ષાનો વિધિ.
શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! જે ત્રૈવર્ણિક પુરુષની પત્ની મૃત્યુ પામી હોય તથા પરણવાની ઇચ્છા હોય છતાં સ્ત્રી ન મળતાં બ્રહ્મચારી રહ્યો હોય, તેવા અનાશ્રમી પુરુષોએ પોતાને ઉદ્દેશીને કહેલું બે ઉપવાસ કરવારૂપ પ્રાયશ્ચિત કરીને મહાદીક્ષા ગ્રહણ કરવી.૧
આવા અનાશ્રમી પુરુષોનો દીક્ષાવિધિ આગલા અધ્યાયમાં જ કહ્યો, તેજ વિધિ જાણવો. પરંતુ દેહ સંબંધી જે વિશેષ ભેદ છે, તે હું તમને કહું છું.૨
અનાશ્રમી પુરુષોએ દાઢી રાખવી નહિ. પાયજામો કે ચોરણો ધારણ કરવો નહિ, અંગરખું પહેરવું નહિ, શ્વેત ધોતી આદિ વસ્ત્રો સિવાયના અન્ય રંગોથી રંગેલા વસ્ત્રો ધારવાં નહિ. તેમજ લોક અને શાસ્ત્ર નિંદિત વિકૃત વસ્ત્રો પણ ધારવાં નહિ.૩
હે પુત્રો ! આવા અનાશ્રમી પુરુષો નૈષ્ઠિક બ્રહ્મચરીની પેઠે જ સ્ત્રીઓનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે. પરંતુ દ્રવ્યનો સંગ્રહ કરી શકે, ધનનો ત્યાગ તેવા માટે નથી, તેથી સાધુપુરુષોની સેવા કરવામાં ગૃહસ્થ પુરુષો કરતાં અધિક તત્પર અને અગ્રેસર રહે.૪
મહાદીક્ષાને ગ્રહણ કરનારા આ અનાશ્રમી બ્રહ્મચારી તથા ત્યાગી સાધુઓ આપત્કાળ પડયા વિના જીવન પર્યંત એક વખત ભોજન કરવાનું વ્રત રાખે.૫
મહાદીક્ષાવાળા આવા પુરુષોએ રાત્રી કે દિવસે એકવાર જ ભોજન કરવું. જો રાત્રીએ ભોજન કરે તો પહેલા પહોરમાં કરી લેવું, અને દિવસે ભોજન કરે તો મધ્યાહ્ન પછી કરે.૬
જો અનુકૂળતા હોય તો બહુધા રાત્રીએ જ હમેશાં ભોજન કરવું, રાત્રે ભોજન કરવાથી દિવસ દરમ્યાન થતાં સર્વ પાપનો ક્ષય થાય છે.૭
હે પુત્રો ! રાત્રીએ એક જ વખત ભોજન કરનાર પુરુષે દિવસ દરમ્યાન પ્રાપ્ત થયેલી ભગવાન શ્રીહરિની પ્રસાદીરૂપ અન્નાદિક વસ્તુ પવિત્ર સ્થળમાં સાચવી રાખવી.૮
પરંતુ દિવસે જમવી નહિ. રાત્રીએ ભોજન સમયે જ તેનો સ્વીકાર કરવો, જો એમ ન કરે તો એક વખત ભોજન કરવાના વ્રતનો ભંગ થાય છે.૯
પોતે એક વખત ભોજન કરવાના વ્રતનો સ્વીકાર કર્યો હોય ને વચ્ચે કોઇ પ્રસાદિના રૂપમાં અન્નાદિક આપે તો તેનું અપમાન ન કરવું, પરંતુ નમસ્કાર કરી બીજા કોઇને આપી દેવું.૧૦
જેણે દિવસમાં એકવાર ભોજનનું વ્રત છે તેવા પુરૂષે પણ પોતાને ભોજનના સમયથી અન્ય સમયે પ્રસાદી પ્રાપ્ત થાય તો તેને પણ પવિત્ર સ્થળે સાચવી રાખવી.૧૧
વૈષ્ણવોએ પ્રસાદીના ફળાદિકને પણ નમસ્કાર કરી સન્માનપૂર્વક સાચવી રાખવાં, ક્યારેય પણ તેમનું અપમાન કરવું નહિ.૧૨
હે પુત્રો ! વૈષ્ણવજનોએ વ્રત ઉપવાસના દિવસે પ્રાપ્ત થયેલી શ્રીહરિની પ્રસાદીને નમસ્કાર કરી છોડી દેવી, તેમાં અન્ન તો સર્વથા ભક્ષણ ન જ કરવું, કદાચ કોઇ ફળાદિક હોય તો દાતાના આદર માટે કંઇક સ્વીકારવું, એવો ભાવ છે.૧૩
અને ભોજન કરવા સમયે પણ પ્રાપ્ત થયેલા પ્રસાદીના અન્નાદિકમાં જો પોતાને ભક્ષણ કરવા યોગ્ય ન હોય તો તેનું સર્વથા ભક્ષણ ન કરવું, પ્રસાદીનો મહિમા સમજીને પણ પોતાને સ્વીકારવા યોગ્ય ન હોય તો તેવા અન્નનું ભક્ષણ ન જ કરવું.૧૪
વળી જે વસ્તુ પોતે નિયમ લઇને છોડી દીધી હોય કે આ વસ્તુ મારે જમવી નહિ, વળી જે વસ્તુ જમવાથી પોતાના શરીરમાં પીડા થતી હોય, તે વસ્તુઓ ભગવાનની પ્રસાદીની હોય છતાં પણ ભક્તજનોએ ભક્ષણ કરવી નહીં.૧૫
હે પુત્રો ! ગ્રામ્યવાર્તા થકી નિવૃત્તિને અર્થે રાત્રી દિવસ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, તેમજ જેનું શ્રવણ કરવામાત્રથી ભક્તનું મન ભગવાનની મૂર્તિમાં આકર્ષાઈ જાય તેવા ભગવાનના મનોહર ગુણોનું ગાયન કર્યા કરવું.૧૬
ઉદ્ધવસંપ્રદાયની સામાન્ય કે મહાદીક્ષા પામ્યા ન હોય તેવા પોતાના ભાઇએ રાંધેલું અન્ન હોય તો પણ તે અનાશ્રમી પુરુષે ક્યારેય જમવું નહિ. દીક્ષા લીધી હોય તો બાધ નહિ.૧૭
દીક્ષા લીધી હોય છતાં જે મનુષ્યો સાથે ભોજન સંબંધી વ્યવહાર ન હોય તે મનુષ્યે રાધેલું અન્ન જમવું નહિ.૧૮
અને વિષ્ણુદીક્ષા ગ્રહણ કરી ન હોય છતાં બ્રાહ્મણે રાંધેલું અન્ન મહાદીક્ષાવાળા ક્ષત્રિયાદિએ જમવું. પરંતુ રાંધનાર વિપ્ર દીક્ષિત ન હોય ને તેણે અન્ન રાંધ્યું હોય તેને મહાદીક્ષા ગ્રહણ કરેલા વિપ્રોએ જમવું નહિ.૧૯
હે પુત્રો ! આ અનાશ્રમી મહાદીક્ષાવાળા પુરુષે જેટલા અન્નથી પોતાના શરીરનો નિર્વાહ થાય તેટલા અન્નને માટે ઉદ્યમ કરવો, પરંતુ તેનાથી વધારે ઉદ્યમ કરવો નહિ.૨૦
નિવૃત્તિધર્મના કર્મમાં નિષ્ઠાવાન થવું, પરંતુ પોતાને અનર્થ ઉપજાવે તેવા પ્રવૃત્તિધર્મના કર્મમાં હમેશા ઉદાસી રહેવું.૨૧
ભક્તના નામે પ્રસિદ્ધ થયેલા અનાશ્રમી પુરુષે બ્રહ્મચારીઓની પેઠે જ ધોતીની અંદર કૌપીન ધારણ કરવું, તેમજ મહાદીક્ષાવાળા ગૃહસ્થ હરિભક્ત કરતાં વધારે ભજન ભક્તિ કરવી.૨૨
વિપ્રજાતિના અનાશ્રમી વૈષ્ણવે તો દરરોજ શાલિગ્રામની પૂજા કરવી અને સદ્ગુરુ થકી વિષ્ણુસૂક્તનું શિક્ષણ મેળવવું અને તેના અર્થનું ચિંતવન કરવું.૨૩
વળી તે અનાશ્રમી વિપ્રે પાદુકા તથા જલપાત્ર ધારણ કરવું, જીતેન્દ્રિય થઇ પોતાના સમગ્ર વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું.૨૪
હે પુત્રો ! આ પ્રમાણે જેની પત્ની મૃત્યુ પામી હોય તથા સ્ત્રી ન મળતાં બ્રહ્મચારી રહ્યો હોય, તેવા મહાદીક્ષા ગ્રહણ કરનાર અનાશ્રમી ભક્તોને માટે શાસ્ત્રમાં જણાવેલ આટલું વિશેષ વિધાન મેં તમને જણાવ્યું છે.૨૫
ગૃહસ્થાશ્રમમાં રહેલા અને પૂર્વોક્ત સામાન્ય દીક્ષા પ્રાપ્ત કરેલા સત્સંગીને સંતોનો કે સત્શાસ્ત્રનો સમાગમ થાય ને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય ને બીજા કોઇ આશ્રમમાં પ્રવેશ કરવાની ઇચ્છા જાગે તો, તેવા ગૃહસ્થ પુરુષે પણ આ અનાશ્રમી પુરુષો માટે કહેલી મહાદીક્ષાનો સ્વીકાર કરવો, કારણ કે કળિયુગમાં ગૃહસ્થ પછીના વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમનો નિષેધ કરેલો છે.૨૬-૨૭
તેથી ગૃહસ્થ પુરુષે આ શ્રીવાસુદેવી મહાદીક્ષાનો આશ્રય કરી નિર્ભયપણે અનન્ય ભક્તિથી આદરપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું.૨૮
હે પુત્રો ! જો એ ગૃહસ્થ ભક્તે તીવ્રવૈરાગ્ય ઉત્પન્ન થયા પહેલાં જ જો મહાદીક્ષા પ્રાપ્ત કરેલી હોય તો પછી તે ગૃહસ્થે વૈરાગ્ય ઉત્પન્ન થતાં માત્ર પૂર્વોક્ત શરીર સંબંધી જે વિશેષ નિયમો અનાશ્રમી પુરુષ માટે જણાવ્યાં કે શ્વેતવસ્ત્રો પહેરવાં ને નિવૃત્તિપરાયણ રહેવું એઆદિકનો આશ્રય કરવો.૨૯
હે પુત્રો, જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઇચ્છાથી બ્રહ્મચર્યાશ્રમ છોડવા ઇચ્છતો હોય ને સ્ત્રી ન મળતાં કુંવારો રહી ગયો હોય તથા જેની સ્ત્રી મૃત્યુ પામી હોય તથા વૈરાગ્યથી સ્ત્રી સુખનો ત્યાગ કર્યો હોય આ ત્રણે પ્રકારના પુરુષો માટે આ કહ્યો એ પ્રમાણેનો દીક્ષાવિધિ જાણવો.૩૦
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં અનાશ્રમીઓ માટે મહાદીક્ષા વિધિનું વિશેષ નિરૂપણ કર્યું એ નામે ઓગણપચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૯--