અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિએ કરેલું શ્રાદ્ધવિધિનું સવિસ્તર નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:27pm

અધ્યાય - ૨૦ - ભગવાન શ્રીહરિએ કરેલું શ્રાદ્ધવિધિનું સવિસ્તર નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ કરેલું શ્રાદ્ધવિધિનું સવિસ્તર નિરૃપણ. ઘણી સંપત્તિવાળા માટે છન્નું (૯૬) શ્રાદ્ધો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

ગૃહસ્થ પુરુષોએ નિયમોનું પાલન કરી પોતાની શરીર અને ધનની શક્તિ પ્રમાણે સમયે સમયે વિધિપૂર્વક શ્રાદ્ધ અવશ્ય કરવાં.૧

શ્રાદ્ધ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે મૃત્યુ પામેલા પોતાના પ્રેતોને અને પિતૃઓને ઉદ્દેશીને તેઓનું પ્રિય કરવા તેમના પુત્રાદિક દ્વારા અન્નાદિકનું ભોજન અને સુવર્ણાદિકનું દાન શ્રદ્ધા પૂર્વક દેવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.૨

હે વિપ્ર ! નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ, સપિંડીકરણ, ગોષ્ઠી, પર્વ, શુદ્ધિ, કર્માંગ, દૈવિક, પૌષ્ટિક અને યાત્રિકશ્રાદ્ધ આ પ્રમાણે બાર પ્રકારનાં શ્રાદ્ધ સ્મૃતિઓમાં કહેલાં છે. આ સર્વેંનાં લક્ષણો ''નિર્ણયસિન્ધુ'' માં વિસ્તારથી લખ્યાં છે.૩-૪

બીજા એક મુનિએ એકોદિષ્ઠશ્રાદ્ધ, પર્વશ્રાદ્ધ, વૃદ્ધિશ્રાદ્ધ અને સપિંડીકરણ શ્રાદ્ધ આ ચાર પ્રકારનાં જ શ્રાદ્ધ કહ્યાં છે.૫

હે વિપ્ર ! શ્રાદ્ધ ક્યાં કરવાં ? તે કહું છું. તીર્થમાં અને પોતાના ઘરમાં પણ ગોમયથી સુસંસ્કૃત કરેલી ભૂમિવાળા દક્ષિણ દિશામાં થોડા નમતા પ્રદેશમાં પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવાં.૬

હે વિપ્ર !
જ્યાં તુલસીવનની છાયા હોય તેવાં સ્થાનમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પ્રદાન કરવું.૭

જે પુરુષ ગયા શિર નામના ક્ષેત્રમાં શમીપત્રના પ્રમાણ જેટલું પિંડદાન આપે છે. તે પુરુષ સાત ગોત્રના એકસો એક કુળનો ઉદ્ધાર કરે છે. તે સાત ગોત્રમાં પિતા, માતા, પત્ની, બહેન, દીકરી, ફુઇ અને માસી આવે છે. તેમાં પિતાના ગોત્રમાં ચોવીસ કુળ, માતાના ગોત્રમાં વીસ કુળ, પત્નીના ગોત્રમાં સોળ કુળ, બહેનના ગોત્રમાં બાર કુળ, દીકરીના ગોત્રમાં અગિયાર કુળ, ફુઇના ગોત્રમાં દશ કુળ, અને માસીના ગોત્રમાં આઠ કુળ એમ કુલ એકસો ને એક કુળનો ઉદ્ધારક થાય છે.૮

હે વિપ્ર !
હવે શ્રાદ્ધ ક્યાં ન કરવાં તે કહું છું. વિદ્વાન પુરુષે જે પ્રદેશમાં મલેચ્છજનો ઘણા રહેતા હોય તેવા પ્રદેશમાં, રાત્રીના સમયે, બન્ને સંધ્યાના સમયે અને અંતરીક્ષમાં ક્યારેય શ્રાદ્ધકર્મ ન કરવું.૯

તેમ જ જ્યાં પ્રત્યક્ષ બ્રાહ્મણની હાજરી ન હોય ત્યાં પણ ક્યારેય શ્રાદ્ધકર્મ કરવું નહિ, ઋષિમુનિઓએ જો દેશકાળની અનુકુળતા હોય ને શ્રાદ્ધને યોગ્ય સંપત્તિનો પણ મેળ હોય તો પિતૃઓની તૃપ્તિ માટે છન્નુ શ્રાદ્ધો કરવાનાં કહેલાં છે.૧૦

ઘણી સંપત્તિવાળા માટે છન્નું (૯૬) શ્રાદ્ધો :-

બાર અમાવાસ્યા, ચૌદ મનુ આદિક તિથિઓ, ચાર યુગાદિ તિથિઓ, બાર સૂર્યના મેષાદિ રાશિઓના સંક્રમણના દિવસો, તેર વૈધૃતિ નામના યોગો, તેર વ્યતીપાત નામના યોગો, મહાલયના- ભાદરવામાસના વદપક્ષના સોળ દિવસો, પૂર્વની સાતમ અને ઉત્તરની નવમી તિથિની સાથે ચાર અષ્ટકાઓ, હેમંત અને શિશિરઋતુમાં વદપક્ષની બે બે આઠમ એમ કુલ્લ ચાર આઠમે યુક્ત બાર દિવસ સાથે કુલ્લ મળી છન્નુ શ્રાદ્ધો પ્રતિવર્ષ કરવાનાં કહેલાં છે.૧૧

હે વિપ્ર !
ભાદરવાવદની તેરસની તિથિએ મઘાનક્ષત્રમાં ચંદ્રમા હોય અને હસ્ત નક્ષત્રમાં સૂર્ય હોય તો તેને ગજચ્છાયા નામનો યોગ કહેલો છે. તે યોગમાં જે શ્રાદ્ધકર્મ કરવામાં આવે તે બહુ જ મોટા ફળને આપનારું થાય છે.૧૨

સર્વે મહાનદીઓમાં અને એક ગયા શિર વિના સર્વ પુષ્કરાદિ તીર્થોમાં, અમાવાસ્યાદિ પર્વશ્રાદ્ધના ધર્મને જાણતા પુરુષે પોતાના પિતા જીવિત હોય છતાં પણ તે પર્વશ્રાદ્ધો કરવાં.૧૩

પરંતુ તે તીર્થમાં ગયા હોય ત્યારે કરવાં, પણ પિંડદાન કરવા માટે ગયાજીએ જેમના પિતા જીવીત હોય તેમણે ન જવું. કારણ કે શાસ્ત્રોનાં એવાં વચન છે કે જેમના પિતા જીવિત હોય તેવા પુરુષે અમાવાસ્યાનાં શ્રાદ્ધો, ગયાશ્રાદ્ધ, અને ભાદરવા માસના વદ પક્ષનાં સોળ મહાલય શ્રાદ્ધો ન કરવાં અને તલથી તર્પણ ન કરવું, માત્ર તીર્થમાં ગયા હોય ત્યારે જ જીવિત પિતાવાળો પુત્ર પર્વશ્રાદ્ધો કરી શકે છે.૧૪-૧૫

હે વિપ્ર !
પુત્ર કે પુત્રીના વિવાહમાં, પુત્રના જન્મમાં, પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતા સોમ નામના પુત્રેષ્ટિયજ્ઞામાં, તીર્થમાં અને સદ્ધર્મનિષ્ઠ બ્રાહ્મણના આગમનમાં, આ છ જગ્યાએ જીવિત પિતાવાળા પુત્રે પણ શ્રાદ્ધ કરવાં.૧૬

મહાલયશ્રાદ્ધમાં- ભાદરવાવદના સોળ શ્રાદ્ધમાં, ગયા શ્રાદ્ધમાં, વૃદ્ધિશ્રાદ્ધમાં અને ચાર અન્વષ્ટકાશ્રાદ્ધમાં, બાર દેવતાઓને ઉદ્દેશીને શ્રાદ્ધકર્મ કરવું. અને બાકીના શ્રાદ્ધમાં ષટ્પુરુષને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવું. તેમાં દેવતાઓ, પિતા, પિતામહ, પ્રપિતામહ, માતા, પિતામહી, પ્રપિતામહી, માતામહ, પ્રમાતામહ, વૃદ્ધપ્રમાતામહ, માતામહી, પ્રમાતામહી, વૃદ્ધપ્રમાતામહી, આ બાર છે. તેમજ પિતા, પિતામહ, પ્રપિતામહ, માતામહ, પ્રમાતામહ અને વૃદ્ધ પ્રમાતામહ આ ષટ્ પુરુષો કહેલા છે.૧૭

મેષ અને તુલા રાશિને વિષે, અયનમાં- સૂર્યસંક્રામણના કાળમાં, મકર અને કર્ક રાશિને વિષે, સંક્રાંતિમાં- મેષાદિ કોઇ પણ રાશિને વિષે સૂર્યના સંક્રમણના સમયમાં, ચૌદ મનુ આદિ તિથિઓમાં અને યુગાદિ તિથિઓને વિષે પિંડદાનનો ત્યાગ કરી ધર્મવાન પુરુષે અન્ય શ્રાદ્ધકર્મ કરવાં.૧૮

હેમંત અને શિશિરઋતુની વદપક્ષની ચાર નવમી તિથિઓમાં, નાંદીશ્રાદ્ધમાં, ગયાશ્રાદ્ધમાં અને વાર્ષિક મરણ તિથિના શ્રાદ્ધમાં માતાનું શ્રાદ્ધ પણ પિતાના શ્રાદ્ધ સાથે જ કરી લેવું.૧૯

જે બ્રાહ્મણ વેદશાસ્ત્રના અર્થને જાણતો હોય ને સ્વધર્મનિષ્ઠ હોય તે જ શ્રાદ્ધ કર્મમાં ભોજન કરાવવા યોગ્ય છે. પરંતુ વેદશાસ્ત્રના અર્થને જાણવા છતાં તેનું અનુષ્ઠાન કરતો ન હોય ને દુરાચારી હોય તેવો બ્રાહ્મણ ક્યારેય પણ શ્રાદ્ધમાં ભોજન કરાવવા યોગ્ય નથી.૨૦

જે અગ્રગણ્ય બ્રાહ્મણમાં વેદાધ્યયન, તપમાં નિષ્ઠા અને સદાચારીપણું હોય તેવા વિદ્વાન વિપ્રનું પિતૃના શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક પૂજન કરવું.૨૧

માત્ર ગાયત્રી મંત્રના જપના બળવાળો પણ બ્રાહ્મણ જો પોતાના ધર્મનિયમમાં ચુસ્ત હોય તો તે શ્રાદ્ધ કર્મમાં જમાડવો શ્રેષ્ઠ છે. પરંતુ ચારવેદનો ભણેલો હોય અને પોતાના નિયમ ધર્મમાંથી ભષ્ટ હોય, સર્વત્ર અન્ન ભક્ષણ કરવાના સ્વભાવવાળો હોય ને પાપાચારી હોય તો તે શ્રાદ્ધમાં લેવો શ્રેષ્ઠ નથી.૨૨

હે વિપ્ર !
તીર્થને વિષે કરવામાં આવતાં શ્રાદ્ધને વિષે ક્યારેય પણ બ્રાહ્મણની પરીક્ષા કરવી નહિ. હરિઇચ્છાથી આવેલો અન્નાર્થી તીર્થ શ્રાદ્ધમાં ભોજન કરાવવા યોગ્ય છે. એમ મનુએ કહેલું છે.૨૩

જો વિદ્યાદિ ગુણોએ યુક્ત ન મળે તો શ્રાદ્ધમાં પોતાના માતામહાદિ જનો પણ જો સ્વધર્મમાં નિષ્ઠાવાળાં હોય તો પૂજવા જમાડવા યોગ્ય છે.૨૪

તે માતામહ- માતાનો પિતા, દોહિત્રો, ભાણેજો, મામો, માસીનો પુત્ર અને તેનો પુત્ર, મામાનો પુત્ર, જમાઇ, સસરા, સાળો, સાળાનો પુત્ર, યજ્ઞા કરાવનારો ઋત્વિજ બ્રાહ્મણ, વિદ્યાનો અભ્યાસ કરાવનાર ગુરૃ અને ઉપાધ્યાપક, આચાર્ય, યજ્ઞોપવિત સંસ્કાર આપી વેદોનું અધ્યયન કરાવનાર, અને શ્રોત્રીય- વેદને ભણેલો વિપ્ર.૨૫-૨૬

આ સર્વે માતામહાદિ જો સુશીલ અને સદાચારી હોય તો શ્રાદ્ધમાં ભોજન કરાવવાને માટે પવિત્ર કહેલા છે. અને જો તેમાંથી કોઇ દુરાચારી હોય તો તેઓને અયોગ્ય જાણી શ્રાદ્ધ ભોજનમાં છોડી દેવો, આટલું નક્કી રાખવું.૨૭

જે બ્રાહ્મણ કલિયુગના ધર્મને અનુરૃપ વિદ્યા આદિ સદ્ગુણોએ સંપન્ન હોય ને તે જેા કોઇ નિંદિત કર્મ કરેલું ન હોય તો તે પણ શ્રાદ્ધમાં સ્વીકારવા યોગ્ય છે.૨૮

જે શ્રાદ્ધમાં હરિભક્ત કે સંન્યાસી ભોજન સ્વીકારે તો તે શ્રાદ્ધ મોટી સંપત્તિ વિના પણ પરિપૂર્ણ સિદ્ધ થાય છે.૨૯

જે પુરુષ ગામમાં વસતા સંન્યાસીને જાણવા છતાં તેનો અનાદર કરીને બીજા બ્રાહ્મણોને જમાડે છે,તેનું શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને આપેલું અન્ન રાક્ષસોને પહોંચે છે.૩૦

દેવસંબંધી કર્મમાં ઉત્તર સન્મુખ બેઠેલા બ્રાહ્મણોને પુર્વમૂખે બેસારવા અને પિતૃસંબંધી કર્મમાં પુર્વમુખે બેઠેલા બ્રાહ્મણોને ઉત્તર સન્મુખ બેસારવા.૩૧

દેવ સંબંધી કર્મમાં બે બ્રાહ્મણોને જમાડવા, પિતૃસંબંધી કર્મમાં ત્રણને જમાડવા, અથવા બન્ને કર્મમાં એક એક બ્રાહ્મણને જમાડવો, યજમાન સમૃદ્ધિમાન હોય છતાં બહુ વિસ્તારમાં પડવું નહિ.૩૨

સત્ક્રિયા, દેશ, કાળ, પવિત્રતા અને લક્ષણે યુક્ત બ્રાહ્મણ. આ પાંચની ગુણસંપત્તિ અતિવિસ્તાર કરવાથી નાશ પામે છે. તેથી તેઓનો અતિવિસ્તાર ન કરવો.૩૩

જ્યારે શ્રાદ્ધ ભૂમિ પર બ્રાહ્મણો ભોજન કરવા બેઠા હોય ને તેવામાં કોઇ સન્યાસી કે બ્રહ્મચારી ભોજન કરવા આવે તો તેમને પણ ઇચ્છા પ્રમાણે જમાડવો.૩૪

શ્રાદ્ધ કરવાને દિવસે દંતધાવન, તાંબૂલ-ભક્ષણ શરીરે તેલમર્દન, ઉપવાસ, સ્ત્રીનોસંગ, ઔષધીનું ભક્ષણ અને પારકું અન્ન, આ સાત કર્મનો શ્રાદ્ધ કરનાર પુરુષે ત્યાગ રાખવો૩૫

બીજીવાર ભોજન, ગામાન્તરે જવા માટે માર્ગનું અતિક્રમણ, ભારનું વહન, વેદનું અધ્યયન, મૈથુન, દાન દેવું, ને દાન લેવું અને હોમ, આ આઠ કર્મો શ્રાદ્ધમાં જમાડનારાએ પણ છોડી દેવાં.૩૬

આવતે દિવસે શ્રાદ્ધમાં ભોજન કરનારાએ તથા શ્રાદ્ધ કરાવનારાએ પૂર્વરાત્રીમાં ભોજન અને ઋતુકાળ હોવા છતાં પોતાની સ્ત્રીનો સંગપ્રયત્ન પૂર્વક છોડી દેવો.૩૭

જે પુરુષ શ્રાદ્ધ કરીને તથા શ્રાદ્ધમાં જમીને સ્ત્રીનો સંગ કરે છે, તેમના પિતૃઓ તે મહિનામાં તેમના વીર્યને વિષે શયન કરે છે.૩૮

સર્વેપિતૃઓના ગણોને અન્ન, દૂધ, ઘી, મધ, ગોળ આદિ સાત્વિક પદાર્થોથી તર્પણ કરવામાં આવે તો તેઓને અક્ષય તૃપ્તિ થાય છે.૩૯

ક્યાંક સ્મૃતિ ગ્રંથોને વિષે માંસથી પિતૃતર્પણ કરવાનું કહેલું છે, તેનો કલિયુગને વિષે વેદોએ નિષેધ કરેલો છે. તેથી માંસથી પિતૃતર્પણ ક્યારેય પણ ન કરવું.૪૦

તેથી જ મુનિ શ્રેષ્ઠ પરાશરમુનિએ પોતાને અનુસરતા સર્વે સુવ્રતાદિ મુનિઓને કહેલું છે કે, આ મારી પરાશર સ્મૃતિ છે તે જ કલિયુગમાં મુખ્ય છે, જેથી કોઇએ માંસથી પિતૃતર્પણ કરવું નહિ.૪૧

પરાશર ઋષિ કહે છે, અન્ન, દૂધ, ઘી, મધ અને સમય ઉપર નિપજતું શાક વિગેરેથી તૃપ્ત કરેલા બ્રાહ્મણોથી મનુષ્યોના પિતૃઓ તૃપ્ત થઇ જાય છે.૪૨

સત્શાસ્ત્રોના અભિપ્રાયને નહિ જાણનારો અવિદ્વાન પુરુષ પ્રાણીનો વધ કરી માંસથી પિતૃઓનું તર્પણ કરે છે, તે પુરુષ ચંદનનો ત્યાગ કરી શરીર ઉપર અંગારાનો લેપ કરે એવો કહેલો છે.૪૩

જેમ કોઇક બાળક કાંઇક વસ્તુ કૂવામાં ફેંકીને અજ્ઞાનવશ ફરી તે વસ્તુને લેવા કૂવામાં પડવા ઇચ્છે, તેમ માંસથી પિતૃતર્પણ કરવા ઇચ્છતો માણસ અધોગતિને પામે છે. પિતૃઓ વૈષ્ણવ હોવાથી માંસથી કરેલું શ્રાદ્ધ તેઓ સ્વીકારતા નથી. તેથી શ્રાદ્ધ કરનારને તેનું ફળ મળતું નથી, ઉપરાંત કરેલી હિંસાથી પોતાની જાતને અંધકારમાં ધકેલી દે છે.૪૪

હે દ્વિજ !
આ પ્રમાણે પરાશરમુનિનાં વચનો હોવાથી ધર્મશાસ્ત્રનો આશ્રય કરી વર્તતા બુદ્ધિમાન પુરુષોએ હમેશાં શ્રાદ્ધકર્મમાં માંસનો ત્યાગ કરી દેવો.૪૫

માટે શ્રાદ્ધ કરનાર દ્વિજાતિ પુરુષોએ નિર્દોષ એવા દૂધપાક અને નિવારાદિ ઋષિ ધાન્યવડે સર્વે પિતૃઓનું તર્પણ કરવું. તેનાથી પિતૃઓ બહુ તૃપ્ત થાય છે.૪૬

શ્રાદ્ધમાં ગાયનું દૂધ, દહીં અને ઘી પવિત્ર મનાયેલાં છે. ભેંસનું ઘી શ્રેષ્ઠ કહેલું છે. પરંતુ દૂધ ક્યારેય પણ શ્રેષ્ઠ નથી.૪૭

દિવસનાં પંદર મુહૂર્ત છે તેમાંથી આઠમુ મુહૂર્ત કુતુપકાળ કહેવાય છે. નેપાળદેશનો કામળો, રૃપાનું પાત્ર, દર્ભો, તલ અને દોહિત્રો આટલાં શ્રાદ્ધમાં પાવન કહેલાં છે.૪૮

ગોત્ર તથા નામનું ઉચ્ચારણ કરી ક્ષણદાનાદિક કર્મ કરવું, શ્રાદ્ધ કરનાર બુદ્ધિમાન પુરુષે ગોત્રોચ્ચારના સર્વે સ્થાનોમાં સકાર અક્ષરની સાથે ગોત્રનું ઉચ્ચારણ કરવું.૪૯

જો ગોત્રનું પોતાને જ્ઞાન ન હોય તો કાશ્યપગોત્રનું ઉચ્ચારણ કરવું, કારણ કે શ્રુતિએ સર્વે પ્રજાને કશ્યપ થકી પ્રગટ થયેલી કહેલી છે.૫૦

વળી જો પોતાના પિતૃઓનાં નામ ન જાણતો હોય તો પિતા માટે પૃથ્વીષત્ નામથી પિતામહ માટે અંતરિક્ષસત્ અને પ્રપિતામહને દિવિષત્ નામથી નિર્દેશ કરવો.૫૧

જે કાંઇ પણ પદાર્થ પિતાદિકને વિભક્તિના પ્રયોગની સાથે અર્પણ કરવામાં આવે તો તે સર્વે સફળ થયેલું જાણવું. વિભક્તિના વિપરીતપણામાં સર્વે નિષ્ફળ જાય છે, એમ પણ જાણવું.૫૨

વિભક્તિનો નિયમ આ પ્રમાણે છે, અક્ષય્ય અને આસનમાં ષષ્ઠી વિભક્તિ વાપરવી. અર્થાત્ ''પિતૃણાં અક્ષય્યમ્'' ''પિતૃણાં ઇદં આસનમ્'' આ પ્રમાણે છઠ્ઠી વિભક્તિથી ઉચ્ચારણ કરવું, તેમજ આવાહનમાં દ્વિતીયા વિભક્તિનું ઉચ્ચારણ કરવું, જેમ કે ''પિતૃ-પિતામહ-પ્રપિતામહાન્ આવાહયામિ'' તેવી જ રીતે અન્નદાનમાં ચતુર્થી વિભક્તિનો ઉચ્ચાર કરવો,જેમકે ''વિશ્વદેવેભ્ય ઇદમન્નમ્'' ''પિતૃભ્ય ઇદમન્નમ્'' ઇત્યાદિ. બાકીની વિભક્તિઓ સંબોધનમાં વાપરવી.૫૩

વિસર્જન, પાત્રચાલન, વિકિર, પંક્તિવારણ, હસ્તપ્રક્ષાલન અને અપોષણ આ છ કર્મો સદાય પિતા પ્રથમ હોય તે રીતે કરવાં.૫૪

સ્વાગત, સ્વસ્તિવચન, ગોત્રશેષ, પ્રદક્ષિણા, અર્ઘ્ય અને દક્ષિણાદાન આ છ કર્મો સવ્યથી અર્થાત્ યજ્ઞોપવીત ડાબે ખભે જેમ છે તેમ રાખીને કરવાં. બાકીનાં અપસવ્યથી કરવાં. અર્થાત્ જમણે ખભે યજ્ઞોપવીત રાખીને કરવાં.૫૫

પુષ્પોનાં અગથીયાનાં પુષ્પો, ભાંગરાનાં પત્રો, બે પાંદડાવાળાં તુલસીનાં માંજર, આમળાનાં પત્રો, ચંપાનાં પુષ્પો અને તલનાં પુષ્પો, આ છ વસ્તુઓ પિતૃઓને બહુ વહાલી છે.૫૬

કેતકી, કરેણ બોરસલી, મોગરો, પાડળ અને જાઇનાં પુષ્પો આ છ પુષ્પો શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક છોડી દેવાં.૫૭

અગ્નિ રહિતના, ધન રહિતના અને વિપત્તિમાં ફસાયેલા દ્વિજે નહીં રાંધેલા અન્નથી શ્રાદ્ધ કરવું, અને શૂદ્રે તો હમેશાં કાચા અન્નથી જ શ્રાદ્ધ કરવું.૫૮

આપત્તિમાં આવી પડેલો હોય છતાં દ્વિજે વાર્ષિક શ્રાદ્ધ, સપિંડીકરણશ્રાદ્ધ, ગયાશ્રાદ્ધ અને મહાલય શ્રાદ્ધ કાચા અન્નથી ન કરવું.૫૯

આવાહનમાં, સ્વધાકારમાં અને વિસર્જનમાં બુદ્ધિશાળી પુરુષોએ મંત્રોનું ઉચ્ચારણ ઉહથી કરવું. પરંતુ અન્ય કર્મોમાં તથા કાચા અન્નના શ્રાદ્ધવિધિમાં મંત્રોનું ઉચ્ચારણ ઉહથી ન કરવું. અર્થાત્ આવાહનમાં ''હવિષે અત્તવે'' ના સ્થાને ''તવિષે સ્વીકર્તવે'' એમ બોલવું તેને ઉહ કહેલું છે.૬૦

કાચા અન્નથી પણ શ્રાદ્ધ કરવાની અનુકૂળતા ન હોય તો બુદ્ધિમાન પુરુષે ધાન્ય કરતાં ચારગણા મૂલ્યવાળા શુદ્ધ સુવર્ણથી શ્રાદ્ધ કરવું.૬૧

તેમજ પોતાનું મંગળ ઇચ્છતા બુદ્ધિમાન પુરુષે પુત્ર જન્મમાં સુવર્ણથી શ્રાદ્ધ કરવું, પરંતુ રાંધેલાં અન્નથી ન કરવું અથવા કાચાં અન્નથી પણ ન કરવું.૬૨

જે પુરુષ આ સમગ્ર શ્રાદ્ધોને મધ્યે પર્વનું શ્રાદ્ધ કરવા પણ સમર્થ થતો નથી. તેમણે તો શ્રાદ્ધ કરવાના અવસર ઉપર સંકલ્પ શ્રાદ્ધના વિધિથી તે પર્વશ્રાદ્ધ આચરી લેવું.૬૩

તે સંકલ્પ શ્રાદ્ધમાં આવાહન, સ્વધા શબ્દ, અર્ઘ્ય, અગ્નિકરણ, વિકિર અને પિંડદાન, આ છ કર્મોનો ત્યાગ કરવો.૬૪

દ્રવ્ય અને વિપ્રના અભાવમાં માત્ર પિંડદાન પ્રદાન કરવું, અથવા શ્રાદ્ધને યોગ્ય દિવસ પ્રાપ્ત થાય ત્યારે આહાર માત્રનો ત્યાગ કરી દેવો, અથવા ફળયુક્ત જળ ભરેલો કુંભ બ્રાહ્મણને પ્રદાન કરવો, અથવા ગાયને ચારો નાખવો, પરંતુ શ્રાદ્ધનો દિવસ ખાલી જવા દેવો નહિ.૬૫-૬૬

ઋગ્વેદી બ્રાહ્મણે માતા-પિતાના શ્રાદ્ધકર્મથી પહેલાં બ્રહ્મયજ્ઞા તથા તર્પણ ન કરવું, પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય પછીથી જ બ્રહ્મયજ્ઞા અને તર્પણ આ બન્ને કર્મ કરવાં,૬૭

પત્ની જો રજસ્વલા ધર્મમાં હોય તો ભાદરવાનાં મહાલયાદિ શ્રાદ્ધો પત્નીના ઋતુકાળના પાંચમે દિવસે કરવાં, અથવા ભાદરવા વદ અમાસને દિવસે કરવાં.૬૮

પત્ની જો રજસ્વલા હોય તો વાર્ષિક શ્રાદ્ધ અને માસિક શ્રાદ્ધ તો મૃત્યુતિથિને દિવસે જ પક્વાન્નથી જ વિધિપૂર્વક કરવાં.૬૯

તેમજ વ્રત કે ઉપવાસને દિવસે શ્રાદ્ધ આવે તો યથાવિધિ શ્રાદ્ધ કરીને પિતૃઓને નિવેદિત કરેલાં અન્નને સૂંધવું પરંતુ ઉપવાસ ન છોડવો.૭૦

વૈષ્ણવ ભક્તજનોએ એકાદશીને દિવસે આવતું શ્રાદ્ધ વિશેષપણે બારસને દિવસે જ કરવું. કારણ કે પિતૃઓ પણ વૈષ્ણવ જ હોય છે.૭૧

સંન્યાસીનાં પણ વાર્ષિક આદિ શ્રાદ્ધો તેમના પુત્રએ વિધિપૂર્વક કરવાં અને મહાલય શ્રાદ્ધ બારસને દિવસે જ કરવું, એમ કરવાથી તે પર્વશ્રાદ્ધ થાય છે.૭૨

કાચાં અન્નનું શ્રાદ્ધ બપોર પહેલાં કરવું, એકોદિષ્ટ શ્રાદ્ધ બપોરના સમયે કરવું, પર્વશ્રાદ્ધ બપોર પછીનાં સમયે કરવું અને વૃદ્ધિશ્રાદ્ધ પ્રાતઃકાળે જ કરવું.૭૩

જે પુરુષ પોતાના પિતા આદિકના મરણ દિવસને કે મરણ મહિનાને જાણતો ન હોય તેવા પુરુષે તે પોતાના પિતા આદિકનું વાર્ષિક શ્રાદ્ધ માગસર મહિનામાં કે માઘ મહિનામાં કે પછી કોઇ પણ અમાવાસ્યાની તિથિએ કરવું.૭૪

યજ્ઞા, વિવાહ, મૂર્તિપ્રતિષ્ઠા, ઉપનયન, સમાવર્તન અને ગર્ભાધાન સંસ્કાર અને દીક્ષાવિધિમાં નાંદીશ્રાદ્ધ કરવું.૭૫

પિતા સંન્યાસી થઇ ગયા હોય કે મહાપાપાદિકથી પતિત થયા હોય, તો વૃદ્ધિશ્રાદ્ધમાં અને તીર્થશ્રાદ્ધમાં પૂર્વે પિતાએ જે પિતૃઓને આપ્યું હોય તેમને જ પુત્રે પણ આપવું.૭૬

''યા દિવ્યા આપ'' આ મંત્રોવડે અર્ઘ્યનું પ્રદાન, ''વિશ્વેદેવાસ આગત'' ઇત્યાદિ ઋચાઓથી આવાહન, ''ઇદં વિષ્ણુર્વિચક્રમે'' આ ઋચાઓ વડે દ્વિજને અન્નમાં અંગૂઠો મૂકાવવાનું કર્મ, ''તૃપ્તાસ્થ'' એ રીતનો વિપ્રો પ્રતિ તૃપ્તિનો પ્રશ્ન કરવો, અને ''યેગ્નિદગ્ધા'' એ ઋચાવડે ભૂમિ ઉપર વિકિર અન્નનું પ્રદાન કર્મ, આટલાં કર્મો તીર્થશ્રાદ્ધમાં ત્યાગ કરી દેવાં.૭૭

હે વિપ્ર !
આ સર્વે શ્રાદ્ધમાં અતિથિઓ આવે તો પ્રયત્ન પૂર્વક તેમને ભોજન કરાવવું. કારણ કે અતિથિઓને ભોજન કરાવવાથી શ્રાદ્ધની પૂર્ણતા થાય છે.૭૮

બ્રહ્મચારીએપોતાનાં માતા-પિતાના મરણ પછી કરવામાં આવતી ઔર્ધ્વદૈહિક ક્રિયા માસિક શ્રાદ્ધો, વાર્ષિક શ્રાદ્ધો અને મહાલયાદિ સર્વે શ્રાદ્ધો વિધિ પૂર્વક કરવાં.૭૯

અને સંન્યાસીએ તો માતા-પિતાના મરણનું સૂતક પાડવું નહિ, અને આંસુ પણ પાડવા નહિ. તેમજ તેમની શ્રાદ્ધાદિક પિંડોદક ક્રિયા પણ કરવી નહિ.૮૦

જે પુરુષ પોતાના અધિકાર અનુસારે પોતાની શક્તિ પ્રમાણે સમયે સમયે વિશ્વદેવતાએ સહિત પિતૃઓનું પૂજન કરતો નથી. તે પુરુષ નિશ્ચે નરકમાં પડે છે.૮૧

અને જે પુરુષ શ્રાદ્ધ કરે છે તે નિરોગી, અંગોની વિકળતાએ રહિત, લાંબી આયુષ્યવાળો, પુત્ર અને પૌત્રવાળો, ધનવાળો અને પ્રાપ્ત થયેલાં સમગ્ર ધનને ભોગવવાવાળો થાય છે.૮૨

પિતૃઓ છે જ ક્યાં ? એવી શંકા કરીને જે પુરુષ શ્રાદ્ધકર્મ કરતો નથી, તે પુરુષના રૃધિરને પિતૃઓ અતિશયે ક્રોધાયમાન થઇને પીએ છે.૮૩

જેવી રીતે પોતાની માતાથી વિખુટું પડેલું ગાયનું વાછરડું ગાયોના સમૂહને વિષે પોતાની માતાને શોધી લે છે, તેજ રીતે ઉચ્ચારાયેલા મંત્રો છે તે પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવેલાં શ્રાદ્ધને તે તે પિતૃઓ સુધી પહોંચાડે છે.૮૪

જો પિતા શુભ કર્મોના યોગથી સ્વર્ગમાં દેવ થયા હોય તો શ્રાદ્ધમાં આપેલું અન્ન અમૃતરૃપ થઇને દેવલોકમાં તેને ચોક્કસ પ્રાપ્ત થાય છે.૮૫

જો ફરી મનુષ્યના રૃપમાં અવતરેલા હોય તો શ્રાદ્ધમાં અર્પણ કરેલું અન્ન તેને ભોજનરૃપે પ્રાપ્ત થાય છે. પશુપણાને પામ્યા હોય તો તૃણરૃપે અને સર્પ થયા હોય તો વાયુરૃપે તેને પ્રાપ્ત થાય છે.૮૬

આ પ્રમાણે શ્રાદ્ધનું અન્ન પશુ પક્ષી આદિક સર્વે યોનિમાં તે તેના ભોજન સ્વરૃપે તેને પ્રાપ્ત થાય છે. તેથી શ્રાદ્ધ પ્રયત્નપૂર્વક અવશ્ય કરવું.૮૭

હે વિપ્ર !
આ પ્રમાણે શ્રાદ્ધનો સર્વે વિધિ મેં તમને સંક્ષેપથી યથાર્થપણે કહ્યો. હવે પછી તમને ઋષિમુનિઓએ પોતાના સ્મૃતિ ગ્રંથોમાં કહેલા ધર્મોને મધ્યે કળિયુગમાં નિષેધ કરવા યોગ્ય જે ધર્મો છે તે કહું છું.૮૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ શ્રાદ્ધવિધિનું નિરૃપણ કર્યું, એ નામે વીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૦--