તરંગ - ૩૩ - શ્રીહરિયે કોલેરાનો રોગ મટાડયો એ નામે તેત્રીશમો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:00am

 

પૂર્વછાયો- એકસમે છુપૈયા વિષે, ચાલ્યો કોલેરાનો રોગ । એક યોજન ફરતા ગામે, બન્યો છે એવો જોગ ।।૧।।

ઘણા મનુષ્ય મર્ણ પામ્યાં, તે કેતાં નાવે છેક । સર્વે લોકે સાધન કર્યાં, દેવી પર ધરી ટેક ।।૨।।

માતાયોને ત્યાં ભોગ આપ્યા, અજા મૃગ ને મહીષ । ઘણા જીવની હિંસા કરી, રોગ મટયો નહીં લેશ ।।૩।।

દેખા દેખી મળ્યા સરવ, છુપૈયાપુરના જન । હિંસામય હોમ કરવા, ધારીને બેઠા મન ।।૪।।

નષ્ટમતિ ભષ્ટ થયેલા, લાવ્યા છે જીવ અપાર । ભવાનીને ભોગ દેવા, ચાલ્યા પાપી નિરધાર ।।૫।।

નારાયણસરથી પૂર્વમાં, છે ભવાનીનું સ્થાન । અનેક પ્રાણીને લૈ આવ્યા, માતા આગે અઘવાન ।।૬।।

ચોપાઇ- વાજે વાજીંત્ર નાના પ્રકાર, ધામધૂમ થયો ધમકાર । ચારો દિશાયો ચડાવી ચાક, ઘણાં વાગી રહ્યા છે ત્યાં ડાક ।।૭।।

માતા આગળ ભુવા ધુણે છે, બચારી માતાને તે ૧પુણે છે । ધુણી ધુણીને માગે છે અજા, માંસ લાવો તારે આવે મજા ।।૮।।

એવું સુણીને પ્રત્યક્ષ લાવ્યા, બોકડા ભવાનીને ધરાવ્યા । તીખી તીખી તાણી તરવાર, મારવાનો કરે છે વિચાર ।।૯।।

લફંગા મળીને લાજ લોપી, કાળીમાતા ભવાની ત્યાં કોપી । ઘનશ્યામની ઇચ્છાયે કરી, માતા પ્રગટ થૈ રૂપ ધરી ।।૧૦।।

ઝડપીને લીધી તરવાર, બોલી ક્રોધ ભરીને તે વાર । સુણો અસુર પાપીડા જન, તમે ખોટું ધારેલું છે મન ।।૧૧।।

જાણો છો મળશે ફળ રૂડું, પણ થાશે આમાંથી તો ભુંડુ । હિંસા કરતાં ન ટળે રોગ, ભારે મળશે તમારા ભોગ ।।૧૨।।

પ્રભુ ઇચ્છાથી કોલેરુ ચાલ્યું, એમાં કોઇનું ન રહે ઝાલ્યું । તમારૂં ધારેલું ધુળ થાશે, પ્રભુ ઇચ્છા થકી મટી જાશે ।।૧૩।।

અમે સત્વગુણી છૈયે દેવી, ભ્રષ્ટ પૂજા નથી મારે લેવી । પ્રભુને હિંસા નથી ગમતી, તમારી બુદ્ધિ ચાલે ભમતી ।।૧૪।।

સતશાસ્ત્રતણો નથી મત, તમે વાત સુણો મારી સત । મારી મરજી વિના કરશો, તો મોત વિના તમે મરશો ।।૧૫।।

વળી મોતનાં દાન આપીશ, તીખી ૨અસીયે માથાં કાપીશ । આવી હિંસા મારી પાસે કરી, મુને શું કરવી છે આસુરી ।।૧૬।।

તમારૂં જો ભલું તમે ચાવો, છુપૈયાપુરમાં સહુ જાવો । ધર્મભક્તિ ઘેર પ્રમાણ, સ્વયં થયા પુરૂષ પુરાણ ।।૧૭।।

કોટિ કોટિ પુરૂષ પ્રધાન, સર્વ નિયંતા છે ભગવાન । કોટી અક્ષર પુરૂષ ઇશ, સર્વાધાર છે શ્રીજગદીશ ।।૧૮।।

એ છે અનેક ધામના ધામી, મહા બળવંત બહુનામી । દયાસિંધુ સદા સુખકારી, અવતાર કેરા અવતારી ।।૧૯।।

એક રોમમાં કૈક બ્રહ્માંડ, અણુની પેઠે ઉડે અખંડ । તેમાંથી કોઇ પામે ન પાર, જાણી શકે નહિ અવતાર ।।૨૦।।

નથી લોકપાળની ત્યાં ગતિ, તારે બીજાની શું ચાલે મતિ । માટે એનું કર્યું સહુ થાય, એમ ચાલે સદા સર્વદાય ।।૨૧।।

ઝટ જાઓ તે પ્રભુની પાસ, તમને ઉગારશે અવિનાશ । બીજા કરશો કોટી ઉપાય, પણ સુખ સંતોષ ન થાય ।।૨૨।।

એવું સુણી દેવીનું વચન, દૈવી આવ્યા ધર્મને ભુવન । હવે શરણે રાખો પ્રભુ આજ, મૃત્યુથી ઉગારો મહારાજ ।।૨૩।।

શ્રીહરિ કે ચિંતા ન કરશો, દિલ તમે કાંઇ ન ડરશો । કોલેરુ હવે આજથી બંધ, અમે છૈયે ત્યાં સુધી પ્રતિબંધ ।।૨૪।।

છુપૈયા ફરતાં પંચ જોજન, આવો રોગ નાવે કોઇ દન । એવું વચન થયું જે વારે, આવી કોલેરા શક્તિઓ તારે ।।૨૫।।

કરજોડીને આગળ આવી, કરે વંદના શીષ નમાવી । કૃપાનાથ અમે શું કરીશું, હવે ક્યાં જઇ પાવ ધરીશું ।।૨૬।।

પ્રભુ કહે બધુ જાવા દેજ્યો, જ્યાં જ્યાં અસુર હોય ત્યાં રેજ્યો । શક્તિયો મનમાં રાજી થઇ, કરી પ્રણામને ચાલી ગઇ ।।૨૭।।

છુપૈયાપુર વાસી પાવન, આવ્યા જ્યાં બેઠા છે ભગવન । હે કૃપાળુ તમે ભગવાન, અમને આપ્યાં જીવનદાન ।।૨૮।।

સર્વ નિયંતા છો સુખરાશી, અક્ષરાધિપતિ અવિનાશી । કરો અમારાં દ્વાર પાવન, સર્વેને ઘેર જમો જીવન ।।૨૯।।

પ્રભુ બોલ્યા થઇને પ્રસન્ન, સર્વેનો પ્રેમ જાણીને મન । જાઓ રસોઇ કરાવો તમે, બધાને ઘેર આવીશું અમે ।।૩૦।।

તેને લાગી થોડી ઘણી વાર, જમવા પધાર્યા શ્રીમોરાર । થયા અનેક રૂપે શ્રીહરિ, ઘેર્ય ઘેર્ય જમ્યા ફરી ફરી ।।૩૧।।

સૌને આનંદ આપ્યા છે સર્ખા, પોત પોતાના મનમાં હર્ખ્યા । પ્રભુની પ્રભુતા પછે જાણી, પરસ્પર કહે છે વખાણી ।।૩૨।।

વળી એકસમે જગન્નાથ, વેણી માધવ પ્રયાગને સાથ । એ આદિ સખા લેઇને સંગે, ગયા પિરોજપુર ઉમંગે ।।૩૩।।

નૈરૂતે દક્ષિણ દિશા લાગ, આનંદ ત્રવાડીનો જ્યાં બાગ । ત્યાં ફળ ફુલ પાક્યાં અપાર, જામફળ રામફળ સાર ।।૩૪।।

સખા સહિત દેવ દેવેશ, કર્યો વાડીમાં જઇ પ્રવેશ । ફળ ખવાય તેટલાં ખાધાં, બીજાં પણ ગાંઠે બાંધી લીધાં ।।૩૫।।

તેવે આવ્યો ગરાશિયો એક, તીનવા ગામનો તે વિશેક । તેણે જોયું વાડીમાં આકામ, ફળ લે છે ત્યાંથી શ્રીઘનશ્યામ ।।૩૬।।

ક્ષત્રિય ગયો પીરોજપુર, તે ત્રવાડીને પાસે જરૂર । વાડીની તેણે કરી છે વાત, થયો આનંદ ને ઉતપાત ।।૩૭।।

બૈજું ત્રવાડી પોતાનો પુત્ર, બીજા સાથે લીધા બળ સુત્ર । લીધી લાકડીયો કરમાંય, આવ્યા છે તે બગીચાની માંય ।।૩૮।।

રીસે રાતાં થયાં છે લોચન, બોલ્યા ઘનશ્યામને વચન । ઘણા દિનથી ફળ ખાવો છો, ફાવે તેવાં તો લઇ જાવો છો ।।૩૯।।

બધો ઉજ્જડ કર્યો છે બાગ, પણ ભલો આવ્યો છે આ લાગ । નિજ સખાઓને નરવીર, વાંસે રાખીને આપે છે ધીર ।।૪૦।।

એવું જોઇને રઘુનંદન, આવ્યો સનમુખ તે દુરીજન । જ્યેષ્ટિકા લીધી કર મોઝાર, મારવા આવ્યો છે નિરધાર ।।૪૧।।

દુષ્ટમતિ દેછે ઘણી ગાળ્યો, ઘનશ્યામજીયે તેને ભાળ્યો । પ્રભુજી બોલ્યા પુન્ય પવિત્ર, તમો બીશો નહીં મારા મિત્ર ।।૪૨।।

શું કરે છે તે નજરે જોઉં, તમને મારવા નહીં દેઉં । પુરૂષોત્તમે તે ઝટ પટ, સખાને કરી દીધા પોપટ ।।૪૩।।

આજ્ઞા આપીને ઉડાડી મુક્યા, કરી ચતુરાઇ નવ ચુક્યા । જઇ બેઠા ખંપાસરોવર, થયા અદૃશ્ય ત્યાં નટવર ।।૪૪।।

આવ્યા છે મારવા જેહ જન, પામ્યા આશ્ચર્ય દેખીને મન । કરે છે તે પરસ્પર વાતો, નથી સમજાતું કાંઇ આતો ।।૪૫।।

સર્વે વાડીમાં જોયું ફરીને, નવ્ય દેખ્યા સખા કે હરિને । રઘુનંદન કે સુણો ભાઇ, સખાને કર્યા પોપટ આંઇ ।।૪૬।।

પોતે થયા છે અંતર્ધાન, એમ વાત કરે મુકી માન । બોલ્યા આનંદ ત્રવાડી ફરી, તમે વાત કરો છો તે ખરી ।।૪૭।।

એનાં ચરિત્રનો નહિ પાર, કોણ કરી શકે નિરધાર । બાલપણે કાલિદત્ત માર્યો, ઘણા ઘણાનો ગર્વ ઉતાર્યો ।।૪૮।।

એક મલ્લ હતો આણે ગામે, તેને પાર્ય પાડયો ઘનશ્યામે । સહુ તે વાત કરતા હતા, પણ આપણ માનતા નોતા ।।૪૯।।

હવે નિશ્ચે થઇ ગયો આજ, એનાં ભાળી અલૌકિક કાજ । માટે ઇશતણા એ છે ઇશ, જગકર્તા છે શ્રીજગદીશ, ।।૫૦।।

એમ કેતા આનંદ ત્રવાડી, આવ્યા ધર્મના ઘર અગાડી । હવે શું કરે છે બલવીર, આવ્યા ખંપાસરોવર તીર ।।૫૧।।

વેણી માધવ પ્રાગ અનુપ, એઓને આપ્યાં મૂળ સ્વરૂપ । ફળ લાવ્યા હતા પોતે જેહ, સર્વ સખાને આપ્યાં છે તેહ ।।૫૨।।

ચંદ્રાકાર કર્યાં તે આસન, ફળ જમવા બેઠા જીવન । જમી તૃપ્ત થયા ભગવન, પછે આવ્યા પોતાને સદન ।।૫૩।।

બેઠા આનંદ ધર્મની પાસ, કરે વાડીની વાત હુલાસ । તેને દેખી બોલ્યા જગતાત, સુણો દાદા કહું એક વાત ।।૫૪।।

આ આનંદ ત્રવાડી જે આજ, આવ્યાતા મુને મારવા કાજ । એવું સુણી આનંદ ત્રવાડી, બોલ્યા નમ્ર થઇ કરજોડી ।।૫૫।।

સુણો બહુનામીજી બલીન્દ્ર, તમે તો છો પોતે રામચંદ્ર । હું તો શરણે આવ્યો છું તમારા, ક્ષમા કરો અપરાધ અમારા ।।૫૬।।

સ્તુતિ કરતા સતા તે દિશ, મુક્યાં ચર્ણ કમળમાં શિશ । કર્યા પ્રણામ વારમવાર, ગયા આનંદ પોતાને દ્વાર ।।૫૭।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે કોલેરાનો રોગ મટાડયો એ નામે તેત્રીશમો તરંગ ।।૩૩।।