તરંગ - ૬૯- શ્રીહરિમીનસાગરને કાંઠે દેવતા લેવા ગયા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:57pm

 

પૂર્વછાયો - છુપૈયાના વાસી જનનું, પૂરણ ભાગ્ય કેવાય । પ્રભુજી જ્યાં લીલા કરે છે, નિશદિન સુખદાય ।।૧।।

તરણ તારણ કારણ, ચરણની રજ જેહ । ભુવનપતિ બ્રહ્માદિને, અતિ દુર્લભ છે એહ ।।૨।।

પુરૂષોત્તમ નારાયણ, અકલિત અવિનાશ । મનુષ્ય તન ધારી કરે, છુપૈયાપુરે વિલાસ ।।૩।।

અપાર મોટપ મહિમા, કવિ શું પામે પાર । શેષ મહેશ ને શારદા, કેતાં પામી જાય હાર ।।૪।।

ધર્મભક્તિના પુત્ર થયા, છુપૈયાપુર મોઝાર । તે પુરવાસી મનુષ્યનાં, પુન્ય હશે શુભ સાર ।।૫।।

ચોપાઇ - સુણજ્યો શ્રોતા વિવેકી જન, રૂડી પ્રગટ લીલા પાવન । શ્રીહરિનાં મામી એકવાર, નામ સુંદરીબાઇ નિરધાર ।।૬।।

અગ્નિ લેવા આવ્યાં કરી પ્યાર, હરિપ્રસાદજી તણે દ્વાર । સુવાસિનીને કહ્યું છે સોય, અગ્નિ આપો પાડેલો જો હોય ।।૭।।

દેવતા પાડયો નથી જ અમે, મામીજી સાચું માનજ્યો તમે । તમે લાવો તો કેજ્યો અમને, ભુલી જાશો નહિ કહું તમને ।।૮।।

ત્યારે બોલ્યા અક્ષરાધાર, ધીર ધરો તમે થોડી વાર । અગ્નિ લાવી દૈયે છૈયે અમે, બેસો બન્ને જણાં આંહી તમે ।।૯।।

નિત્યવિધિ કરે છે શ્રીહરિ, ઉઠયા પોતે નેમ પૂરણ કરી । એક ધોતી પેરેલી છે અંગે, દેવતા લેવા ચાલ્યા ઉમંગે ।।૧૦।।

જુવો અંતરયામીની વાતો, બીજા શું સમજે મર્મ આતો । વ્હાલો વહ્નિનું લેઇને નામ, કરવા ધાર્યું છે બીજું કામ ।।૧૧।।

જ્યારે હરિ થયા રાજારૂપ, ત્યારે અસુર થયા છે ભૂપ । તે હરિ સામા લડાઇ કરે, રણસંગ્રામે કપાઇ મરે ।।૧૨।।

વળી પ્રભુ સાધુરૂપ ધરે, તો અસુર તેવાં રૂપ કરે । તિલકાદિ રાખે હરિ બાનું, વ્યસન કપટ કરે છાનું ।।૧૩।।

તે પાખંડ ભક્તિને આદરે, મંડળી લૈ ગામોગામ ફરે । શાસ્ત્રના નેમ ધર્મને નૈ છેક । નામ માહાત્મની રાખે ટેક ।।૧૪।।

એ લક્ષણે જાણવા અસુર, જેને મળે તેને નર્કપુર । ઉપર દેખાવ સારો રાખે, આજ્ઞા વિષે નપુંસક ભાખે ।।૧૫।।

અસુરો તે મનમાં વિચારી, આવે વૈરાગીનાં રૂપ ધારી । માંહી છે કપટ દગાભર, દેખાવ ઉપલ્યો આડંબર ।।૧૬।।

જેમાં અસુર પરવેશ થાય, તે જન અડબંગા જણાય । એમ જાણીને શ્રીહરિ આપ, કામ કરે છે અકળ અમાપ ।।૧૭।।

મીનસાગરથી તે પશ્ચિમે, કાંઠાપર મધુવૃક્ષ સીમે । ત્યાં બગીચામાં સેના આવી છે, ઘણા દિનથી તિયાં ફાવી છે ।।૧૮।।

ત્યાગી તપસ્વી લેરી ગંજેરી, ઉતર્યા છે તે વાડીને ઘેરી । ગાંજો ભાંગ્ય પીને ગભરાતા, ભેખ નિશંક ને મદમાતા ।।૧૯।।

ક્રોધી વિરોધી ને જ્ઞાનહીન, વિપરીત મતિવાળા ભિન્ન । એવો અધર્મ જાણ્યો તે સ્થળે, મહાપ્રભુ પધાર્યા તે પળે ।।૨૦।।

અધર્મ ઉચ્છેદ કરવો છે, ભાર ભૂમિતણો હરવો છે । વળી ધર્મ કરવો સ્થાપન, એવું ધારીને ગયા જીવન ।।૨૧।।

જઇને જુવે જગદાધાર, સેનાયો છે તે વાડી મોઝાર । પાંચ સાત ઠેકાંણે તે જન, બેઠા ધૂણી ચેતાવી તે દન ।।૨૨।।

મોટાં કાષ્ટ સળગાવ્યાં ત્યાંયે, ચીપિયા લેઇ બેઠા છે જ્યાંયે । એવું જોઇ બોલ્યા અવિનાશ, હે સંતો મુને આપો ૧હુતાશ ।।૨૩।।

એમ સુણીને એક અજાણ, બોલ્યો બડબડતો મુખે વાણ । તુચ્છબુદ્ધિ તમોગુણવાળો, અતિ ઉંચો ને કાજળ કાળો ।।૨૪।।

ચીપિયો લીધો કરે ક્રોધાળે, કેવા લાગ્યો હરિને તે કાળે । ચલ ચલ નહી મિલે આગ, હમ તનસે લિયાહે ત્યાગ ।।૨૫।।

ગયા બીજી જગ્યાયે ગોવિંદ, અગ્નિ માગી જોયો તેનો ફંદ । અગ્નિ તો કોઇએ આપ્યો નહિ, ઉઠયો મારવા ચીપિયો ગ્રહી ।।૨૬।।

ત્રીજી જગ્યાયે ગયા જીવન, વિચાર ધાર્યો છે નિજ મન । ધોતીનો છેડો તૈયાર કીધો, વણપુછે તેમાં વહ્ની લીધો ।।૨૭।।

ત્યાંથી લેઇને ચાલ્યા તત્કાળ, તેમને લાગી કાળની ઝાળ । ના પાડયા છતાં જે અગ્નિ લીનો, બોત અન્યાય લડકે કીનો ।।૨૮।।

સેનાયોવાળા જોગી જે લેરી, મારવા માટે ઉઠયા ગંજેરી । પકડયા ધોકા ચીપિયા હાથ, પ્રહાર કરવા તૂટયા સાથ ।।૨૯।।

એવા સમયમાં બીજો જન, અતિક્રોધ કરી નિજ મન । તાણી તરવાર્ય દોડયો તેહ, કાળઝાળમાં પડેલો એહ ।।૩૦।।

આવ્યો ઉતાવળો તેહ જન, દેખ્યું પ્રભુએ તેહનું મન । અક્ષરાધિપતિ ઉભા રયા, યમરાજાના રૂપે તે થયા ।।૩૧।।

કાળ વિક્રાળ સ્વરૂપ કીધું, તેમને એવું દર્શન દીધું। મોટા મોટા ભયંકર દાંત, જાણે જિહ્વાપ્રલેનો કૃતાંત ।।૩૨।।

લાંબા લાંબા છે શિરના કેશ, વજ્ર સમાન ઉભા છે એશ । મોટા લાંબા છે હાથ અઢાર, અષ્ટાદશ કર હથિયાર ।।૩૩।।

છાતી કાઢીને ઉભા છે સામા, તે સર્વેના વીતિયા વિસામા । ઉંચું પર્વત પ્રાય શરીર, રણનો પંડિત રણધીર ।।૩૪।।

કાળદેતો આવ્યો જાણે ફાળ, ઢુંગી ધ્રુજી પડયો છે ધરાલ । ડાઢયો જોરવડે કકડાવે, સામ સામી ઘસીને અડાવે ।।૩૫।।

એવો ભાળી ભયંકર વેષ, પામી ગયા છે ત્રાસવિશેષ । તેમને તો લાગી ઘણી બીક, નવ આવી શક્યા તે નજીક ।।૩૬।।

છેટે ઉભા રયા છે એ સર્વ, ગળી ગયો છે એમનો ગર્વ । ઢુંગધારી ઉભા ઉભા ધ્રુજે, નાશી જાવાની જગ્યા ન સૂઝે ।।૩૭।।

ક્યાં જઇશું ને કેમ કરીશું, હવે તો જીવીશું કે મરીશું । પાછા પાછા ભરેછે પગલાં, દિલ ડરતા દેછે ડગલાં ।।૩૮।।

ઇષ્ટદેવનું સ્મરણ કરતા, નાશી ગયા તે ભય ધરતા । મુકામે આવી કરે વિચાર, હવે નાશી જવું કોણ ઠાર ।।૩૯।।

પોતપોતાનાં જે સિંહાસન, બિછાવ્યાં છે ત્યાં નિર્મલ મન । ઠાકોરજીની મૂર્તિઓ જેહ, પધરાવી સિંહાસને તેહ ।।૪૦।।

પ્રતિમાયો દેખાવા ન લાગી, ચિંતાતુર થયા છે અભાગી । પછે સર્વે બેબાકળા થયા, મનમાં તે ગભરાઇ ગયા ।।૪૧।।

એવામાં થઇ આકાશવાણી, પોતાના મનમાં લીધું જાણી । આંહી આવ્યા છે દેવતા લેવા, ઘનશ્યામજી દર્શન દેવા ।।૪૨।।

એમની સાથે જૈયે છૈયે અમે, સમઝી લેજ્યો સેવક તમે । રહીશું ઘનશ્યામને સંગ, એવી વાણી થઇછે અભંગ ।।૪૩।।

સુણી આકાશવાણી ગંભીર, તેમની છુટી ગઇ છે ધીર । પામ્યા આશ્ચર્ય મન અપાર, ભેગા થઇ કરે છે વિચાર ।।૪૪।।

એક એકને લાગ્યા છે કેવા, ચાલો પ્રતિમાયો સહુ લેવા । એહ બાળકને પાસે જૈયે, પ્રતિમાયો ઠાકોરજીની લૈયે ।।૪૫।।

એવું કહી ત્યાંથી જાવા ચાલ્યા, ઘનશ્યામને પાસે આવી માલ્યા । કર્યું અદૃશ્ય યમનું રૂપ, બોલ્યા અલબેલોજી અનૂપ ।।૪૬।।

એવું કહીને તે આનંદભેર, ગિરિધારી આવ્યા નિજ ઘેર । ઘરે ભાભી ને પોતાનાં મામી, તેને અગ્નિ આપ્યો બહુનામી ।।૪૭।।

ઓલ્યા બધાયે આવ્યા છે સાથ, બોલ્યા સર્વે જોડીને ત્યાં હાથ । બોલે છે નમ્ર મધુરી વાણ, તમે સુણી લ્યો જીવનપ્રાણ ।।૪૮।।

તમે સાક્ષાત છો રામચંદ્ર, પ્રગટયા છુપૈયામાં બલીંદ્ર । નિશ્ચે અમને એમ દેખાય, એમાં બીજો સંદેહ ન થાય ।।૪૯।।

તમને કરીયે નમસ્કાર, કર જોડીને વારમવાર । તમે ક્ષમા કરો અપરાધ, અમે ભુલ કરી છે અગાધ ।।૫૦।।

અમે કિંકર છૈયે તમારા, અવગુણ જોશો માં અમારા । એમ કહી પ્રારથના કરી, ત્યારે હરિયે ઇચ્છા મન ધરી ।।૫૧।।

બોલી મૂર્તિયો મુખેથી સર્વ, સેવક સુણો ત્યજીને ગર્વ । પ્રભુને તજી બીજાં આચરણ, કરશો તો નહિ રાખીયે શરણ ।।૫૨।।

નહિ રહિયે તમારી પાસ, સત્ય માની લેજો તમે દાસ । એવું કહી શ્રીહરિના આગે, મૂર્તિયો સઘળી રજા માગે ।।૫૩।।

શિષ્ય પોતાના આવ્યા છે જેહ, તેની સાથે ચાલી ગઇ એહ । પ્રતિમાયો આવી છે અગાડી, તેમને તો મુક્યા છે પછાડી ।।૫૪।।

પોતપોતાનાં જે સિંહાસન, મૂર્તિયો બિરાજી છે આસન । ઓલ્યા આવેલા તો ચાલ્યા સદ્ય, આવ્યા પિરોજપુરની હદ્ય ।।૫૫।।

ત્યાં છે પીપળાનો વૃક્ષ એક, તેમાં જન રહે છે વિશેક । અકસ્માત ઉઠયો કડેડાટ, થયો વિક્રાડ ત્યાં ભડેડાટ ।।૫૬।।

તેને દેખીને વૈરાગી માત્ર, ભય પામ્યા સંકોચાયા ગાત્ર । ચારે દિશામાં નાસવા લાગ્યા, ત્રાસ પામીને ત્યાં થકી ભાગ્યા ।।૫૭।।

જન આવી ફરી વળ્યો આગે, વાક્ય મુખેથી કહેવા લાગે । સુણો તમોને કહું ખચિત, ઘનશ્યામજીમાં રાખો ચિત્ત ।।૫૮।।

એમની આજ્ઞાને અનુસરજો, ધ્યાન ભક્તિ સદા તેની કરજો । નહિ તો સર્વેને મારી પાસ, રાખીને ઘણો આપીશ ત્રાસ ।।૫૯।।

હરણ કરીશ તમારા પ્રાણ, સમજી લેજો એ સાચી વાણ । એવું સુણી થયા ભયભીત, બોલ્યા બીજા સહુ એક ચિત્ત ।।૬૦।।

હવે આજથી નિર્મલ મન, કરીશું એમનું ચિંતવન । અમે જાણ્યા છે એમને ધીર, સાક્ષાત છે રામ રઘુવીર ।।૬૧।।

કરશું ભક્તિ ઉપાસના એની, જેણે પ્રતાપ દેખાડયો તેની । જન તે પછે અદૃશ થયો, પિપળામાં લીન થઇ ગયો ।।૬૨।।

સાધુ ભય પામી ભાગી ગયા, પોતાના મુકામે ઉભા રહ્યા । માંહોમાંહે કરે છે વિચાર, અહિયાં રહેવું નથી નિરધાર ।।૬૩।।

આવે રાત્રીમાં જન પ્રત્યક્ષ, કરશે આપણા સર્વેનો ભક્ષ । ધોકા ચીપિયા પુસ્તક પાન, વસ્ત્ર આદિ બીજો જે સામાન ।।૬૪।।

સંકેલી સર્વે થયા તૈયાર, ત્યાંથી ગયા અયોધ્યા મોઝાર । ત્યાં જઇને કરી છે તે વાત, અથ ઇતિ બનીતી સાક્ષાત ।।૬૫।।

અયોધ્યાના તે જન કહેછે, ધર્મદેવ છુપૈયામાં રહે છે । તેના પુત્ર છે ચમતકારી, ઘનશ્યામ સદા સુખકારી ।।૬૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિમીનસાગરને કાંઠે દેવતા લેવા ગયા એ નામે અગણોતેરમો તરંગઃ ।।૬૯।।