રાગ સામેરી - નગર ને વાંસી ગામના, રાજા બે મતિ ફેર । નખલૌના નવાબ સાથે, બાંધી બેઠા છે વેર ।।૧।।
તેના તરફથી સુબો આવ્યો, સાથે સૈન્ય અપાર । બન્ને રાજાને જીતવાનો, કર્યો મન વિચાર ।।૨।।
વાંસી ગામ જવા નીકળ્યો, મારગે ચાલ્યો જાય । છુપૈયાપુર આવ્યું વચ્ચે, ત્યાર પછી શું થાય ।।૩।।
મોટાઆંબે બગીચા મધ્યે, પડાવ કર્યો છે ત્યાંયે । તેમાં ઘેલાત્રવાડી આવ્યા, સુબા સાથે સૈન્યમાંયે ।।૪।।
ઘેલાત્રવાડી નોકર છે, નવાબને ત્યાં જેહ । સાંજે ધર્મ આદિ સર્વે સંબંધી, પ્રેમે મળ્યા છે તેહ ।।૫।।
જોખનને વિચાર થયો, સંગે લઇ ઘનશ્યામ । ઘેલાત્રવાડી સાથે જવું, લશ્કરમાં અભિરામ ।।૬।।
એવું ધારીને કહેવા લાગ્યા, ધર્મ પ્રત્યે જોખન । હે દાદા મુજ મામા સાથે, મારે જવાનું છે મન ।।૭।।
ઘનશ્યામને લઇ જાઉં છું, ચિંતા મ રાખો લગાર । થોડા દિવસમાં આવીશું, બેઉ બંધવ આઠાર ।।૮।।
એવું કહી જુગલબંધુ, તરત થયા તૈયાર । વસ્ત્ર આભૂષણ સજીને, બાંધી લીધાં હથિયાર ।।૯।।
નારાયણને સાથે લેઇ, ચાલ્યા રામપ્રતાપ । લશ્કરમાં નિજ મામા સાથે, પ્રેમે પધાર્યા આપ ।।૧૦।।
તે ગામને લુટવા પેઠા, લશ્કરવાળા જન । મોટાભાઇ ભેગા ચાલ્યા, જોડે પ્રાણજીવન ।।૧૧।।
બીજા મનુષ્ય માલ લેઇ, આવ્યા પોતાને મુકામ । પ્રભુતો કંદોઇ ઘેરથી, લાવ્યા દહીંનું ઠામ ।।૧૨।।
મોટું ભરેલું ભાળી લાવ્યા, કર્યું છે એવું કાજ । ભાઇ દધિપાત્ર દેખીને, પુછે પ્રભુને આજ ।।૧૩।।
હેભાઇ શું તમે લાવ્યા છો, આ ભરેલું દધિ ઠામ । એવું સુણી પ્રસન્ન થઇને, બોલ્યા સુંદર શ્યામ ।।૧૪।।
અમે તો કંદોઇને ઘરે, દીઠું આ દધિનું ઠામ । સારું સ્વાદિષ્ટ દેખી લાવ્યા, કર્યું અમે તો એ કામ ।।૧૫।।
ભાઇયે કહ્યું બીજા માણસ, લાવ્યા છે તે બહુ માલ । તમેતો એક દધિ લાવ્યા, એમાં શું કર્યા નિહાલ ।।૧૬।।
પ્રભુ કહે જેને જેવી રૂચી, તેવી તે વસ્તુ લાવીયા । અમારે જેવી રૂચી હતી, તે વસ્તુ અમે લૈ આવીયા ।।૧૭।।
સર્વે પછે રસોઇ કરી, જમવા બેઠા તેવાર । ભાઇયે પણ બાટીયો કરી, ભોજન કરવા સાર ।।૧૮।।
હરિને મામાને પીરસ્યું, રામપ્રતાપે તે વાર । હરિ કહે ભાઇ બેસો તમે, નક્કી કહું આઠાર ।।૧૯।।
તમે પણ સાથે જ બેસો, આપું છું દધિ આજ । જ્યેષ્ઠ ભાઇયે પાત્રમાં લીધી, બાટી જમવા કાજ ।।૨૦।।
શ્રીહરિયે ભાઇ મામાને, દહીં આપ્યું દીનાનાથ । ત્રૈણે જણા જમવા લાગ્યા, સ્નેહ સહિત સંગાથ ।।૨૧।।
જમતાં જમતાં રાજી થયા, બોલ્યા શ્રીઘનશ્યામ । અમે દધિ લાવ્યા તે જુવો, તરત જ આવ્યું કામ ।।૨૨।।
બીજા માણસ લાવ્યા હશે, મીલકત માલ તમામ । કોણ જાણે કોણ ભોગવશે, કેદિ તે આવશે કામ ।।૨૩।।
બીજા માણસ લૌકિક છે, તવ સમઝણ શુભ રીત । એમ કહેતા જમતા હવા, ત્રૈણે જણ કરી પ્રીત ।।૨૪।।
એવી રીતે કેટલા દિન, રહ્યા લશ્કરમાંય । દહીં માખણ ઘૃત લાવી, જમે ત્રૈણે જણા ત્યાંય ।।૨૫।।
લશ્કરની જીત થઇ છે, પાછું વળ્યું તેણીવાર । છુપૈયાપુર થઇને ગયું, નખલૌશેર મોઝાર ।।૨૬।।
વડીલ બંધુ સાથે વ્હાલો, પાછા વળ્યા સુખભેર । ઘેર આવી માતપિતાને, કહી સઘળી પેર ।।૨૭।।
વળી બીજું ચરિત્ર કહું, સુણો સહુ ભાગ્યવાન । એક સમે શ્રીધર્મ બેઠા, ધરવા પ્રભુનું ધ્યાન ।।૨૮।।
અંતરમાં આતુર થઇને, ધ્યાન ધરે છે એવ । પરોક્ષ મૂર્તિ ન દેખાણી, દેખાણા હરિ તતખેવ ।।૨૯।।
ધર્મ ઘનશ્યામને જુવે છે, બીજું ન દેખે દૃષ્ટ । તે મૂર્તિને વિસારી દેવા, કરે પ્રારથના સ્પષ્ટ ।।૩૦।।
પણ પ્રભુ નથી વિસરતા, સુખદાઇ ઘનશ્યામ । ધીરજ ન રહી ધર્મને, મુંઝાણા સુખધામ ।।૩૧।।
આજ કેમ નથી દેખાતી, પ્રભુની મૂર્તિ સોય । મારામાં કાંઇ ભુલ પડી, કે કારણ શું છે જોય ।।૩૨।।
એમ જાણી થયા ઉદાસી, પડયું મુક્યું છે ધ્યાન । ભાગવતનો પાઠ કરે, પોતે તો પુન્યવાન ।।૩૩।।
પાઠ કરતાં વાર લાગી, ધર્મદેવને તે ઠાર । પછે હસીને તે બોલિયા, જીવન જગદાધાર ।।૩૪।।
હે દાદા તમે માતપિતા, ઇચ્છા કરીતી મન । મારા જેવા પુત્રને માટે, કષ્ટ સહ્યું તું તન ।।૩૫।।
અવધપુરે સર્જુતીરે, તપ આરાધ્યું સાર । દેવની અવધી પ્રમાણે, વર્ષ બાર હજાર ।।૩૬।।
ત્યારે તો આ મૂર્તિ મળી છે, મુંઝાઓ છો શીદ મન । માટે પ્રગટ આ સ્વરૂપનું, ધ્યાન ધરી કરો જતન ।।૩૭।।
એમ કહી દર્શન દીધું, અલૌકિક અદ્બુત । ચતુર્ભુજ રૂપે થયા છે, નિશ્ચે થયો મજબુત ।।૩૮।।
પૂર્વની સ્મૃતિ કરાવી છે, પિતાને તતખેવ । પાઠ કરવો પડયો મુકી, સ્તુતિ કરે ધર્મદેવ ।।૩૯।।
સર્વના કારણ શ્રીહરિ છે, અક્ષરાધિપતિ એવ । હે લાડીલા કુંવર મારા, દેવ તણા છો દેવ ।।૪૦।।
પુરૂષોત્તમ નારાયણ, સાક્ષાત છો ભગવાન । તમારી માયાવડે કરી, ભુલું છું હું તો ભાન ।।૪૧।।
તમ વિષે પ્રભુપણાનો, નિશ્ચે બરાબર થાય । કલ્પાંતે તવ સ્વરૂપનું, જ્ઞાન કદી નવ જાય ।।૪૨।।
હવે આપો વરદાન એવું, કૃપા કરીને આજ । વિસારૂં તોય નવ વિસરે, મેર કરો મહારાજ ।।૪૩।।
પ્રસન્ન થઇને પ્રભુયે, આપ્યું એ વરદાન । પિતાજીને શાન્તિ પમાડયા, એમ કર્યું સમાધાન ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો એ નામે સિત્તેરમો તરંગઃ ।।૭૦।।