તરંગ - ૭૪ - શ્રીહરિ પોતાની માસીને દળતી વખતે ઐશ્વર્ય દેખાડ્યું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 6:51pm

 

 

પૂર્વછાયો

પુરૂષોત્તમ નારાયણ, અક્ષર પર અજીત । દુર્લભ દર્શન દેવને, લીલા કરે છે પુનીત ।।૧।।

એકસમે પીરોજપુરે, ગયા છે શ્રીઘનશ્યામ । તેવે ટાણે મેમાન આવ્યા, છુપૈયાપુર મુકામ ।।૨।।

પ્રેમવતીનાં બેન જે, નામ વસંતાબાઇ । માણેકધર નામે પુત્ર તે, સાથે આવ્યા સુખદાઇ ।।૩।।

બીજાં બેન ચંદનબાઇ, તેના પુત્ર બસ્તી કેવાય । તરગામથી તે આવિયા, સ્નેહ વડે સમુદાય ।।૪।।

બેઉ બેન મળીને બેઠાં, પ્રેમવતીને પાસ । ખબર પુછી પ્રેમથકી, કરી મનમાં હુલાસ ।।૫।।

 

 

ચોપાઇ

 

ચંદનબા બોલ્યાં શુભ કામ, બેન ક્યાં ગયા છે ઘનશ્યામ । ભક્તિમાતા કહે સુણો બાઇ, પીરોજપુર ગયા છે ભાઇ ।।૬।।

ગયા એમના દાદાને સંગે, હાલ પધારશે રૂડે રંગે । એમ કેછે પરસ્પર વાત, ત્યાં તો આવ્યા છે ભૂધર ભ્રાત ।।૭।।

ચંદનબાયે કર્યો વિવેક, પતાસાં આપ્યાં છે ત્યાં વિશેક । ઇચ્છારામને આપ્યાં છે પ્રીતે, હેતે રમાડ્યા છે રૂડી રીતે ।।૮।।

પછી સુવાસિની પ્રીત પ્રોઇ, કરી તૈયાર સર્વ રસોઇ । તેમને જમાડ્યાં છે ભોજન, ઘણા સંતોષ પમાડ્યાં મન ।।૯।।

બેઉ રહ્યાં છે મૂર્તિને ઘેર, વર્તે નિર્મલ આનંદભેર । એક દિવસની કહું વાત, ચંદનબા વસંતા વિખ્યાત ।।૧૦।।

 

જોડે દળવા બેઠાં જરૂર, દરણું લેઇ ધારીને ઉર । પ્રાતઃકાળનો સમય જાણી, પ્રભાતી રાગે ગાય છે તાણી ।।૧૧।।

 

તુલસીદાસે કરેલાં જેહ, કરે ઉચ્ચાર મુખેથી એહ । તેમાં એવું બોલ્યાં છે ઉત્સાહે, ઉઠો લાલ પ્રભાત ભયાહે ।।૧૨।।

રૂડો પલંગ સુંદર સાર, તેમાં પોઢ્યા છે પ્રાણઆધાર । ઓશરીમાં કર્યું છે શયન, ત્યાંથી બોલી ઉઠ્યા ભગવન ।।૧૩।।

હે માસી હું તો જાગું છું આંય, કામ શું છે તમારે કો ત્યાંય । માસી કહે સુણો તમે ભાઇ, કોણ તમને બોલાવે છે આંઇ ।।૧૪।।

પ્રભુને જગાડીયે છૈયે અમે, તેમાં જાગીને બોલો છો તમે । એમ કહી તે દળવા જાય, કરે કૌતુક ત્યાં જગરાય ।।૧૫।।

કર લાંબો વધાર્યો પ્રભુએ, ઘંટી ઉપર મુક્યો વિભુયે । મુક્યો હરિયે બોજ અપાર, નથી તણાતી ઘંટી લગાર ।।૧૬।।

ઘંટી ઉપર કેનો છે હાથ, એમ બોલ્યાં વસંતા સનાથ । ત્યારે બોલ્યા છે અક્ષરપતિ, સુણો માસી તમે મહામતી ।।૧૭।।

જેને જગાડો છો તમે જોતે, તેણે હાથ મુક્યો છે આ પોતે । ત્યારે તે કર કોરે ખસડે, બેઉ કરેછે પ્રયાસ જોડે ।।૧૮।।

નથી ઉપડતો તે જ હાથ, પામે આશ્ચર્ય બે મન સાથ । બેઉ બેનો કરે છે એ હાસ, ત્યારે મૂર્તિમાતા બોલ્યાં તાસ ।।૧૯।।

દળવાનો મુકો તમે પાર, હમણાં થઇ જાશે સવાર । ત્યારે બોલ્યાં વસંતા તે ઠામ, ઘંટી દબાવી છે ઘનશ્યામ ।।૨૦।।

ચક્કી ઉપર મુક્યો છે હાથ, ઘણો બોજ ધર્યો છે તે સાથ । તેમાં આ ઘંટી ખેંચાતી નથી, હવે શું કહીયે ઘણું કથી ।।૨૧।।

અમારાથી શ્રીહરિનો કર, નથી ખસતો તે તલભર । ભક્તિમાતા આવ્યાં લેઇ દીવો, જુવે તો હાથ મુક્યો છે એવો ।।૨૨।।

મૂર્તિમાતા કહે મારા તન, હાથ ઉપાડી લ્યો ભગવન । ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, સુણો સુખદાતા મુજ માય ।।૨૩।।

માસી કોને જગાડે છે આજ, માતા પુછી જુવો તમે કાજ । વસંતા માસી કે લ્યો તમને, જગાડું છું દળવા દ્યો મને ।।૨૪।।

હાથ લેઇ લીધો દીનાનાથે, પાછા બોલ્યા છે માસીને સાથે । પેલેથી કહ્યું હોત અમને, આ મેનત ન થાત તમને ।।૨૫।।

માસી કે જાણતાં નોતાં આમ, હરિકૃષ્ણ તમારૂં આ કામ । ત્યારે કૃષ્ણ કહે તેણીવાર, ઘણો દેખાડ્યો છે ચમત્કાર ।।૨૬।।

માસી તે તો તમે ભુલી ગયાં, આવાં અજાણ્યાં શું આજ થયાં । વસંતા કે સુણો ભગવંત, તવ માયા બહુ બલવંત ।।૨૭।।

તેણે કરી ભુલ્યાં અમે ભાન, હવે ક્ષમા કરો ભગવાન । ગદગદ કંઠે થયાં માસી, જાણ્યા ભાણેજને અવિનાશી ।।૨૮।।

પગે લાગ્યાં છે મસ્તક નામી, તમે બલવંત સુખધામી । એવી લીલા કરે અલબેલો, સુખ આપે છે સર્વને છેલો ।।૨૯।।

વળી એક દિન ત્રીજો પોર, ભુખ્યા થયા છે ધર્મકિશોર । ચંદાબાઈને કહે સોહાગી, માસી મને ક્ષુધા બહુ લાગી ।।૩૦।।

માટે ભોજન આપોજ હાલે, હવે જમ્યા વિના નહિ ચાલે । ત્યારે બોલ્યાં છે ત્યાં ચંદાબાઇ, ખાવા આપું ઘનશ્યામભાઇ ।।૩૧।।

કમોદના પુંવા દહીં આપંુ, તે તો હાલ જમો તમે બાપુ । રસોઇ થાશે તે થોડી વારે, ત્યારે જમજો રૂડા પ્રકારે ।।૩૨।।

વળી બોલ્યા શ્રીજીમહારાજ, ના એમ તો નહિ ચાલે આજ । શાક રોટલી જોઇએ હાલ, તમે કરી આપો તતકાળ ।।૩૩।।

ત્યારે માસી થયાં છે તૈયાર, તરત ગયાં રસોડા મોઝાર । અગ્નિ પાડ્યો છે ચુલની માંયે, પર્વળ શાક વઘાર્યું ત્યાંયે ।।૩૪।।

રોટલી કરવા બાંધ્યો પિષ્ટ, ઉઠ્યાં આડણી લેવા તે ઇષ્ટ । આડણી કર લીધી જે વારે, પડી ગઇ હાથથી તે ઠારે ।।૩૫।।

રુડી પથ્થરની હતી સાર, તેના કટકા થઇ ગયા ચાર । ચંદાબાઇ તો થયાં ઉદાસ, હવે શું કરવું અવિનાશ ।।૩૬।।

એવું જાણીને અંતરજામી, બોલ્યા માસી પ્રત્યે બહુનામી । તમને શા માટે ચિંતા લાગી, જુવો આડણી તો નથી ભાંગી ।।૩૭।।

એમ કહી તે કરમાં લીધી, જેવી હતી તેવી કરી દીધી । લેઇને આપી માસીના હાથે, એવું કામ કર્યું રમાનાથે ।।૩૮।।

ચંદાબા પામ્યાં આશ્ચર્ય મન, ઘનશ્યામભાઇ તમે ધન્ય । રોટલી શાક કર્યું તૈયાર, પ્રભુને જમાડ્યા તેણી વાર ।।૩૯।।

તે સમય ત્રૈણે નાના બંધુ, આંગણામાં રમે ગુણસિંધુ । માણકધર બસ્તી ઇચ્છારામ, જમતા જોયા શ્રીઘનશ્યામ ।।૪૦।।

ઘરમાં આવી બોલ્યા વચન, માતા અમને આપો ભોજન । બહુ ભુખ લાગી છે અમને, હવે શું ઘણું કૈયે તમને ।।૪૧।।

શાક રોટલી જોઇયે અમારે, એમાં ઢીલ ન કરવી તમારે । ચંદાબાઇ કે ત્રૈણેને કથી, શાક રોટલી તો હવે નથી ।।૪૨।।

હતી તે તો જમ્યા છે જીવન, સત્ય માની લેજ્યો તમે મન । પુંવા કમોદના છે તૈયાર, દહીં આપું હું સુંદર સાર ।।૪૩।।

તેને જમો તમો ત્રૈણે ભાઇ, એવું બોલ્યાં છે ચંદનબાઇ । ત્યારે ત્રૈણે બોલ્યા છે જુજવા, નથી જમવા અમારે પુંવા ।।૪૪।।

એમ કહીને રીસાઇ જાય, જમતાં બોલ્યા શ્રીહરિરાય । હે માણકધર પાછા આવો, ઇચ્છારામ બસ્તીને બોલાવો ।।૪૫।।

આપણે ચારે ભેગા જમીયે, પછે આંગણાં આગે રમીયે । માણકધર કે એ વચન, હવે જમ્યા પછી શું જીવન ।।૪૬।।

શ્રીહરિ કહે કે ભાઇલાલ, હું તો જમવા બેઠો છું હાલ । હજુ શાક ટાઢું થયું નથી, પુછી જુવો માસીને મુખથી ।।૪૭।।

ત્યારે પાછા વળ્યા ત્રૈણે લાલ, ભેગા જમવા બેઠા તત્કાળ । ચંદનમાસી બોલ્યાં વચન, તમે સુણોને જગજીવન ।।૪૮।।

બે રોટલીયો કરી છે અમે, એમાં શું જમશો ચારે તમે । ત્યારે બોલ્યા છે તે બસ્તીભાઇ, રોટલી ઘણી છે પાત્રમાંઇ ।।૪૯।।

માસી કે ભલે હોય તો જમો, પછે આનંદથી તમે રમો । એમ કરતાં જમી રહ્યા જ્યારે, ચળુ કરીને ઉઠ્યા છે ત્યારે ।।૫૦।।

તો પણ થાળીમાં હતી જેહ, રોટલી વધી બેની બે તેહ । એવું દેખીને ચંદનબાઇ, વિચારે મન આતો નવાઇ ।।૫૧।।

વિસ્મે પામ્યાં થકાં મહામતી, આવ્યાં બેઠાં છે જ્યાં પ્રેમવતી । ભક્તિમાતા ને વસંતાબાઇ, સતી સુવાસિની ત્યાં સુહાઇ ।।૫૨।।

કરે લીલા ત્રિભુવનત્રાતા, ભયહારી છે ભૂધરભ્રાતા । એ આદિ સર્વેને કરી વાત, તે થયાં મનમાં રળીયાત ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ પોતાની માસીને દળતી વખતે ઐશ્વર્ય દેખાડ્યું એ નામે ચુમ્મોતેરમો તરંગ ।।૭૪।।