તરંગ - ૭૫ - શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 6:52pm

 

 

પૂર્વછાયો

એકસમે ભક્તિ કહે છે, રામપ્રતાપને ત્યાંયે । ભાઇ બળતણ થૈ રહ્યું છે, કાષ્ટ નથી ઘરમાંયે ।।૧।।

ચાર દિન ચાલે તેવું છે, નથી વધારે ઘરમાંય । ચોમાસું આવ્યું નજીકમાં, હવે કાષ્ટ વિના શું થાય ।।૨।।

 

 

મોટાભાઇ કે માતા તમે, ચિંતા ન રાખો લગીર । વર્ષાદ આવ્યા મોર લાવું, ધરો મનમાં ધીર ।।૩।।

હાલ મારે કામપ્રસંગે, જાવું છે તરગામ । ત્યાંથી આવીને લાવી દેશું, માજી થશે રૂડું કામ ।।૪।।

એમ કહી જમવા બેઠા, સર્વે સંગાથે આપ । જમી ચળુ કરીને ઉઠ્યા, ભાઇ રામપ્રતાપ ।।૫।।

 

 

ચોપાઇ

 

અહિપતિ થયા છે તૈયાર, તરગામે જાવા તેણીવાર । શ્વસુર ઘરે છે કાંઇ કામ, ગયા એકલા શ્રીબલરામ ।।૬।।

 

 

થોડા દિવસ ત્યાં જઇ રહ્યા, પાછા વળવા તૈયાર થયા । ત્યારે સાસુયે મન વિચાર્યું, ટીમણ કરવા આપું સારૂં ।।૭।।

પુંવા ખાંડ મણ છે વિશેક, દહીંનું ગોરસ આપ્યું એક । રસ્તામાં આ ટીમણ કરજ્યો, સુખે નિજગામ વિચરજ્યો ।।૮।।

એમ કહી આપ્યો એક ભોઇ, તેની સાથે બંધાવ્યું છે જોઇ । પછે ત્યાં થકી તો ચાલ્યા જાય, આવ્યા મનોરમા સરિતાય ।।૯।।

તેમાં સ્નાન કર્યું બળરામે,પછે ટીમણ જમ્યા તે ઠામે । દધિ આદિક સર્વે સમાન, પોતે જમી ગયા બળવાન ।।૧૦।।

ભોઇ પાછો વળ્યો આપી રજા, પછે છુપૈયે જવાની સજા । વિસામો કર્યો ત્યાં થોડી વાર, પછે ચાલવા થયા તૈયાર ।।૧૧।।

પંથે જાતાં દેખ્યું છે પ્રત્યક્ષ, સુકાયેલું મધુતણું વૃક્ષ । મોટું થડ ૧અધ્વમાં પડ્યું છે, મોટાભાઇની દ્રષ્ટિએ ચડ્યું છે ।।૧૨।।

થયો વિચાર મનમાં એવો, મોટો છે ઘરે લઇ જાવા જેવો । ગાડાંમાં ઘાલી લૈ જાઉં ઘેર, ચાલે રસોઇમાં રુડી પેર ।।૧૩।।

ઘણાં વર્ષ સુધી પોકે એહ, પાકશાળાના કામનું જેહ । એમ વિચાર કરતા મન, ભાઇ આવ્યા તે નિજભુવન ।।૧૪।।

ચોકીયું ગાડું જોડાવી ગયા, મધુથડે જઇ ઉભા રયા । ગાડે ચડાવા કરે પ્રયાસ, નથી ચડતું થયા ઉદાસ ।।૧૫।।

કરી મેનત પોતે અપાર, હાલતું નથી તે તો લગાર । બન્યા નિરાશ ૧પન્નગરાય, હવે આ શું કરવો ઉપાય ।।૧૬।।

ઘણા માણસનું છે આ કામ, બોલાવ્યા નથી કોઇ આ ઠામ । મહાવનમાં વલે શી થાશે, તરુ કેમ કરી ઘેર જાશે ।।૧૭।।

દેહે ૨સ્વેદ વળ્યો છે અપાર, બેઠા બેઠા કરે છે વિચાર । હવે દિશ નવ સુઝે લેશ, વૃથા ગઇ છે મેનત એશ ।।૧૮।।

હરિઇચ્છાથી આવી છે ધીર, થઇ આકાશવાણી ગંભીર । સુણો રામપ્રતાપજી સાર, તમેછો શેષના અવતાર ।।૧૯।।

પૃથ્વી સાત પાતાળે સહિત, ધરી રહ્યા છો લોકને હિત । વૃક્ષ ઉપાડી શકો ન કેમ, સુણી વાત આકાશની એમ ।।૨૦।।

ત્યાં બળ વધ્યું અંગ મોઝાર, વળતાં કર્યો મન વિચાર । સંકર્ષણ હું છું અવતાર, એક વૃક્ષતણો શો છે ભાર ।।૨૧।।

એમ વિચારી હિમત ધારી, સુખકારીએ કરી તૈયારી । પછે તો ઉભા થયા છે શેષ, બળ બુદ્ધિ પામ્યા છે વિશેષ ।।૨૨।।

જમણે ૩સ્કંધે લીધું છે ત્યાંયે, ઉપાડીને મુક્યું ગાડાંમાંયે । તે ગાડું લાવ્યા ઘેર ભૂધર, આંગણામાં નાખ્યું તરુવર ।।૨૩।।

તે દેખીને આવ્યા ઘણા જન, દિગમુઢ થયા સહુ મન । અહો હે ભાઇ લાવ્યા આ ક્યાંથી, આવું કાષ્ઠ ભારે બીજું નથી ।।૨૪।।

બોલ્યા ચક્રીપતિ ત્યાં વચન, સહુ ભાઇ સુણો તમે જન । રસોઇ માટે કાષ્ઠ જ નોતું, મારાં માતૃશ્રીયે કહ્યું હતું ।।૨૫।।

મનોરમા નદીના વનમાંથી, અમે કાષ્ઠ લાવ્યા ભાઇ ત્યાંથી । એવું સુણીને સઘળા જન, નરનારી કહે ધન્ય ધન્ય ।।૨૬।।

ત્યાર પછી વિત્યા થોડા દિન, બીજી વાત કહું છું પાવન । રામનવમી ઉત્સવ આવ્યો, ધર્મ ભક્તિ તણે મન ભાવ્યો ।।૨૭।।

હરિપ્રસાદે કર્યો વિચાર, મહોત્સવ કરવા તેવાર । સગા સંબંધી સહુ તેડાવ્યાં, કંકોતરીઓ લખી બોલાવ્યાં ।।૨૮।।

સંબંધી આવ્યાં કરી હુલાસ, રામનૌમીનો છે ઉપવાસ । કથા કીર્તન વાત ભજન, સ્મરણ કર્યું થઇ એક મન ।।૨૯।।

બીજે દિવસ થયું સવાર, મૂર્તિયે કરી રસોઇ ત્યાર । પારણાં કરવાં છે તે જોડે, વિષ્ણુનો થાળ પુર્યો છે કોડે ।।૩૦।।

પ્રેમવતી જમાડે છે થાળ, ત્યાં તો આવ્યા ઘનશ્યામ બાળ । દીદી અમને લાગી છે ભુખ, જમવા આપોતો થાય સુખ ।।૩૧।।

મૂર્તિયે પિરસ્યો બીજો થાળ, પ્રભુને બેસાર્યા તતકાળ । ઠાકુરજીની પાસે ઠાકોર, જમવા બેઠા ધર્મકિશોર ।।૩૨।।

રસોઇ કરીતી આ જેટલી, હરિ જમી ગયાછે તેટલી । જમીને તૃપ્ત થયા જીવન, વદે માતાના પ્રત્યે વચન ।।૩૩।।

દીદી મારા કર ધોવરાવો, ચોખા વારીથી ચળુ કરાવો । માતુશ્રીએ કર ધોવરાવ્યા, એવે ધર્મદેવ ત્યાંહાં આવ્યા ।।૩૪।।

વૃષપ્રત્યે બોલ્યાં પ્રેમવતી, મારા સ્વામી સુણો મહામતિ । રસોઇ તો લાલ જમી ગયા, ઘનશ્યામજી તો તૃપ્ત થયા ।।૩૫।।

નથી રસોઇ એક લગાર, બીજું સિધું લાવો આણી વાર । ધર્મદેવે સુણી તેહ વાત, સિધું લેવા ચાલ્યા કરી ખાંત ।।૩૬।।

સાથે વશરામ આદિ જન, ગયા બજારમધ્યે પાવન । ત્યારે બોલ્યા પ્રભુ બહુનામી, કોટિ કોટિ બ્રહ્માંડના સ્વામી ।।૩૭।।

દીદી હશે ઘરમાં રસોઇ, રસોડામાં જુવો પ્રીત પ્રોઇ । આ મેમાનને જમાડો તમે, સત્ય વચન કહીયે અમે ।।૩૮।।

મૂર્તિમાતા કહે મારા તન, બધું જમી ગયા છો જીવન । હવે તે રસોઇ ક્યાંથી હોય, જુઠી વાત કરું નહિ કોય ।।૩૯।।

માતા જુવો રસોડામાં જૈને, પછે કામ કરો સુખી થૈને । દીદી કે તમે સુણો કુમાર, હાલ જોઇ આવી છું આ વાર ।।૪૦।।

નથી રસોડામાં તલભાર, કાંઇ રાંધેલી ચીજ તૈયાર । ખાલી પડ્યાં છે સઘળાં ઠામ, સાચું માની લેજ્યો ઘનશ્યામ ।।૪૧।।

ત્યારે શ્રીહરિ કે કેમ નથી, ચાલો મારી જોડે ત્યાં મનથી । પાત્ર ભરેલાં છે બધાં પુરાં, એમાં કોઇ નથીજ અધુરાં ।।૪૨।।

જેવાં ભરેલાં હતાં તે જેમ, રસોડામાં છે તેમનાં તેમ । ત્યારે માતા કહે ચાલો જોઉં, પછે મનનો સંદેહ ખોઉં ।।૪૩।।

ત્યારે ગયાં રસોડામાં માતા, થયા અગાડી ભૂધરભ્રાતા । માતા જુવે છે પાત્ર ધરેલાં, ત્યાંતો સર્વે દેખ્યાં છે ભરેલાં ।।૪૪।।

ખાલી નથી તે જોયું નિહાળી, ભક્તિ વિસ્મે પામ્યાં એવું ભાળી । શાક પાક ભર્યાં છે અપાર, નાનાવિધ અખુટ ભંડાર ।।૪૫।।

અતિ આનંદ પામ્યાં છે માતા, મોટાભાઇને કે સુખ-દાતા । સગાસંબંધી સર્વે મેમાન, તેને કરાવો ભોજન પાન ।।૪૬।।

શ્રીહરિપ્રતાપે આ ઠાર, રસોઇ તો ભરી છે અપાર । એમ વાત કરે છે એ જ્યાંયે, સિધું લેઇ આવ્યા ધર્મ ત્યાંયે ।।૪૭।।

પાકશાળાનું જાણ્યું વૃત્તાંત, થયા પ્રસન્ન મન મહાંત । રાજી થૈને બોલાવ્યા મેમાન, સગા સંબંધીને દીધાં માન ।।૪૮।।

સ્નેહે સહિત સૌને જમાડ્યા, વળી સર્વેને શાંતિ પમાડ્યા । સઘળા જમી રહ્યા છે જ્યારે, પાકશાળા વિષે જોયું ત્યારે ।।૪૯।।

ત્યાં તો ભરી છે સર્વે રસોઇ, પામ્યાં આશ્ચર્ય જન તે જોઇ । બીજે દિવસે સંબંધી જન, મળી બેઠાં છે નિર્મળ મન ।।૫૦।।

વારતા કરે છે સામાસામી, તે સમે બેઠા છે બહુનામી । તિયાં ભાભીના ઉત્સંગમાંયે, રમે છે રંગરસીયો ત્યાંયે ।।૫૧।।

નાના બાળકરૂપે દેખાણા, છ માસના સ્ત્રીયોને જણાણા । સૌના મને થયો એમ ભાવ, જાણે રમાડીને લૈયે લાવ ।।૫૨।।

અંતર્યામી પ્રભુ સમરથ, જાણ્યો સર્વેતણો મનોરથ । જેટલી બાઇયું છે અનુપ, પોતે ધર્યાં છે તેટલાં રૂપ ।।૫૩।।

સૌને જણાવ્યું હેત નવીન, હરિયે એક કાલાવિચ્છિન્ન । ભાવ પુરો કર્યો છે વિશેક, પછે પ્રભુ દેખાણા છે એક ।।૫૪।।

સતી સુવાસિનીબાઇ પાસ, બેઠા આનંદમાં અવિનાશ । પછે કૃષ્ણની ચોટલીમાંયે, ભાભી તેલ ભરે વળી ત્યાંયે ।।૫૫।।

કાંસકી વડે કેશ ઓળાવે, શામને બહુ લાડ લડાવે । સગા સંબંધી સર્વે મેમાન, રજા માગી લીધી દેઇ માન ।।૫૬।।

સુખ પામ્યાં થયાં છે પ્રસન્ન, ગયાં પોતપોતાને ભુવન । મહાપ્રભુજીની મૂર્તિ તે ભાળે, કામ કરતાં અહોનિશ કાળે ।।૫૭।।

કેને પાંચ દિન કેને સાત, દશ દિન કેને માસ ખ્યાત । વિશ દિન કોઇને દેખાણા, એમ સંબંધીયોને જણાણા ।।૫૮।।

એવું ચમત્કારી જે ચરિત્ર, દેખીને થયા પુન્ય પવિત્ર । વારે વારે કરે છે વિચાર, એવા ભાળીને ધર્મકુમાર ।।૫૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં એ નામે પંચોતેરમો તરંગ: ।।૭૫।।