તરંગઃ - ૭૩ - શ્રીહરિ જેતલપુરમાં આસોપાલવની હેઠે સંતની સભામાં બિરાજ્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:33am

પૂર્વછાયો

ગઢપુરે લીલા કરેછે, આપે છે સુખ અપાર । બે માસ રૈને બહુનામી, કર્યોછે મન વિચાર ।।૧।। 

જેતલપુરે જાવા માટે, ચાલ્યા ત્યાંથી નરવીર । બીજા ગામોમાં ફરતા થકા, પોચ્યા છે મતિધીર ।।૨।। 

દેવસરોવરને તટે, થયા બિરાજમાન । ગંગામાયે થાળ કર્યો, જમ્યાછે શ્રીભગવાન ।।૩।।

 

ચોપાઇ

 

મોહોલની જગ્યાને સમક્ષ, આસોપાલવનું એક વૃક્ષ । તેના હેઠે સભા કરી સાર, તેમધ્યે બિરાજ્યા ભવતાર ।।૪।। 

વાતો કરે છે તેમની સાથ, ધર્મ જ્ઞાન વૈરાગની નાથ । વળી દેવસરોવરતીર, બોરસડીનું વૃક્ષ ગંભીર ।।૫।। 

કોઇ સમે તે હેઠે અજીત, બિરાજે સંત ભક્ત સહિત । વચનામૃત આદિનો સાર, સૌને સમઝાવે નિરધાર ।।૬।। 

પ્રભુપણાનો નિશ્ચય સાર, પોતાનો કરાવે નિરધાર । રાણ્ય હેઠે સભા સજી સારી, તિયાં બિરાજેછે સુખકારી ।।૭।। 

કોઇ સમે વડની છાંય, સભાસહિત બિરાજે ત્યાંય । બ્રહ્મ મોહોલની કરે છે વાત, ભક્તનાં કષ્ટ હરે સાક્ષાત ।।૮।। 

એમ જેતલપુર મોઝાર, વ્હાલો લીલા કરે છે અપાર । ભીમ એકાદશીનો ઉત્સવ, એમ કરતાં આવી પોચ્યો એવ ।।૯।। 

મોહોલથી પશ્ચિમ દિશામાંય, મોટો વડ તરૂવર ત્યાંય । સંત હરિજને મળી સાર, હિંડોળો બાંધ્યોછે નિરધાર ।।૧૦।। 

તે હિંડોળામાં કરીને પ્યાર, પધરાવ્યા પ્રભુને તેવાર । અતિ સારાં વસ્ત્ર અલંકાર, પ્રભુજીને પેરાવ્યાં તેઠાર ।।૧૧।। 

રૂડું ચંદન પુષ્પસહિત, પ્રેમે પૂજા કરી શુદ્ધચિત્ત । આરતી ઉતારી છે વિશેક, મનોહર મૂર્તિમાં ધરી ટેક ।।૧૨।। 

મુક્તાનંદ બ્રહ્માનંદ જેહ, ગોપાલાનંદ નિર્મળ તેહ । આનંદાનંદ આદિક સંત, મળીને બેઠા છે ત્યાં મહંત ।।૧૩।। 

પકડી રેશમદોરી પાણ, શ્રીજીને ઝુલાવેછે સુજાણ । વાગે વિવિધ રીતે વાજીંત્ર, કરે છે ચરિત્ર નરમિત્ર ।।૧૪।। 

ગવૈયા ઉપર ભગવન, ગીત સુણીને થયા પ્રસન્ન । બાજુબંધ અને શેલું એક, વાજાંવાળાને આપ્યું વિશેક ।।૧૫।। 

વળી આપ્યું છે દેઇને માન, મોક્ષરૂપી અભયપદ દાન । હિંડોળે ઝુલે છે ભગવાન, ભાળી ભવ બ્રહ્મા ભુલે ભાન ।।૧૬।। 

આવ્યા આકાશમારગે દેવ, પુષ્પની વૃષ્ટિ કરેછે એવ । સંત હરિભક્ત લાખો લોક, દર્શન કરવા આવ્યા અશોક ।।૧૭।। 

તિયાં હિરાચંદ હરિજન, તેને સંશે થયો એમ મન । સ્વામિનારાયણ ભગવાન, સર્વ જગ કહેછે નિદાન ।।૧૮।।

ત્યારે વડ તરુવર એહ, તેમને ધરી રહ્યો છે તેહ । અંતર્યામીયે જાણ્યો એહ, તે હરિજનનો જે સંદેહ ।।૧૯।। 

દેખાડ્યો છે પોતાનો પ્રતાપ, અતિ અદ્ભુત ઐશ્વર્ય આપ । દક્ષિણબાહુની તર્જની થકી, તેજ પ્રકાશ્યું પ્રભુયે નક્કી ।।૨૦।। 

કોટિ કોટિ રવિ શશિ જેમ, ઉગ્યા હોય આકાશમાં તેમ । એથી અધિક તેજના તાર, છાયા બ્રહ્માંડમાંહિ અપાર ।।૨૧।। 

તેના મધ્યે મનોહર-રૂપ, અલબેલાને દેખ્યા અનૂપ । એજ આંગળીમાં સહુ ખંડ, જોયાં અનંત કોટી ત્યાં અંડ ।।૨૨।। 

અણુની પેરે ઉડેછે તેહ, કોટિ કોટિ કલ્પથી જેહ । પણ પામ્યા નથી કોઇ પાર, એવા દેખાયા જગઆધાર ।।૨૩।। 

વિસ્મે પામી ગયા લાખો જન, માન્યું મહાપ્રભુવિષે મન । એ સમે વિપ્ર દુર્બળ એક, આવ્યો વ્હાલાપાસે ધરી ટેક ।।૨૪।। 

કાકડીયો ચિભડાંની હાથ, ભેટ મુકવા આવ્યો સનાથ । પણ ભીડ થઇ છે અપાર, નવ મારગ મળે લગાર ।।૨૫।। 

કેવી રીતે આવે હરિપાસ, વિચારીને ઉભો રહ્યો દાસ । થયોછે ગદ્ગદ્ અધીર, પ્રેમથી વહે નેત્રમાં નીર ।।૨૬।। 

વિપ્ર ઉદાસી થયો અપાર, ઉભો ઉભો કરે છે વિચાર । અંતર્યામીયે જાણ્યું જરૂર, વિપ્રને ભક્તિછે ભરપુર ।।૨૭।। 

ઉતર્યા હિંડોળેથી આધાર, પધાર્યા વિપ્રપાસે તેવાર । પોતે જૈને માગી લીધી એહ, જમવા લાગ્યા શ્રીહરિ તેહ ।।૨૮।। 

અકેકા હાથે પકડી સોય, અનુક્રમે જમેછે તે જોય । થયો વિપ્ર અતિશે પ્રસન્ન, પોતાનું ભાગ્ય માન્યું છે ધન્ય ।।૨૯।। 

કરી વંદના વારમવાર, કર જોડી કર્યો નમસ્કાર । હિંડોળે બિરાજ્યા અલબેલ, કાકડી જમતા થકા છેલ ।।૩૦।। 

મુક્તાનંદ બ્રહ્માનંદ સાથ, કૃપા કરી બોલ્યા યોગિનાથ । હે મુક્તાનંદ સ્વામી પવિત્ર, હે બ્રહ્માનંદજી સુણો મિત્ર ।।૩૧।। 

આ કાકડીયો નથી થૈ આંહી, જાણે થઇ શ્વેતદ્વીપમાંહી । ઘણી મીઠી મધુરીછે સાર, એના સ્વાદતણો નહિ પાર ।।૩૨।। 

એમ વખાણે વારમવાર, અર્ધી જમી ગયા નિરધાર । દંતપંક્તિયે જમે જીવન, તે જુવે નજરે લાખો જન ।।૩૩।। 

ત્યારે બ્રહ્મમુનિ બોલ્યા વાણ, સુણો વાલિડા જીવનપ્રાણ । તમે જમો છો તે જાણો સાર, અમે શું જાણીયે નિરધાર ।।૩૪।। 

મોટા ઇશ્વર જે કોઇ હોય, એકીલા પોતે જમે ન કોય । બીજા કોઇને આપ્યા સિવાય, પેલેથી ન જમે સુખદાય ।।૩૫।। 

સુણી વચન એ સુખકારી, બ્રહ્મમુનિને આપી તેવારી । લીધી પ્રભુના કરથી સોય, ત્યારે મુક્તમુનિ બોલ્યા જોય ।।૩૬।। 

બ્રહ્માનંદ સ્વામી તો સદાય, સત્સંગની માતા કેવાય । પ્રસાદી આપ્યા વિના તે જાણો, નહી જમે સ્વામી એ પ્રમાણો ।।૩૭।। 

એવું મરમનું સુણ્યું વચન, બ્રહ્મમુનિયે વિચાર્યું મન । સર્વે સંતને આપી છે સાર, પછે પોતે જમ્યા કરી પ્યાર ।।૩૮।। 

મુક્તમુનિ કહે મહારાજ, આના કલ્યાણનું કેમ આજ । ત્યારે બોલ્યાછે સુંદરશ્યામ, સુણો મુક્તાનંદજી આ ઠામ ।।૩૯।। 

બાકી નથી રહ્યું સત્યવાણ, એનું તો થયું પરમકલ્યાણ । એમ હરિ ને હરિના જન, સાચો ભાવ દેખી રીઝે મન ।।૪૦।। 

કોટિજન્મનાં કર્મબંધન, કાપી નાખીને કરે પાવન । અંતે પમાડે અક્ષરધામ, આપે પોતાનું સુખ તમામ ।।૪૧।। 

એમ શ્રીહરિ ધર્મકુમાર, હિંડોળે બિરાજ્યા ઘણીવાર । આપ્યાં ભક્તને સુખ અપાર, અલબેલોજી પરમ ઉદાર ।।૪૨।। 

પછે મોહોલમાં દક્ષિણ દીશ, ગોખમાં બિરાજ્યા મુક્ત ઇશ । આસો પાલવના વૃક્ષતળે, સંતની સભા થઇ તે પળે ।।૪૩।। 

ઘણીવાર સુધી મોહોલમાંય, વ્હાલાયે વાત કરીછે ત્યાંય । હવે સંતની સભામોઝાર, મહાપ્રભુ પધાર્યા તેઠાર ।।૪૪।। 

આસોપાલવને ઓથ દઇ, પ્રભુ બિરાજ્યા સંતને લઇ । સંત વેષ્ટિત શોભે સભાય, કેતાં કેતાં શેષ હારી જાય ।।૪૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ જેતલપુરમાં આસોપાલવની હેઠે સંતની સભામાં બિરાજ્યા એ નામે તોંતેરમો તરંગઃ ।।૭૩।।