કારીયાણી ૩ : શુકમુનિ મોટા સાધુ છે – માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો તેનું
સંવત્ ૧૮૭૭ ના આસોવદી ૭ સાતમને દિવસ સાયંકાળને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે શ્વેત ફેંટો બાંઘ્યો હતો, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”આ શુકમુનિ બહુ મોટા સાધુ છે, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી. માટે એતો મુકતાનંદ સ્વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે; તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાં જે કોઇક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઇને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે,’ અને કોઇક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઇને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આતો અસાધુ છે.’ પણ એ માંહી તો મહાનિષ્કામી હોય માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઇને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સુતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય, ઇત્યાદિક ક્રિયાને વિષે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાંજે કોઇક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવાવસ્થામાં સરસ થાય; અને કોઇક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે, ‘મને આ ઘાટ થયો તે ઠીક નહિ’ ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય; અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહિ. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય.” તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા જે, ”સારો હોય તેને તો બાળકપણામાંથીજ છોકરાની સોબત ગમે નહિ ને જીહ્વાનો સ્વાદિયો હોય નહિ, ને શરીરને દમ્યા કરે. જુવોને મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજ્યો જે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રૂધિર ને માંસ તે રહેવા દેવું નથી.’ માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સુકવી નાખ્યું જે ‘શરીરમાં કાંઇક વાગે તો પાણીનું ટીપું નીસરે પણ રૂધિર તો નીસરે જ નહિ.’ એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય.
ત્યારે ભજનાનંદસ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઇએ, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઇએ. તેમાં શરીરના દોષ તે શું જે, શિશ્ન ઇંદ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચેળ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વેને જોઇ વળવું, તથા ઘડી એકમાં ઘણાક પ્રકારના ગંધ સુંધી લેવા, તથા વીશ પચીશ ગાઉની મજલ કરવી, તથા બળે કરીને કોઇકને મળીને તેનાં હાડકાં ભાંગી નાખવાં, તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશે ક્ષીણ થઇ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા, અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા જે, ‘હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું. એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહિ, તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહિ, માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન અને વિચાર એ બે વાનાં તો ગૃહસ્થ સત્સંગીને પણ રાખ્યાં જોઇએ ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યાંજ જોઇએ.”
ત્યારે નિષ્કુળાનંદસ્વામીએ પુછયું જે, ”હે મહારાજ ! એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે, કે વૈરાગ્યે કરીને રહેવાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”એતો મોટા સંતના સમાગમે કરીને થાય છે. અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે.” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ત્યાગી થઇને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઇચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાંજે એને એ ભોગ પ્રાપ્ત થનારા છે નહિ અને તેની ઇચ્છા રાખે છે, માટે એના સમજ્યામાં એ વાત આવી નથી, કાંજે, જે ગામ જવું નહિ તેનું નામ શું પુછવું ? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહે કરીને એને પ્રાપ્ત થવાનું છે ? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહ્યે થકે તો થાય નહિ. માટે સત્સંગમાં રહ્યે થકે તે ભોગની જે ઇચ્છા રાખે છે તે મૂર્ખ છે, કેમ જે, સત્સંગમાં જે રહેશે તેનેતો જરૂર પાળ્યું જોઇશે, જેમ કોઇ સતી થવાને નીસરી ને પછી અગ્નિ જોઇને પાછી વળે તો તેને શું તેનાં સગાં પાછી વળવા દે ? એતો જોરે કરીને બાળે. અને જેમ કોઇક બ્રાહ્મણી હોય ને તે વિધવા થઇને તે જો સુવાસિનીના જેવો વેષ રાખે તે શું તેનાં સગાં રાખવા દે ? ન રાખવા દે, તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજ્યામાં આવી નથી, અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહિ.” એવી રીતે વાત કરીને શ્રીજીમહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હવા. ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું ||૩|| ||૯૯||