ગઢડા મઘ્ય ૧૮ : નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:41am

ગઢડા મઘ્ય ૧૮ : નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું

સંવત્ ૧૮૭૮ ના માગસર વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઇ ઓઢી હતી, અને મસ્‍તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે તો ‘જેને પરમેશ્વરની ભકિત નહિ, અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્‍સલ છે, પતિતપાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહિ.’

તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્‍તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઇ કાળે છુટકો થાય. તથા બાળહત્‍યા, ગૌહત્‍યા, સ્‍ત્રીહત્‍યા ઇત્‍યાદિક જે મોટાં પાપ તેના કરનારનો પણ કોઇ કાળે છુટકો થાય ખરો, પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઇ કાળે છુટકો થાય નહિ; શા માટે જે, એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઉધી છે. તેમાં નાસ્‍તિક તો એમ સમજે છે જે ‘ રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા, અને શ્રીકૃષ્ણે દૈત્‍ય માર્યા તથા પરસ્‍ત્રીના સંગ કીધા, માટે ત્રીજા નરકમાં પડયા છે.’ એવી રીતે અધમઉઘ્‍ધારણ ને પતિતપાવન એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પરમેશ્વરની બુઘ્‍ધિ જ નથી, અને કર્મે કરીને પોતાનું કલ્‍યાણ માન્‍યું છે. તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રકટે ત્‍યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે, પણ અનાદિ પરમેશ્વર નાસ્‍તિકને મતે કોઇ નથી. જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છુટે. માટે એ મત છે તે વેદથી વિરૂદ્ધ છે.

અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે જે, ‘બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે. અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે.’ માટે જ્યારે એમ સમજાય જે, ‘હું બ્રહ્મ છું’ ત્‍યારે એને કાંઇ સાધન કરવું રહ્યું નહિ. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્‍યારે હવે ભજન પણ કોઇનું કરવું રહ્યું નહિ, એમ માનીને પછી પાપ કરતાં પણ બીવે નહિ, અને મનમાં એમ સમજે જે, ‘આપણે નિર્ગુણ માર્ગને પામ્‍યા છીએ માટે આપણે ફરીને જન્‍મ નહિ ધરવો પડે.’ પણ એ શુષ્કવેદાંતિ એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્‍મ મરણ ઠેરાણું. કેમ જે એ એમ કહે છે જે, ‘ બ્રહ્મ છે તે સ્‍થાવર જંગમરૂપ થયા છે.’ ત્‍યારે જે જીવ હોય તેને માથે તો જન્‍મ મરણ હોય, તે જન્‍મ મરણ બ્રહ્મને માથે આવ્‍યું. અને એ તો એમ જાણે છે જે, ‘અમે જન્‍મ મરણથી છુટીશું’ પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્‍મ મરણ સાચું થયું, ત્‍યારે આપણ પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મસ્‍વરૂપ માનીશું તો પણ જન્‍મમરણ નહિ ટળે. માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્‍યો છે તે ખોટો થઇ જાય છે, તો પણ કોઇ તપાસીને જોતા નથી, અને જીભે તો એમ બકે છે જે, ‘ આપણે તો બ્રહ્મસ્‍વરૂપ છીએ તે કેનું ભજન કરીએ ? અને કેને નમસ્‍કાર કરીએ ?’ એમ માનીને અતિશે અહંકારી થઇ જાય છે. અને સમજ્યામાં તો કાંઇ આવ્‍યું નહિ તો પણ જ્ઞાનીનું માન લઇને બેઠા છે, પણ એમ વિચારતા નથી જે, ‘ પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઇ ગયો.’ અને એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે.

અને સાચા જ્ઞાની જે નારદ-સનકાદિક, શુકજી તે તો નિરંતર ભગવાનનું ઘ્‍યાન, નામરટન અને કીર્તન તેને કરે છે. અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્નમુક્ત છે, તે તો બ્રહ્મસ્‍વરૂપ છે અને કાળના પણ કાળ છે, તો પણ પરમેશ્વરનું ઘ્‍યાન, નામરટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે; અને પોતે અક્ષરસ્‍વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરૂષોત્તમ ભગવાન તેના દાસ થઇને વર્તે છે. અને બદરિકાશ્રમને વિષે જે ઉઘ્‍ધવ ને તનુ ઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભકિત કર્યા કરે છે, અને એ શુષ્કવેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે. તો પણ ભગવાનનું ઘ્‍યાન, સ્‍મરણ કે વંદન કરતા નથી. અને નારદ-સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થિ છે ને જેવું જ્ઞાન છે; તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત તેને વિષે જેવી સામર્થિ છે ને જેવું જ્ઞાન છે. તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થિ છે ને જેવું જ્ઞાન છે, તેના કોટિમા ભાગની પણ એ શુષ્કવેદાંતિને વિષે સામર્થિ પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સામાવડિયા થઇને બેઠા છે; માટે એ પાકા અજ્ઞાની છે, અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો કોટિ કોટિ કલ્‍પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ એનો છુટકો નહિ થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે, અને જેમ સત્‍પુરૂષનો જે સંગ તેથી કોઇ મોટું પુણ્‍ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્કવેદાંતિ તેના સંગથી કોઇ મોટું પાપ નથી. માટે જેને કલ્‍યાણને ઇચ્‍છવું તેને નાસ્‍તિક તથા શુષ્કવેદાંતિનો સંગ કરવો જ નહિ,’ ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૧૮|| ૧૫૧ ||