રાગ ગરબી -
પદ - ૧
શ્યામના દર્શન કરીએ સાહેલી, શ્યામનાં દર્શન કરીએ રે;
ચાલો છપૈયા શહેરમાં જઈએ. શ્યામનાં. ટેક.
શણગાર સારા સજયા શામળિયે, નીરખી અંતર ઠરીએ;
નીરખી અંતર ઠરીએ સાહેલી. શ્યામનાં. ૧
જામો જરીનો પાઘ સોનેરી, તેમાં તોરા ધરીએ રે. શ્યામનાં. ૨
સુંથણલી સારી હીરની નાડી, ફુમકાં ફુલ્યાં જરીએ રે. શ્યામનાં. ૩
હાર હજારી પહેર્યો પાતળીયે, ઊર શોભે ઉતરીએ રે. શ્યામનાં. ૪
પુંચી કડાં નંગ જડીયલ બાજુ, વેઢ વટી આંગળીએ રે. શ્યામનાં. ૫
ઘુઘરા ઘમકે પગમાં તોડા, ચાલે ચટક ચાખડીએ રે. શ્યામનાં. ૬
દાસ બદ્રિનાથ કહે કરજોડી, ચાલો ચરણમાં પડીએ રે. શ્યામનાં. ૭
પદ - ૨
જન્મ સુફળ થયો આજ સાહેલી,
છેલ છબીલા શ્યામને નીરખી રે. જન્મ.
ધામ છપૈયે આવીને આપણાં, સર્યાં તે સર્વે કાજ રે. જન્મ. ૧
ધન્ય ધન્ય આજ ઘડી સાહેલી, ધન્ય જોયા મહારાજ રે. જ. ૨
હેતે હરિગુણ ગાઈએ મારી બેની, લોક તણી તજી લાજ રે. જ. ૩
નારાયણસર નાહીએ સાહેલી, જેમાં નાહ્યા મહારાજ રે. જ. ૪
અડસઠ તીરથ આવી વસ્યાં છે, નારાયણસર આજ રે. જ. ૫
ધામ છપૈયે જે જન જાવે, તેનાં સરે સહુ કાજ રે. જન્મ. ૬
દાસ બદ્રિનાથ શ્યામ ચરણમાં, રહ્યો તજી લોક લાજ રે. જ. ૭
પદ - ૩
ધન્ય છપૈયા ધામ સાહેલી ધન્ય.
જગનો જીવનજી જીયાં પધાર્યા ધન્ય.
ભક્તિ ધરમના પુત્ર થઈને, નામ ધર્યું ઘનશ્યામ રે. ધન્ય. ૧
સખા સંગાથે ખેલ કર્યાની, અંતરમાં ઘણી હામ રે. ધન્ય. ૨
આંબા વાડીમાં રમવા કાજે, ગયા સુખે અભીરામ રે. ધન્ય. ૩
કાલીદત્ત ત્યાં કપટ કરીને, આવ્યો તે કરવા કામ રે. ધન્ય. ૪
અંતરજામી અંતરની જાણી, તેને માર્યો તેહ ઠામ રે. ધન્ય. ૫
તીરે તળાવને રમતાં વાગ્યો, ખાંપો સાથળમાં શ્યામ રે. ધ. ૬
બદ્રિનાથ કહે તેનું પડ્યું છે, ખાંપા તલાવડી નામ રે. ધન્ય. ૭
પદ - ૪
નારાયણસર નાય રસીલો, નારાયણસર નાય રે
સખા સંગાથે ખેલ કરીને. નારાયણ.
સખા તે શ્યામને ઝાલવા જાય તો, ડુબકી મારીને સંતાય રે. ના.૧
કાન કુંવરને નાતા જોઈને, જન રાજી બહુ થાય રે. નારા. ૨
દેવ વજાવે દુંદુભી વાજાં, પુષ્પ વૃષ્ટિ બહુ થાય રે. નારા. ૩
આકાશમાં અપસરા આવી, ગુણ ગોવિંદના ગાય રે. નારા. ૪
જગના જીવનની લીલા જોઈને, શંકર સુખીયા થાય રે. નારા. ૫
નારદ નૌતમ વિણા બજાવે, તુંબરુ તાનમાં ગાય રે. નારા. ૬
દાસ બદ્રિનાથ શ્યામની ઊપર, તન મન વારી જાય રે. નારા. ૭
Disqus
Facebook Comments