સખી ચાલો છપૈયા ગામ જાઈયે જોવાને (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:46pm
રાગ ગરબી
પદ - ૧
સખી ચાલો છપૈયા ગામ જાઈયે જોવાને,
ત્યાં શોભે છે શ્રી ઘનશ્યામ. જાઈયે. ૧
તેમાં મંદિર મણીમય સાર. જાઈયે.
તેની શોભા તણો નહિ પાર. જાઈયે. ૨
કાજુ કનકનું સિંહાસન. જાઈયે.
માંઈ જડ્યાં બેઊ રતન. જાઈયે. ૩
વળી હીરા તણી બહુ હાર. જાઈયે.
મણી માણેક જડ્યા અપાર. જાઈયે. ૪
તેના ઊપર શોભે સુખધામ. જાઈયે.
દાસ બદ્રિનાથનો શ્યામ. જાઈયે. ૫
 
પદ - ૨
સારી શોભા કહું વળી આજ. સાંભળો સાહેલી.
રૂડા શોભે છે શ્રી મહારાજ. સાંભળો. ૧
સુંથણલી શોભે સાર. સાંભળો.
પાય ઝાંઝરનો ઝમકાર. સાંભળો. ૨
પેર્યો જામો નંદનો લાલ. સાંભળો.
કાજુ કરમાં રેશમી રુમાલ. સાંભળો. ૩
પેર્યાં કનક કડાં બેઊ હાથ. સાંભળો.
વળી પોંચી પેરી મારે નાથ. સાંભળો. ૪
જોઈ બદ્રિનાથનો શ્યામ. સાંભળો.
રાખો અંતરમાં આઠું જામ. સાંભળો. ૫
 
પદ - ૩
વળી નેણાં ભરીને આજ. જુવો જીવનને.
મેલી લોક તણી તે લાજ. જુવો. ૧
બાંયે બાંધ્યા છે બાજુબંધ. જુવો.
સારું શેલું શોભે છે સ્કંધ. જુવો. ૨
હૈયે પેર્યો છે હેમનો હાર. જુવો.
માળા મોતીની શોભે અપાર. જુવો. ૩
કંબુ કંઠે શોભે મણી નીલ. જુવો.
દાઢી હેઠે છે શ્યામને તીલ. જુવો. ૪
જોઈ વાલાનું રૂડું અંગ. જુવો.
દાસ બદ્રિનાથ મગન. જુવો. ૫
 
પદ - ૪
મંદ મંદ હસે છે માવ, જોઈને જીવું છું.
આજ આવ્યો અલોકિક લાવ. જોઈને. ૧
શોભે અધર પ્રવાલાં લાલ. જોઈને.
વળી શોભે છે સુંદર ગાલ. જોઈને. ૨
કાજુ દાડમ કલિ જેવા દાત. જોઈને.
જોઈ પામે જન શાંત. જોઈને. ૩
રૂડી નાસિકા કિર સમાન. જોઈને.
લોચનિયાં તિખાં બાંણ. જોઈને. ૪
શિર સોનેરી પાઘ સોહાય. જોઈને.
જોઈ બદ્રિનાથ વારિ જાય. જોઈને. ૫ 
Facebook Comments