રાગ – વિભાસ
પદ - ૧
શોભા સાગર શ્યામ ;તમારી, મૂરતિ પ્યારી રે;
મૂરતિ પ્યારી રે, નાખું મારા, પ્રાણ વારી રે. શોભા સાગર૦ ટેક.
સુંદરતા જોઈ મુખની શશિ, સુર લજાઇ રે;
મુખ દેખાડી નવ શકયા, વસ્યા ગગન જાઇ રે. શોભા સાગર૦ ૧
માન હર્યું મણીધરનું, શીખા કેશ કાળે રે;
અવની ઊપર રહી ન શકયા ગયા પાતાળે રે. શોભા સાગર૦ ૨
ચંચળ લોચન જોઈને, લજજા પામ્યા તીન રે;
ખંજન કુરંગ વન વસ્યાં, જળે બુડ્યાં મીન રે. શોભા સાગર૦ ૩
ચાલ ચતુરાઇ જોઈને, ગજ કરે ધિક્કાર રે;
પ્રેમાનંદ કહે શિર નાખે, ધુળ વારંવાર રે. શોભા સાગર૦ ૪
પદ - ૨
વાલી લાગે વાલમ તારા, મુખની વાણી રે;
મુખની વાણી શ્રવણે સુંણી, હું લોભાણી રે. વાલી૦ ટેક.
મુખની વાણી સાંભળી, તજી ચંચળતાઈ રે;
સ્થિર થઈને સેવે ચરણ, રમા ડાહી રે. વાલી૦ ૧
મુખની વાણી સાંભળી રાચ્યા, સુંદર રૂપે રે;
જગત સુખને પરહરી, લીધો ભેખ ભૂપે રે. વાલી૦ ૨
વાણી સાંભળી સનકાદિકે, લીધી હૈયે ધારી રે;
ધરથી ઘર ન માંડ્યાં, રહ્યા બ્રહ્મચારી રે. વાલી૦ ૩
મુખની વાણી સાંભળી, મારે પ્રીત બંધાણી રે;
પ્રેમાનંદ કહે તન મન કરું, કુરબાણી રે. વાલી૦ ૪
પદ - ૩
ઓરા આવો છેલ તમારું, છોગલું જોઉં રે;
છોગલું જોઉં રે છેલા, મારા મનમાં પ્રોઉં રે. ઓરા૦ ટેક.
છોગલું તારું અટક્યું મારા, ઊરમાં આવી રે;
મોહન તારી મૂરતિ મારાં, મનમાં ભાવી રે. ઓરા૦ ૧
મુખતણે મરકલડે, મુને ઘેલડી કીધી રે;
સામું જોઈ તમે શામળા, શુદ્ધ બુદ્ધ લીધી રે. ઓરા૦ ૨
શુદ્ધ ભૂલી શરીરની, દીલ કયાંય ન ગોઠે રે;
મનડું વધ્યું માહેરું, નેણની ચોટે રે. ઓરા૦ ૩
એટલું હવે કરજો, માણીગર માવા રે;
પ્રેમાનંદના નેણાંમાં, રહો આવા ને આવા રે. ઓરા૦ ૪
પદ - ૪
કા’ન તમારે કારણે હું તો, ઘેલડી ડોલું રે;
ઘેલડી ડોલું રે, તમ વિના બીજું કાંઈ ન બોલું રે. કાન૦ ટેક.
લોકડીયાંની લાજ મેલી, સંસારથી તોડી રે;
મન કર્મ વચને માવજી, તમ સાથે જોડી રે. કાન૦ ૧
બીક મેં તો સંસારની સર્વે, કાઢી બારી રે;
રાજીવ લોચન રસિયા, થઈ રહી તમારી રે. કાન૦ ૨
તમે મારા હું તમારી, દુરિજન ન જાણે રે;
પ્રીતમ વાતું પ્રેમની, નવ મળે નાણે રે. કાન૦ ૩
રાજી રહો રસિયાજી, કહેવું ઘટે તે કહેજો રે;
પ્રેમાનંદના નાથજી, દર્શન દેજો રે. કાન૦ ૪